'બિહારમાં શિક્ષકોને જ્ઞાતિ આધારે મળશે પગાર', શું છે હકીકત?

    • લેેખક, ફૅક્ટ-ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

સોશિયલ મીડિયા પર શૅર કરાઈ રહ્યું છે કે બિહારમાં શિક્ષકોને હવે જ્ઞાતિ આધારિત વેતન આપવામાં આવશે.

સવર્ણ વર્ગના આર્થિક દૃષ્ટિએ નબળા લોકોને અનામત આપવાના વડા પ્રધાન મોદીના નિર્ણય સાથે જોડીને આ બાબતને શૅર કરાઈ રહી છે.

કેટલાક લોકોએ લખ્યું છે, "એક જ વિદ્યાલયમાં કામ કરતા બે અલગ જ્ઞાતિના શિક્ષકોમાંથી કોઈ એક ચોક્કસ જ્ઞાતિના શિક્ષકને વેતન અંગે પ્રાથમિકતા, ભલેને પછી લઘુમતી કે પછાત જ્ઞાતિના લોકોને ત્રણ મહિનાનું વેતન ન મળે."

કેટલાક લોકોએ ફેસબુક પર પોસ્ટ કરી છે કે "મોદી સરકારનો નિર્ણય, જ્ઞાતિના આધારે વેતન ચૂકવવામાં આવશે. એસસી/એસટી કર્મચારીઓને પહેલાં બિહાર સરકાર વેતન આપે."

આ સમાચારની ખરાઈ કરવા માટે કેટલાક લોકોએ બિહાર સરકારના આદેશની એક ઝાંખી કૉપી પણ સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

કેટલાક લોકોએ બિહારની સ્થાનિક વેબસાઇટમાં પ્રકાશિત થયેલા સમાચારની લિંક પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

એમાંથી જ એક વેબસાઇટનો દાવો છે કે નવી નીતિના આધારે જ શિક્ષકોને ઑક્ટોબર તથા નવેમ્બરનું વેતન આપવામાં આવ્યું છે અને કેટલીક જ્ઞાતિઓના શિક્ષકોનું વેતન હજુ પણ અટકેલું છે.

વેબસાઇટ પ્રમાણે 6 હજારથી વધારે લોકોએ આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

પણ આ તમામ દાવા ખોટા છે. અમારી તપાસમાં જાણવા મળ્યું કે બિહાર સરકારે આવી કોઈ જ નીતિ બનાવી નથી, જે અંતર્ગત શિક્ષકોને જ્ઞાતિ આધારે વેતન આપવામાં આવે.

તમે આ વાંચ્યું કે નહીં?

જ્ઞાતિ આધારિત વેતનની વાત ક્યાંથી આવી?

બિહારની શિક્ષણ યોજના પરિષદના રાજ્ય પરિયોજના નિદેશક સંજય સિંહે બીબીસીને જણાવ્યું કે બિહાર સરકારે આવી કોઈ જ નીતિ બનાવી નથી, જે અંતર્ગત શિક્ષકોને જ્ઞાતિ આધારે વેતન આપવામાં આવે.

તેમણે કહ્યું, "3 જાન્યુઆરીએ અમે પ્રાથમિક શાળાઓમાં ભણાવતા શિક્ષકોનોને બે મહિનાનું વેતન ઉપલબ્ધ કરાવ્યું હતું."

"વેતનના પૈસા દરવખતની જેમ બે ભાગ(જનરલ અને એસસી)માં મોકલ્યા હતા પણ જિલ્લાના અધિકારીઓને લખેલા પત્ર અંગે લોકોને અણસમજ થઈ."

સંજય સિંહે જણાવ્યું કે કેન્દ્ર સરકાર શિક્ષણ સંલગ્ન કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ જેમ કે સર્વ શિક્ષા અભિયાન માટે જે પૈસા રાજ્ય સરકાર મોકલે છે, તેને બે ભાગ(જનરલ અને એસસી)માં મોકલે છે.

સંજય સિંહે કહ્યું કે સરકાર ફંડમાં આ પ્રકારના ભાગ ઑડિટમાં કરતી હોય છે.

બિહારના રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના કાર્યકારી અધ્યક્ષ મિથિલેશ શર્માએ બીબીસીએ જણાવ્યું કે વેતનમાં અનિયમિતતા અંગે પ્રાથમિક શિક્ષકોની ઘણી ફરિયાદો છે.

પણ જે રીતે ઑક્ટોબર અને નવેમ્બરનું વેતન જાન્યુઆરીમાં આપવામાં આવ્યું અને આદેશમાં બે ભાગનો ઉલ્લેખ કરવામાં આવ્યો, એના કારણે શિક્ષકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે શું હવે સરકાર જ્ઞાતિના આધારે વેતન આપવાની છે.

સંજય સિંહે 3 જાન્યુઆરીએ જે આદેશ જાહેર કર્યો હતો, એના આધારે દૈનિક ભાસ્કરમાં પણ 4 જાન્યુઆરીએ સમચાર પ્રકાશિત થયા હતા.

જેનું શિર્ષક હતું - "જ્ઞાતિના આધારે હવે શિક્ષકોને વેતન મળશે, વિરોધમાં સળગાવાશે આદેશની નકલો." આ સમાચાર પણ સોશિયલ મીડિયા અને વ્હૉટ્સઍપ પર ઘણા લોકોએ શેર કર્યા હતા.

સંજય સિંહે જણાવ્યું કે તેમણે 5 જાન્યુઆરીએ અન્ય એક આદેશ જાહેર કર્યો અને 3 જાન્યુઆરીના આદેશની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો.

આ આદેશમાં તેમણે લખ્યું છે કે જિલ્લા કાર્યક્રમ પદાધિકારી દ્વારા મોકલવામાં આવેલા નાણાંમાંથી જ શિક્ષકોના વેતનની ચૂકવણી કરે.

આ માટે 'બિહારમાં જ્ઞાતિ આધારે શિક્ષકોને વેતન આપવાની' વાત સંપૂર્ણ રીતે ખોટી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો