You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે ચોર કહ્યા?
- લેેખક, ફૅક્ટ-ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
ભારતનાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે પણ 'વડા પ્રધાનને ચોર' કહ્યા, આ દાવા સાથે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
રફાલ ડીલ પર મુખ્ય વિપક્ષ પાર્ટી કૉંગ્રેસના આરોપોનો જવાબ આપતા નિર્મલા સીતારમણે સંસદમાં આશરે બે કલાક લાંબુ ભાષણ આપ્યું હતું.
ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓએ સંરક્ષણ મંત્રીના આ ભાષણને તેમના પર લાગી રહેલા આરોપોને 'એકદમ સટીક જવાબ' ગણાવ્યું, તો પાર્ટી સમર્થકોએ લખ્યું કે આ સંરક્ષણ મંત્રીનું અત્યાર સુધી સૌથી આક્રમક ભાષણ હતું.
સંરક્ષણ મંત્રીના આ ભાષણનો માત્ર 10 સેકેન્ડ લાંબો એક ભાગ હવે સોશિયલ મીડિયા અને વૉટ્સએપ પર એ કહીને શૅર કરવામાં આવી રહ્યો છે કે તેમણે સંસદમાં સ્વીકાર કર્યો છે કે 'વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચોર છે.'
આ વીડિયોને જે ફેસબુક પેજ અને ટ્વિટર હેન્ડલ પર શૅર કરવામાં આવ્યો છે, તેમાં મોટાભાગના લોકોએ પોતાને કૉંગ્રેસ સમર્થક અથવા ભાજપ વિરોધી લખ્યા છે.
માત્ર ફેસબુક પર જ આ વીડિયોને 50 હજાર કરતાં વધારે વખત જોવામાં આવ્યો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
વીડિયો પ્રમાણિક લાગે તે માટે સંરક્ષણ મંત્રીના ભાષણનો આ ભાગ ભારતના રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલો પરથી લેવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ આ દાવો કે સંરક્ષણ મંત્રીએ પીએમને ચોર કહ્યા, તે સંપૂર્ણપણે ખોટો છે અને તેમના ભાષણને ખોટો સંદર્ભ આપીને શૅર કરવામાં આવી રહ્યો છે.
સંરક્ષણ મંત્રીએ શું કહ્યું હતું?
શુક્રવારના રોજ સંસદમાં રફાલ ડીલ પર મોદી સરકારનો પક્ષ રજૂ કરતા સંરક્ષણ મંત્રીએ કૉંગ્રેસ પાર્ટી પર શાબ્દિક હુમલો કર્યો હતો અને તેમના નેતા રાહુલ ગાંધી દ્વારા તેમને 'ખોટા' તેમજ પીએમ મોદીને 'ચોર' કહેવાની વાતની ટીકા કરી હતી.
સંસદમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું, "હું ગૃહમાં વધુ એક સ્પષ્ટતા કરવા માગીશ કેમ કે અહીં હાજર અન્ય દરેક વ્યક્તિની જેમ હું પણ કોઈનું નામ લેવાને લઈને સેન્સિટિવ છું."
"ભલે અહીં તેમનાં સાચાં નિવેદનો રાખવામાં આવ્યાં હોય... પહેલાં કહેવામાં આવ્યું કે સંરક્ષણ મંત્રી ખોટાં છે..."
"જોકે, ત્યારબાદ તેમને સંસદની કાર્યવાહીમાંથી હટાવી દેવાયા પરંતુ હું માનું છું કે આ અસંસદીય હતું."
"હવે કહેવામાં આવ્યું કે સંરક્ષણ મંત્રી ખોટું બોલી રહ્યાં છે.. વડા પ્રધાન ચોર છે.. વડા પ્રધાન ખોટું બોલી રહ્યા છે."
"આ વાત પણ અહીં (સંસદ)માં બોલવામાં આવી સ્પીકર મેડમ. વિપક્ષ આ પ્રકારનાં નિવેદનો આપી રહ્યો છે અને અમારી પાસે આશા રાખવામાં આવે છે કે અમે મૌન રહીએ."
તેમનું આખું ભાષણ સંસદીય કાર્યવાહીમાં નોંધાયેલું છે અને સરકારી ન્યૂઝ ચેનલ ડીડી ન્યૂઝના યૂ-ટ્યૂબ પેજ પર સાંભળી શકાય છે.
સંરક્ષણ મંત્રીનું ભાષણ યૂ-ટ્યૂબ લિંક ટ્વિટર પર શૅર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લખ્યું હતું, "રફાલ ડીલ પર જુઠ્ઠાણું ફેલાવવા અંગે જે કૅમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે, તેને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં તોડી પાડ્યું છે. તેમનું ભાષણ ચોક્કસ સાંભળો."
પરંતુ સંરક્ષણ મંત્રીના ભાષણને એડિટ કરી માત્ર એ ભાગ કાઢવામાં આવ્યો જ્યાં તેઓ 'વડા પ્રધાન ચોર છે' કહેતા સંભળાઈ રહ્યા છે અને આ ખોટા દાવાની સાથે સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો