You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અરવિંદ કેજરીવાલના કથિત પૉર્ન વીડિયો જોવાની હકીકત શું છે?
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને ટ્વિટર પર એક કથિત અશ્લીલ વીડિયો લાઇક કરવા બદલ ટ્રોલ કરાઈ રહ્યા છે.
તેમના જ પક્ષના વિદ્રોહી ધારાસભ્ય કપિલ મિશ્રાએ ગુરુવારે સવારે ટ્વીટ કર્યું, "દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલજી ટ્વિટર પર પૉર્ન વીડિયો જોતા પકડાઈ ગયા. ગઈ કાલે રાત્રે ટ્વિટર પર પૉર્ન વીડિયો લાઇક કરી રહ્યા હતા."
કપિલ મિશ્રાએ કેજરીવાલ પર નિશાન સાધતા એવું પણ કહ્યું કે 'લાવવું હતું પૂર્ણ સ્વરાજ, લઈ બેઠા પૉર્ન સ્વરાજ'
કપિલ મિશ્રાએ પૂરાવા તરીકે જે વીડિયો શેર કર્યો છે, એ વીડિયોને 60 હજાર કરતાં વધારે વખત લોકોએ જોયો છે અને હજારો લોકો આ વીડિયોને શેર કરી ચૂક્યા છે.
કપિલ મિશ્રા સિવાય ભાજપ દિલ્હીના પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગા, આઈટી સેલના પ્રમુખ પુનીત અગ્રવાલ અને અકાલી દળના રાષ્ટ્રીય પ્રવક્તા મનજિંદર સિંહ સિરસાએ પણ આવો જ એક વીડિયો શેર કર્યો છે.
આ નેતાઓ થકી સેંકડો લોકો સુધી આ વીડિયો પહોંચી ચૂક્યો છે.
એમાંથી મોટાભાગના નેતાઓએ એવો દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ પૉર્ન વીડિયો જોઈ રહ્યા હતા.
બીબીસીની તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો એક નિર્વસ્ત્ર માણસનો જરૂર છે પણ આ વીડિયો 'પૉર્ન વીડિયો' હોવાનો દાવો ખોટો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ખતરનાક સ્ટંટ'
સત્ય છે કે બુધવારે રાત્રે અરવિંદ કેજરીવાલે આ વીડિયોને લાઇક કર્યો હતો, જેને ટ્રોલ કરનારા લોકો પૉર્ન વીડિયો ગણાવે છે.
આ વીડિયો ઑસ્ટ્રેલિયન મૂળનાં લેખિકા અને યૂકેમાં વકીલ તરીકે કામ કરતા હેલેન ડેલએ ટ્વીટ કર્યો હતો.
બુધવાર સવારે ટ્વીટ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધી 70 લાખથી વધારે વખત લોકો જોઈ ચૂક્યા છે અને આશરે 32 હજાર લોકોએ આ વીડિયો લાઇક કર્યો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
હેલેને ડીલે ટ્વિટર પર આ વીડિયો સાથે લખ્યું છે કે આ વીડિયોને લોકો ઇન્ટરનેટ પર બહુ પસંદ કરી રહ્યા છે.
આ વીડિયો જાપાનના એક કૉમેડિયન કોઝુહાએ ઝુએકૂસાનો છે, જેમને ડાઇનિંગ ટેબલ પર ઉપયોગમાં લેવાતા ટેબલ ક્લૉથ સાથે 'ખતરનાક સ્ટંટ' કરવા માટે ઓળખવામાં આવે છે.
ઝુએકૂસા છેલ્લાં 10 વર્ષોથી સ્ટેજ કૉમેડી કરે છે. તેઓ ઘણા જાપાની ટીવી શોમાં પણ ભાગ લઈ ચૂક્યા છે.
તેમનાં આ કરતબો માટે જ તેઓ રિયાલિટી શો 'Britain's Got Talent'માં સેમીફાઇનલ સુધી પહોંચ્યા હતા.
યૂ-ટ્યુબ પર તેમના આશરે પાંચ હજાર સબસ્ક્રાઇબર્સ છે. ટ્વિટર પર તેમને આશરે 34 હજાર લોકો અને ઇન્સ્ટાગ્રામ આશરે સવા લાખ લોકો ફૉલો કરી રહ્યા છે.
પૉર્નની શ્રેણીથી બહાર
યૂ-ટ્યુબ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામે પોતાનાં આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણે કૉમેડિયન કોઝુહાએ ઝુએકૂસાના વીડિયોને એક પ્રકારની કળા માનીને પૉર્નની શ્રેણીમાંથી બહાર રાખ્યા છે.
ઉદાહરણ માટે યૂ-ટ્યુબની 'Nudity and sexual content policy' પ્રમાણે તેમના પ્લેટફૉર્મ પર પૉર્નોગ્રાફી વર્જિત છે અને પૉર્ન વીડિયોને તરત જ હટાવી દેવાય છે.
પણ જો નિર્વસ્ત્ર થઈને કોઈ એજ્યુકેશનલ, ડૉક્યુમેન્ટ્રી, સાયન્સ કે આર્ટના ઉદ્દેશ્યથી વીડિયો પોસ્ટ કરે તો તેને સ્વીકારવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર ઘણા લોકો કૉમેડિયન કોઝુહાએ ઝૂએકૂસાએ કપડાં વગર કરેલા સ્ટંટ્સને અશ્લીલ માનીને નિંદા કરતા હોય છે.
ટ્વિટર પર ટ્રોલ થવાના કારણે મુખ્ય મંત્રી કેજરીવાલે હવે તેમનું લાઇક ટ્વીટ અનલાઇક કરી દીધું છે.
પણ દિલ્હીના મુખ્ય મંત્રી પરનો 'પોર્ન વીડિયો જોતા પકડાઈ જવાનો' આરોપ ફેક છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો