You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PubG ગેમ રમવા પર 'ગુજરાતમાં પ્રતિબંધ'ની હકીકત
- લેેખક, ફૅક્ટ-ચેક ટીમ
- પદ, બીબીસી
દાવો : ગુજરાત પોલીસે સત્તાવાર ચેતવણી બહાર પાડી છે કે જાહેરમાં PubG ગેમ રમનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર કડક કાર્યવાહી કરાશે. અન્ય એક પોસ્ટ એવો દાવો કરે છે કે 'મહારાષ્ટ્ર હાઈકોર્ટ'એ દેશભરમાં આ ગેમ પર પ્રતિબંધ મૂક્યો છે.
હકીકત : અમારી તપાસમાં બહાર આવ્યું કે આ દાવા ખોટાં છે. આ વિશે વધારે જાણવા માટે આગળ વાંચો.
PubG(પ્લેયર્સ અનનોન બૅટલગ્રાઉન્ડ) એક જાણીતી મોબાઇલ ગેમ છે. વિશ્વભરના કરોડો લોકો આ ગેમથી આકર્ષાયા છે. આ ગેમના ચાહકોમાં ભારતના યુવાનો અને બાળકોની મોટી સંખ્યા છે.
માર્ચ 2017માં PubG ગેમ રિલીઝ થઈ હતી. જાપાનની થ્રિલર ફિલ્મ 'બૅટલ રૉયલ' પરથી પ્રભાવિત થઈને આ ગેમ બનાવાઈ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
PubG ગેમમાં 100 ખેલાડીઓ પૅરાશૂટ લઈને ટાપુ પર જાય છે, હથિયારો શોધે છે અને છેલ્લે એક જ વ્યક્તિ બચે ત્યાં સુધીને એકબીજાને મારે છે.
બન્ને ફેક વાઇરલ પોસ્ટ વૉટ્સઍપ ગ્રૂપ્સ, ફેસબુક અને ટ્વિટર પર વહેતી થઈ હતી.
'PubG પર ભારતમાં પ્રતિબંધ'ની હકીકત
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહારાષ્ટ્ર હાઈકોર્ટની કહેવાતી નોટિસ જોઈએ. નોટિસમાં છાપેલા કોર્ટના નામથી જ શંકા ઉપજે છે - મહારાષ્ટ્ર હાઈકોર્ટ નામની કોઈ સંસ્થા નથી. મહારાષ્ટ્ર રાજ્યની હાઈકોર્ટ બૉમ્બે હાઈકોર્ટ તરીકે ઓળખાય છે.
નોટિસમાં એવું પણ લખ્યું છે, "PubG ગેમ હવેથી ભારતમાં કામ નહીં કરે અને તેમણે ટેન્સેન્ટ ગેમ્સ કૉર્પોરેશનને પણ નોટિસ મોકલી છે."
આ નોટિસમાં અનેક ભાષાકીય ભૂલો છે, સામાન્ય રીતે સત્તાવાર નોટિસમાં આ પ્રકારની ભૂલ ન હોય. જેમકે, નોટિસમાં "magistrates"ના બદલે "majestratives" લખ્યું છે.
આ નોટિસ 'પ્રિજજ' હોદ્દાના નામથી જાહેર કરવામાં આવી છે - પણ ભારતીય કાયદા પ્રણાલીમાં આવો કોઈ જ હોદ્દો નથી.
આ હોદ્દાની રૂએ કે શ્રીનિવાસુલુએ સહી કરી છે. આ નામની કોઈ વ્યક્તિ મહારાષ્ટ્રની ન્યાયવ્યવસ્થામાં કામ કરતી હોવાના પુરાવા નથી.
'ગુજરાત પોલીસના જાહેરનામા'ની હકીકત
હવે ગુજરાત પોલીસના નામે ફરતા થયેલા જાહેરનામા વિશે વાત કરીએ.
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી તસવીરમાં એક નોટિસ ચોંટાડેલી દેખાય છે.
આ નોટિસમાં ગુજરાતી ભાષામાં લખાણ લખ્યું છે, "કોઈ પણ વ્યક્તિ જાહેરમાં PubG રમતા દેખાશે. તો તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે તથા મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવશે."
નોટિસના આ પોસ્ટરની પ્રમાણભૂતતા પર અનેક સવાલ ઊઠે છે. આ નોટિસમાં કોઈ અધિકારીએ સહી નથી કરી અને એમાં તારીખનો પણ ઉલ્લેખ કર્યો નથી.
નોટિસના લખાણમાં કેટલીક વ્યાકરણની અને ભાષકીય ભૂલો પણ છે, આ પ્રકારની ભૂલો સામાન્ય રીતે નોટિસમાં હોતી નથી.
આવી ફેક પોસ્ટ ટ્વિટર પર પણ શેર કરાઈ રહી છે. ટ્વિટર યૂઝર ભગીરથસિંહ વાલાએ આ તસવીર ટ્વીટ કરી અને ગુજરાત પોલીસના સત્તાવાર ટ્વિટર હૅન્ડલને ટેગ કરીને પૂછ્યું કે આ જાહેરનામુ સાચું છે કે નહીં.
ગુજરાત પોલીસના ટ્વિટર હૅન્ડલે જવાબ આપ્યો, "આ ફેક છે. ગુજરાત પોલીસ દ્વારા આવો કોઈ જ આદેશ જાહેર કરાયો નથી."
ટેન્સેન્ટ ગેમ્સ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.
બહુ મોટી સંખ્યામાં લોકો આ ગેમ પ્રત્યે આકર્ષાય છે, પણ ભૂતકાળમાં આ ગેમના કારણે કેટલાક વિવાદ પણ સર્જાયા છે.
આ વર્ષે જુલાઈ માસમાં આ ગેમના સ્ટોરની અંદર ઊગતા સૂર્યની ડિઝાઇન ધરાવતું એક માસ્ક મૂકવામાં આવ્યું હતું.
જાપાનની સામ્રાજ્યવાદી સેનાનું આવું જ નિશાન હોવાથી કોરિયા તથા ચીનના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો.
ત્યારબાદ ગેમના ડેવલપર્સે આ માસ્ક હટાવી લીધું હતું અને જેમણે માસ્ક ખરીદ્યું હતું, તેમને પૈસા પરત કરાયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો