You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી કેમ હાર્યા? એ જણાવતા 'ન્યૂ યોર્ક ટાઇમ્સ'ના આર્ટિકલની હકીકત
સોમવારે જ્યારે કૉંગ્રેસના ત્રણ મુખ્ય મંત્રીઓએ પોતાનાં રાજ્યોના શપથ ગ્રહણ કર્યા, ત્યારે કેટલાક દક્ષિણ પંથી વલણ ધરાવતાં ફેસબુક પેજ અને ગ્રૂપ પર એક લેખ શૅર કરાઈ રહ્યો હતો.
એમાં દાવો કરાયો હતો કે અમેરિકન અખબાર 'ન્યૂ યોર્ક ટાઇમ્સ'માં ભારતના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું વિવેચન કરી મુખ્ય કારણોની યાદી બનાવાઈ છે.
એ યાદી અનુસાર દર્શાવાયું હતું કે આખરે કયાં કારણોને લીધે આ ચૂંટણીઓમાં ભાજપનો પરાજય થયો.
શૅર કરાઈ રહેલા આર્ટિકલ અનુસાર ન્યૂ યોર્ક ટાઇમ્સે ભારતીય મતદારોની માનસિક્તા જાણવા પ્રયાસ કર્યો અને જણાવ્યું કે મોદી સરકારે આ પરિણામ પરથી શો બોધપાઠ લેવો જોઈએ.
આ 'લેખ' તસવીરો અને ટૅક્સ્ટ સાથે અંગ્રેજી સહિત હિંદીમાં પણ પોસ્ટ કરાયો છે. ઉપરાંત તેને વૉટ્સઍપ પર પણ શૅર કરવામાં આવી રહ્યો છે.
કેટલાક લોકોએ આ લેખનો સાર કંઈક આ રીતે લખ્યો છે, 'ભારતીય મતદાર અંત્યત સંકુચિત માનસિક્તા ધરાવે છે અને હંમેશાં ફરિયાદ કરતા રહે છે. તેમને પોતાની સમસ્યાઓનો ઉકેલ તત્કાલ જોઈતો હોય છે. તેઓ લાંબાગાળાની યોજનામાં વિશ્વાસ ધરાવતા નથી.'
તમે આ વાંચ્યું કે નહીં?
આ કથિત લેખમાં શું લખ્યું છે?
- ભારતીયોનું માનવું છે કે બધાં કામ સરકારે જ કરવા જોઈએ અને પોતાની સમસ્યાઓનો તેમને 'લાંબા ગાળાનો ઉકેલ' નથી જોઈતો.
- ભારતીયોની યાદશક્તિ નબળી છે અમને તેમનો દૃષ્ટિકોણ અત્યંત સંકુચિત છે.
- તેઓ જૂની વાતો ભૂલી જતાં હોય છે અને નેતાઓના કુકર્મોને માફ કરી દેતા હોય છે.
- ભારતીય ધૃષ્ટ થઈને જ્ઞાતિવાદ પર મતદાન કરે છે. જ્ઞાતિવાદ એ મુખ્ય શત્રુ છે જે યુવાનોનું ઉત્થાન થવા નથી દેતો અને તેમનામાં ફૂટ પડાવે છે.
- ચીન અને પાકિસ્તાન ભારતમાં જ્ઞાતિવાદ ફેલાવવા પ્રયાસ કરે છે. કારણ કે બન્ને જીડીપી માટે ભારતીય માર્કૅટ પર નિર્ભર છે.
- લોકોને સસ્તું ડીઝલ જોઈએ છે. કરજ માફી જોઈએ છે. પણ, 'સૌનો સાથ, સૌનો વિકાસ' નથી જોઈતો. તેઓ માત્ર પોતાના ખીસામાં આવેલા ધનથી જ મતલબ રાખે છે.
- ભારતમાં જીતવા માટે મોદીએ મુત્સદ્દીગીરી છોડીને રાજકારણી બનવું પડશે.
આ લેખના અંતે એવું પણ લખાયું છે, વડા પ્રધાન તરીકે મોદીએ ઘણાં કામો કર્યાં છે. પણ ભારતના લોકો તેમનાં કાર્યોની પ્રશંસા નથી કરતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લેખની હકીકત
અમારી તપાસમાં જાણવા મળ્યું કે લેખ ગણાવીને શૅર કરાઈ રહેલી આ પોસ્ટ બનાવટી છે.
ફેસબુક સર્ચ થકી જાણવા મળે છે કે 11 ડિસેમ્બર બાદ આ પોસ્ટ 'ન્યૂ યોર્ક ટાઇમ્સના લેખ'ના નામે શૅર કરાઈ રહી છે.
જોકે, 'નરેન્દ્ર મોદી' અને 'વિધાનસભાની ચૂંટણી 2018' જેવા કી-વર્ડ્સ સર્ચ કરવાથી સ્પષ્ટ થાય છે કે 'ન્યૂ યોર્ક ટાઇમ્સ' દ્વારા આવો કોઈ જ લેખ લખાયો નથી.
જો ભાષાની વાત કરવામાં આવે તો પોસ્ટમાં લખાયેલી અંગ્રેજી પણ ખોટી છે. પોસ્ટમાં અંગ્રેજીના 'caste' અને 'promote' જેવા સરળ શબ્દો પણ ખોટા લખવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર કેટલાય લોકોએ આ લેખની મજાક ઊડાવી છે. લેખની ભાષાકીય શૈલી અમેરિકન અખબારની શૈલી સાથે બિલકુલ મેળ ખાતી નથી.
રસપ્રદ વાત એ છે કે આ લેખમાં ભાજપના પરાજય માટે લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો