You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સવર્ણ અનામત : મોદી સરકારના સવર્ણોને અનામતના નિર્ણયની મહત્ત્વની 10 વાતો
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતમાં ફરી ચૂંટણી પહેલાં જ અનામતના મુદ્દે રાજકારણ ગરમાયું છે. કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે.
2019ની ચૂંટણી પહેલાં જ મોદી સરકારનો આ નિર્ણયને કૉંગ્રેસ સહિતના પક્ષો લૉલીપોપ ગણાવી રહ્યા છે. જોકે, બિલ બહુમતીથી બેઉ ગૃહમાં પાસ થયું છે.
10 વાતો જે જાણવી જરૂરી
1. આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકોને આ 10 ટકા અનામતનો લાભ મળશે.
2. સામાન્ય વર્ગમાં આવતા અને વાર્ષિક આઠ લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકોને અનામતનો લાભ મળશે, જેમની પાસે પાંચ એકરથી ઓછી જમીન હોવી જોઈએ.
3. કેન્દ્રીય મંત્રી વિજય સાંપલાના કહેવા મુજબ બ્રાહ્મણ, વાણિયા, ખ્રિસ્તી, મુસ્લિમ તમામને આ અનામતનો લાભ મળશે.
4. આ અનામત હાલની 50 ટકા અનામતમાંથી નહીં, પરંતુ તેનાથી અલગ જોગવાઈ હેઠળ આપવામાં આવશે.
5. હાલ દેશમાં કુલ 49.5 ટકા અનામત છે, જેમાં પછાત વર્ગને 27 ટકા અને અનુસુચિત જાતિઓને 15 ટકા તથા અનુસૂચિત જનજાતિઓને 7.5 ટકા અનામત આપવામાં આવી છે.
6. આ મંજૂરી બાદ આર્થિક રીતે પછાત એવા સામાન્ય વર્ગના લોકોને સરકારી નોકરીઓમાં તેનો લાભ મળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
7. આ અનામત આપવા માટે સરકારે બંધારણના અનુચ્છેદ 15 અને 16માં સંશોધન કરવું પડશે.
8. સંશોધન કરવા માટે લોકસભા અને રાજ્યસભા બંનેની મંજૂરી જરૂરી રહેશે. એટલા માટે સરકારે સંસદમાં બિલ લાવવું પડશે. બંધારણમાં આ સંશોધન થયા બાદ જ સામાન્ય વર્ગના લોકોને તેનો લાભ મળી શકશે તે પહેલાં લાભ મળી શકશે નહીં.
9. 1992માં સુપ્રીમ કોર્ટે નોકરીઓ અને શિક્ષણમાં અનામતને 50 ટકા સુધી મર્યાદિત કરી હતી.
10. જોકે, જુલાઈ 2010માં સુપ્રીમ કોર્ટે એક આદેશમાં કહ્યું હતું કે જો રાજ્ય પાસે 50 ટકા સીમાથી વધારે અનામત આપવા માટે કોઈ નક્કર વૈજ્ઞાનિક ડેટા હોય તો તેમાં વધારો કરી શકે છે.
અનામત આપવાનો આધાર શું છે?
ભારતીય બંધારણના અનુચ્છેદ 15 અને 16માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવાની જોગવાઈ છે.
એવું સ્વીકારાયું છે કે આ વર્ગો સાથે ભૂતકાળમાં અન્યાય થયો છે. જેને કારણે તેઓ સામાજિક વિકાસમાં પાછળ રહી ગયા છે.
તેમને મુખ્ય ધારામાં લાવવા માટે અનામતની જરૂર છે.
આ મુજબ અનામતને લાગુ કરવા માટે હવે સરકારે બંધારણના અનુચ્છેદ 15 અને 16ની અંતર્ગત તેને લાવવી પડશે.
જેથી અનુચ્છેદમાં સુધારો કરવા માટે સરકાર સંસદમાં બિલ લાવશે.
આપને આ પણ વાચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો