શું મોદી સરકાર ન્યાય વ્યવસ્થામાં અનામત આપી શકે છે?

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીબી સંવાદદાતા

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે એક વાર ફરી 'અખિલ ભારતીય ન્યાય સેવા' શરૂ કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

ગત સોમવારે લખનૌમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો.

તેમણે એવું પણ કહ્યું કે તેમની સરકાર ન્યાયપાલિકામાં અનુસૂચિત જાતિ-જનજાતિને અનામત આપવા માંગે છે.

ઉપરાંત એનડીએ (નૅશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ)ના સહયોગી પક્ષ 'લોક જનશક્તિ પાર્ટી'ના પ્રમુખ રામવિલાસ પાસવાને પણ આ મામલે સર્વસંમતિ સાધવાની કોશિશની તરફેણ કરી હતી.

આ સમગ્ર ઘટના અને નિવેદનને પગલે દેશની અદાલતોમાં ન્યાયાધિશોની ખાલી પડેલી જગ્યાઓની બાબત રાજકીય મુદ્દો બનતી જોવા મળી રહી છે.

ભાજપનું રાજકારણ શું છે?

ભાજપે એસસી-એસટી કાનૂન પર સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા બાદ આ અંગે વટહુકમ લાવવામાં ઘણો વિલંબ કર્યો હતો.

જેને પગલે ઘણા દલિત સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા અને આખરે ભાજપે વટહુકમ લાવ્યો હતો.

પરંતુ તેની વિપરિત અસર જોવા મળી. જેમાં સવર્ણ સમાજે સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં ભાજપના આ પગલાંનો વિરોધ કર્યો હતો.

આ ઘટનાક્રમ વચ્ચે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ જેમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે.

આથી સવાલ એ ઉઠે છે કે શું ભાજપ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને દલિત સમાજને પોતાની તરફ કરવાની કોશિશ કરી રહ્યો છે?

તમે આ વાંચ્યું કે નહીં?

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક રાધિકા રામાશેષન આ મામલાને ભાજપની રાજનીતિમાં એક મોટા બદલાવ તરીકે ગણે છે.

તેઓ કહે છે,"ભાજપને વર્ષ 2014ની લોકસભા ચૂંટણી અને વર્ષ 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં દલિત સમાજના મત મળ્યા હતા. આથી ભાજપ કોશિશ કરી રહ્યો છે કે દલિત સમાજને પાર્ટીની એક મોટી મતબૅન્ક તરીકે વિકસિત કરી શકાય."

"વળી જો એવી વાત કહીએ કે શું દલિત સમાજને રીઝવવાની કોશિશમાં ભાજપ સવર્ણ સમાજથી કિનારો કરી લેશે. તો તેનો જવાબ એ છે કે ભાજપે આગામી સમય માટે એવી રણનીતિ બનાવી છે કે તેઓ એવા આર્થિક નિર્ણયો લેવા માંગે છે, જેનાથી વેપારી વર્ગને ફરી એવું લાગે કે ભાજપ તેમના હિતો વિશે વિચારતો પક્ષ છે."

રાધિકા રામાશેષન માને છે કે જ્યાં સુધી દલિતોને રીઝવવા માટે રાજનીતિ તેજ કરવાની વાત છે, તો ભાજપ આ મુદ્દે નિવેદનબાજી કરવાથી દૂર રહેશે.

તેઓ કહે છે,"મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અનામત પર એક વાર કહ્યું હતું કે 'કોઈ માઈનો લાલ, અનામત ખતમ નહી કરી શકે'. આ નિવેદન બાદ તેઓ ચૂંટણી હારી ગયા હતા. આથી ભાજપ આ પ્રકારના નિવેદનો કરવાનું ટાળશે."

શું ભાજપ આવું કરી શકે છે?

અખિલ ભારતીય ન્યાય સેવા શરૂ કરવા પાછળ એવો તર્ક આપવામાં આવી રહ્યો છે કે ન્યાયપાલિકામાં નીચલા સ્તરે ઘણા પદો ખાલી છે અને આ સેવાના માધ્યમથી ખાલી પદો ભરી શકાય છે.

પરંતુ સવાલ એ છે કે શું ભાજપ તેના વર્તમાન કાર્યકાળમાં આ સેવા શરૂ કરી શકે છે. આ સવાલનો જવાબ બંધારણમાં છે.

બંધારણના અનુચ્છેદ 233 અને 234 હેઠળ નિમણૂકો સંબંધિત અધિકાર 'રાજ્ય લોક સેવા આયોગ' અને હાઈકોર્ટને આપવામાં આવેલો છે.

જોકે, કેન્દ્ર સરકાર આ સેવા શરૂ કરવા માટે રાજ્યસભામાં એક પ્રસ્તાવ લાવી શકે છે, જેમાં તેને બે તૃતિયાંશની બહુમતીથી પસાર કરવો પડે.

પરંતુ રાજ્યસભામાં એનડીએ પાસે બહુમત નથી. તેમની પાસે માત્ર 90 સંસદસભ્ય છે. આથી રાજ્યસભામાં પ્રસ્તાવ પાસ કરાવવો ઘણો મુશ્કેલ છે.

કાયદા સંબંધિત બાબતોના જાણકાર વિરાગ ગુપ્તા આ મુદ્દાને એક શુદ્ધ રાજકીય મુદ્દો ગણે છે.

ગુપ્તા કહે છે,"બંધારણના 42મા સુધારાના માઘ્યમથી અનુચ્છદ 312ને સમાહિત કરવામાં આવ્યો હતો. જેના હેઠળ ઑલ ઇન્ડિયા જ્યુડિશ્યલ સર્વિસ શરૂ કરવાનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે. વર્તમાન વ્યવસ્થામાં આ નિમણૂકોનું નિરક્ષણ અને પ્રશાસન સંબંધિત નિયંત્રણ હાઈકોર્ટ પાસે છે."

"રાજ્ય સરકાર આ નિયુક્તિઓ સાથે સંકળાયેલ આર્થિક બોજ ઉઠાવી શકે છે. કેન્દ્ર સરકાર આ મામલે એક સંઘીય માળખની પરિસ્થિતિને ધ્યાને લેતા રાજ્યોની સંમતિ વગર કદાચ જ આગળ વધી શકે."

"આથી સુપ્રીમ કોર્ટે રાજ્યો અને હાઈકોર્ટને પૂછ્યું છે કે આટલા પદો કેમ ખાલી છે?"

રવિશંકર પ્રસાદે તાજેતરમાં જ કહ્યું હતું કે,"હું અખિલ ભારતીય ન્યાયિક સેવા શરૂ કરવાના સમર્થનમાં છું. અખિલ ભારતીય પરીક્ષા હશે તો દેશની સર્વશ્રેષ્ઠ પ્રતિભા સામે આવશે. અમે તેમાં જરૂરી અનામત પણ આપીશું જે ભારતના બંધારણનો આદેશ છે. તેનાથી વંચિત વર્ગના મોટી સંખ્યામાં વકીલ ન્યાયપાલિકામાં આવશે."

કેન્દ્રીય કાનૂન મંત્રીએ પોતાના ભાષણમાં એવું પણ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરને તેમના મૃત્યુના ઘણા વર્ષો બાદ ભારત રત્ન આપવામાં આવ્યો. એવામાં સવાલ કરવાની જરુરુ છે કે આટલો વિલંબ કેમ થયો. ભાજપે તેના આ વલણથી દલિત સમાજને પોતાની તરફ લાવવાની કોશિશના સંકેતો આપ્યા છે.

પરંતુ શું આ વલણને ભાજપ તરફથી થનારી એક સાર્થક પહેલ તરીકે જોઈ શકાય?

કાયદાકીય બાબતોના નિષ્ણાત વિરાગ ગુપ્તા તેનાથી સમંત નથી જણાતા.

તેઓ કહે છે,"મને નથી સમજાતું કે આ રીતે વંચિત વર્ગને અનામત કઈ રીતે મળશે. આ કોઈ નવો મુદ્દો નથી વર્ષ 1986માં કાયદા પંચે તેના 116મા રિપોર્ટમાં તેનું વિસ્તારપૂર્વક વિશ્લેષણ કર્યું હતું. ત્યાર બાદ ઘણી સરકારો આવી અને ગઈ પણ કોઈ કાર્યવાહી ન થઈ."

"અને રાજકીય કારણસર તેના પર કોઈ કાર્યવાહીની વાત કરવામાં આવે છે તો તેને ન્યાયિક પ્રક્રિયામાં બિનસત્તાવાર હસ્તક્ષેપ ગણવો જોઈએ."

"જો મૂળ પરિસ્થિતિની વાત કરીએ તો તમામ રાજ્યોમાં જ્યુડિશિયલ સર્વિસિસ છે અને તેમાં અનામતની જોગવાઈ પણ છે. વળી જો આ નવી સેવા શરૂ થઈ જાય તો તેમાં પણ અનામત રહેશે. પરંતુ સવાલ એ છે કે તેમાં કોઈ નવી અનામત આપવામાં આવી રહી છે કે નહીં."

"સરકારના સહયોગી પક્ષોના પ્રમુખ નેતાઓ જેમકે રામવિસાલ પાસવાન અને ઉદિત રાજ આ સેવામાં અનામતની વાત કરે છે. પરંતુ આ સેવા શરૂ થવાથી આ મુદ્દાનું સમાધાન આવશે નહીં."

"તેમાં દાવપેચની રાજનીતિ થઈ રહી છે, આથી ન્યાયિક વ્યવસ્થા રાજનીતિનો શિકાર બની શકે છે."

મુદ્દો ભાજપને કેટલો લાભ અપાવશે?

જો જિલ્લા ન્યાયાધિશોની નિયુક્તિની બાબતમાં અનામતની વાત કરવામાં આવે છે તો દેશના તમામ રાજ્યોમાં અનામતની વ્યવસ્થા છે.

આ સેવામાં અનામતનો લાભ લેવા માટે ઉમેદવારે એ બાબતનું પ્રમાણપત્ર આપવું પડે છે કે તે એ જ રાજ્યનો નિવાસી છે.

પરંતુ અખિલ ભારતીય ન્યાયિક સેવા શરૂ થાય તો વંચિત વર્ગમાંથી આવતા તમામ ઉમેદવારોને સમગ્ર દેશમાં ઉપલબ્ધ નોકરીઓ માટે પ્રતિસ્પર્ધા કરવાની તક મળશે.

જોકે, વિરાગ ગુપ્તા માને છે કે તેનાથી અનામતમાં જટિલતા ઊભી થશે.

તેઓ કહે છે,"રાજ્ય તેના પ્રદેશમાં વંચિતોની વસ્તીના આધારે અનામત આપે છે. કેમ કે કેટલાક રાજ્યોમાં એસસી વધુ હોય છે, તો ક્યાંક એસટી વધુ હોય છે. સવાલ એ છે કે શું આ સેવામાં રાજ્યોની સ્થિતિના આધારે અનામત આપવામાં આવશે અથવા અખિલ ભારતીય સ્તર પર અનામત આપવામાં આવશે."

"તેનાથી સમસ્યાનું સમાધાન કઈ રીતે થશે. મને લાગે છે કે તેનાથી નવી સમસ્યાઓ સર્જાશે."

જો સ્પષ્ટ શબ્દોમાં કરીએ તો કેન્દ્ર સરકાર સામે હાલ આ સેવા શરૂ કરવી મુશ્કેલજનક જોવા મળી રહી છે. પરંતુ આ મામલેની રાજનીતિને આગળ લઈ જઈ શકે છે.

જોવું રહેશે કે આગામી ચૂંટણીમાં આ મુદ્દો ભાજપને કેટલો લાભ અપાવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો