You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ‘ભાજપ કાર્યકર્તાની ગૌમાંસ તસ્કરીના આરોપસર ધરપકડ’નું સત્ય
- લેેખક, પાર્થ પંડ્યા
- પદ, ફેક્ટ ચેક ટીમ, બીબીસી ન્યૂઝ
દાવો : ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના એક કાર્યકર્તાની ગૌમાંસની તસ્કરીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે અને તેમની કાર પોલીસે જપ્ત કરી લીધી છે.
આ દાવાની સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઘણા ફેસબુક પેજ અને ગ્રુપ પર શૅર કરવામાં આવ્યો છે.
ફેસબુક સર્ચના આધારે આ વીડિયોને દસ લાખ કરતા વધારે વખત જોવામાં આવ્યો છે.
વીડિયોના શરૂઆતમાં એક તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં એક વ્યક્તિ રસ્તા પર બેઠેલી જોવા મળી રહી છે. અને તે વ્યક્તિની આસપાસ માંસ ફેલાયેલું જોવા મળે છે.
તસવીરમાં જોવા મળે છે કે તે વ્યક્તિની આસપાસ ઊભેલા લોકો તેમની સામે ઘૂરી રહ્યા છે.
વીડિયોના બીજા ભાગમાં બે અન્ય તસવીરોનો ઉપયોગ થયો છે જેમાં આરોપીની ગાડી અને તેમાં ભરેલા માંસને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વીડિયોમાં આ ઘટનાને હાલ જ ઘટેલી જણાવવામાં આવી છે. પરંતુ જ્યારે અમે આ વીડિયોની તપાસ કરી તો બધા દાવા ખોટા હોવાનું જાણવા મળ્યું.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ઝારખંડ મૉબ લિંચિંગ'ની તસવીર
રિવર્સ સર્ચમાં અમે જાણ્યું કે આ વીડિયોને સાર્વજનિક રૂપે ફેસબુક પર સૌથી પહેલા સાક્ષી શર્મા નામની પ્રોફાઇલે પોસ્ટ કર્યો હતો.
આ પ્રોફાઇલ પેજ પરથી છેલ્લા ત્રણ મહિનામાં આશરે 50 હજાર લોકોએ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે.
તસવીરોની તપાસમાં અમે જાણ્યું કે સૌથી પહેલી તસવીર 28 જૂન 2017ની છે.
આ ઘટના ઝારખંડના રાંચી શહેર નજીકના રામગઢની હતી, જ્યાં માંસ લઈ જઈ રહેલા અલીમુદ્દીન નામના એક યુવક સાથે લોકોએ મારપીટ કરી તેમની હત્યા કરી દીધી હતી.
અલીમુદ્દીનની હત્યા બાદ રોષે ભરાયેલા લોકોએ તેમની ગાડીમાં આગ પણ લગાવી દીધી હતી. તેમની કારનો નંબર WB 02K1791 હતો.
અલીમુદ્દીનના પત્નીએ બીબીસીને એ પણ જણાવ્યું હતું કે તેમના પતિ વ્યવસાયે એક ડ્રાઇવર હતા અને કોઈ રાજકીય પાર્ટી સાથે તેમનો કોઈ સંબંધ ન હતો.
જ્યારે આ ઘટના ઘટી હતી, ત્યારે બીબીસીને એક સાક્ષીએ જણાવ્યું હતું કે ભીડમાં સામેલ લોકો હોબાળો કરી રહ્યા હતા કે તેમની કારમાં ગાયનું માંસ છે.
ત્યારબાદ ત્યાં હાજર લોકોની સંખ્યા વધતી ગઈ. બધાએ મળીને તેમની ગાડીને ઘેરી લીધી અને તેમને નીચે ઉતારીને મારવા લાગ્યા.
આ દરમિયાન કેટલાક લોકોએ પેટ્રોલ છાંટીને તેમની ગાડીમાં આગ પણ લગાવી દીધી હતી.
ઝારખંડની રામગઢ કોર્ટે કથિત રૂપે ગાયનું માંસ લઈ જઈ રહેલા એક યુવકની મારી મારીને હત્યા કરી નાખવાના મામલે 11 કથિત ગૌરક્ષકોને હત્યાના આરોપી ગણાવ્યા હતા.
રામગઢ જિલ્લાની પોલીસે મૉબ લિંચિંગના આ મામલે ભારતીય જનતા પક્ષના બે નેતાઓની ધરપકડ પણ કરી હતી. અલીમુદ્દીનનાં પત્નીએ તેમને નામજોગ આરોપી બનાવ્યા હતા.
આ તરફ આ જ મામલે 11 કથિત ગૌરક્ષકોને રામગઢ કોર્ટે હત્યાના આરોપી ગણાવ્યા હતા.
પોલીસની નજરમાં કોઈ મામલો નથી
વીડિયોના બીજા ભાગમાં ગુજરાતના અમદાવાદની નંબર પ્લેટ વાળી એક સફેદ કારની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તસવીર પર ભારતીય જનતા પક્ષનું ચૂંટણી ચિન્હ કમળ બનેલું છે.
આ સાથે ઉપયોગમાં લેવાયેલી અન્ય એક તસવીરમાં કેટલાક પોલીસ અધિકારીઓ પણ છે કે જેમણે બે લોકોની ધરપકડ કરી છે.
આ તસવીરો અંગે ગુજરાત પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ અમારી સાથે વાત કરી. તેમણે કહ્યું કે ગૌમાંસની તસકરીના આરોપસર ગત વર્ષોમાં કોઈ ભાજપ કાર્યકર્તાની ધરપકડ થઈ નથી.
અમદાવાદ શહેરના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ જગદીશ પંચાલે બીબીસી સાથે વાતચીતમાં પોતાના કોઈ કાર્યકર્તાની ધરપકડ થઈ હોવાની વાતને નકારી કાઢી છે.
તેમણે કહ્યું, "છેલ્લા થોડા સમયમાં ભાજપના કોઈ પણ સક્રિય કાર્યકર્તા પર અમદાવાદમાં ગૌમાંસની તસ્કરીનો કોઈ મામલો દાખલ થયો નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો