You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાનુશાળી હત્યા કેસ : ગુજરાતની સીઆઈડીએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કર્યું
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.
ભાનુશાળી 'સયાજીનગરી' ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના ઘટી હતી.
માળીયા પાસે બે અજાણ્યા શખ્ ટ્રેનમાં ઘૂસ્યા અને ભાનુશાળી પર ગોળીબાર કર્યો હતો, જેમાં ભાનુશાળીનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું.
ડાયરેક્ટર જનરલ પોલીસ - ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (ક્રાઇમ) અને રેલવે આશિષ ભાટિયાના કહેવા પ્રમાણે, આઠ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.
આ તપાસમાં રેલવે પોલીસ, ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ, તથા ક્રાઇમ બ્રાન્ચ મળીને તપાસ કરશે.
ભાનુશાળીના પાર્થિવદેહને પોસ્ટમૉર્ટમ માટે અમદાવાદમાં શાહીબાગ સિવિલ હૉસ્પિટલ ખાતે લવાયો.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં વેસ્ટર્ન રેલવેના જનસંપર્ક અધિકારી (પીઆરઓ) પ્રદીપ શર્માએ કહ્યું કે ભાનુશાળીની હત્યા ચાલુ ટ્રેનમાં કરી દેવામાં આવી છે.
તેમણે કહ્યું કે બે અજાણ્યા શખ્સોએ એસી કોચમાં ઘૂસીને તેમના પર ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમનું મોત થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાનુશાળી જે કોચમાં ટ્રાવેલ કરી રહ્યા હતા તે H1 કોચને અમદાવાદ ખાતે અલગ કરીને એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી) દ્વારા સીલ કરવામાં આવ્યો છે.
ભાનુશાળી વર્ષ 2007થી 2012 સુધી કચ્છની અબડાસા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા હતા.
હત્યા શા માટે કરવામાં આવી હતી અને હત્યા કરનારા કોણ છે તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી.
છાતી અને આંખ પર મારી ગોળીઓ
મોરબીના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ કરણરાજ વાઘેલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભાનુશાળીની હત્યા સૂરજબારી અને કટારિયા વચ્ચે હત્યાની આ ઘટના બની હતી.
વાઘેલાએ ઉમેર્યું, "ભાનુશાળી સાથે એસી કૉચમાં બેઠેલા મુસાફરે પોલીસને આ મામલે જાણ કરી હતી. ભાનુશાળીનો મૃતદેહ હાલમાં માળિયાની સિવિલ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો છે."
ફૉરેન્સિક અને બૅલેસ્ટિક ઍક્સપર્ટ દ્વારા ઘટનાની તપાસ કરાશે. આ મામલે એફસએસએલની મદદ લેવાની વાત પણ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે કરી છે.
જે કૉચમાં ભાનુશાળીની હત્યા કરી દેવાઈ એ કૉચને ડિરૅઇલ્ડ કરાવી અમદાવાદ લાવવામાં આવ્યો છે.
ભાનુશાળીના ભત્રીજા નીતિન ભાનુશાળીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું:
"તેઓ સયાજીનગરી ટ્રેનમાં તેઓ કચ્છથી અમદાવાદ આવી રહ્યા હતા એ વખતે આ ઘટના બની હતી. તેમને છાતી અને આંખમાં ગોળી વાગી છે."
ભાનુશાળી સાથે મુસાફરી કરી રહેલા પવન નામની મહારાષ્ટ્રની વ્યક્તિએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હોવાનું પણ નીતિને જણાવ્યું છે.
તમે આ વાંચ્યું કે નહીં?
છબીલ પટેલ પર હત્યાનો આરોપ
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જયંતી ભાનુશાળીના ભાઈ શંભુ ભાનુશાળીએ હત્યા પાછળ ભાજપના નેતા છબીલ પટેલ જવાબાદર હોવાનો આરોપ મૂક્યો હતો.
કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ થોડા દિવસ પહેલાં જ અમેરિકા જતા રહ્યા છે.
કોણ હતા જયંતી ભાનુશાળી?
જયંતીલાલ પરસોત્તમભાઈ ભાનુશાળી કચ્છ ભાજપમાં મોટું નામ ગણાતા હતા.
80ના દાયકામાં રાજકારણમાં પ્રવેશનારા ભાનુશાળી રિયલ ઍસ્ટેટ અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા.
તાલુકા અને જિલ્લા પંચાયતથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા ભાનુશાળીનો જન્મ કચ્છના હાજાપર ગામમાં થયો હતો.
પરિવારમાં તેમને એક પુત્ર અને એક પુત્રી છે.
હાલમાં જ વકર્યો હતો વિવાદ
તાજેતરમાં જ ભાનુશાળી પર એક યુવતીએ દુષ્કર્મ આચરવા અને બ્લૅકમેલ કરવાનો આરોપ લગાવાયો હતો.
ગત વર્ષે જુલાઈ મહિનામાં સુરતના વરાછા વિસ્તારની આ યુવતીએ ભાનુશાળી વિરુદ્ધ ફૅશન ડિઝાઇનિંગના કૉર્ષમાં એડમિશન અપાવવાની લાલચે દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાવી હતી.
યુવતીએ વીડિયો ક્લિપ થકી બ્લૅકમેલ કરાવવામાં આવી રહી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આ મામલે ભાજપે જયંતી ભાનુશાળીનું રાજીનામું લઈ લીધું હતું અને તેમના વિરુદ્ધ વૉરંટ જાહેર કરવામાં આવ્યું હતું.
જોકે, બાદમાં પીડિતાએ ભાનુશાળી વિરુદ્ધ ગેરસમજ થઈ હોવાનું જણાવી ફરિયાદ પાછી ખેંચવાની તૈયારી દર્શાવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો