'સવર્ણ જ્ઞાતિઓને અનામત બાદ ગુજરાતમાં જ્ઞાતિ મંડળો વચ્ચે સ્પર્ધા વધે તો નવાઈ નહીં'

    • લેેખક, અચ્યુત યાજ્ઞિક
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક અનામતનો ખરડો બંધારણની કસોટીએ ટકશે કે નહીં એ શંકાસ્પદ છે. આમ છતાં ગુજરાતમાં સામાજિક દૃષ્ટિએ આ ખરડાને લીધે કેવો પ્રભાવ પડે તે વિચારણાનો વિષય છે.

વર્તમાન સમયમાં દલિતો તથા આદિવાસીઓ ઉપરાંત સામાજિક તથા શૈક્ષણિક રીતે પછાત ગણાતા સમુદાયો માટે તો અનામત વ્યવસ્થા છે.

પરંતુ જેને સવર્ણ ગણાય છે તે સમુદાયોમાં આર્થિક રૂપે અનામતમાં કોનો સમાવેશ થાય તે દૃષ્ટિએ તપાસ કરીએ તો જોઈ શકાય કે આનો સમાજ પર કેવો પ્રભાવ પડશે.

ગુજરાતમાં બ્રાહ્મણો, વાણિયા, રજપૂત તથા પાટીદારો સવર્ણ ગણાય છે. પાટીદારોમાં લેઉવા તથા કડવા બન્ને પ્રકારના પાટીદારોનો સમાવેશ થાય છે.

પણ ચૌધરી સમાજને પહેલાંથી જ અન્ય પછાત સમુદાયોની (ઓબીસી) યાદીમાં મૂકવામાં આવ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આર્થિક અનામતનો લાભ કોને?

હવે જો આર્થિક અનામતના ખરડાને જોઈએ તો વાર્ષિક રૂ. આઠ લાખ કરતાં ઓછી આવક હોય કે પછી જમીન માલિકી પાંચ એકર કરતાં ઓછી હોય એવા સવર્ણોમાં કોણ-કોણ આવે તે સંશોધનનો વિષય છે.

ગુજરાતમાં બ્રાહ્મણ સમાજમાં કર્મકાંડ કરીને ગુજરાન ચલાવતા કેટલાક પરિવારો આર્થિક રૂપે પછાતની કક્ષામાં આવે.

એવી જ રીતે નાની દુકાનો કે ગલ્લા ચલાવતા વણિક પરિવારોનો પણ આમા સમાવેશ થાય છે.

રાજપૂત સમાજમાં પણ કેટલાક ઓછી આવક ધરાવતાં પરિવારો હોય તે શક્યતા નકારી શકાય નહીં.

એ સિવાય સોની તથા લોહાણા સમાજ, જે અત્યારે અનામત વ્યવસ્થાનો ભાગ નથી, એમાંથી આવતા પરિવારોને આર્થિક અનામતનો લાભ મળી શકે.

પાટીદાર સમાજમાં જે સીમાંત ખેડૂતો છે તેની ગણના કરીએ તો એવા પરિવારો આર્થિક રીતે પછાતની કક્ષામાં આવે.

હવે એવું બની શકે કે નવા માપદંડમાં સમાવિષ્ટ થવા માટે જ્ઞાતિ મંડળો સક્રિય થઈ જાય.

ગુજરાતમાં બ્રાહ્મણ કે પછી વણિક સમાજમાં સમગ્ર રાજ્યને આવરી લઈને વ્યાપક જ્ઞાતિ મંડળો બન્યાં છે અને તેમના વાર્ષિક કાર્યક્રમો પણ થાય છે.

આ જ્ઞાતિ મંડળો લગ્ન સંબંધોની દૃષ્ટિએ પણ મિલન સમારંભો યોજતા હોય છે.

આ પ્રકારના મંડળો વધુ સક્રિય બની અનામતનો લાભ લેવાના પ્રયાસ કરે તો નવાઈ નહીં.

ગુજરાતના બ્રાહ્મણો 84 જ્ઞાતિઓમાં વિભાજિત છે અને આ કારણે જ જ્યારે ગામમાં બધા બ્રાહ્મણોને ભોજન સમારંભમાં નિમંત્રિત કરવામાં આવે ત્યારે 'આજે 84 છે' તેવો સાદ પડે છે.

એવી જ રીતે વણિકો પણ અનેક જ્ઞાતીઓ અસ્તિત્વ ધરાવે છે, એવામાં બ્રાહ્મણો કે વણિકો સંગઠિત થઈ અનામત માટે પોતાનો દાવો આગળ કરવા માટે અગ્રેસર બની શકે છે.

જો ભવિષ્યમાં સમગ્ર બ્રાહ્મણ કે વણિક સમાજના આ પ્રકારના સંગઠનો સક્રિય બને તો એમાં કોઈ નવાઈ નહીં.

સામાજિક એકતાને બદલે સ્પર્ધા વધશે?

આજનો પડકાર તો જ્ઞાતિઓના સીમાડાઓ ઘટાડવાનો છે તથા 'વર્ણવ્યવસ્થાનાં બદલે નાગરિક સમાજ' ઊભો થાય.પરંતુ જે રીતે આર્થિક અનામતની દિશામાં કદમ મંડાશે તેને પરિણામે રાજ્ય કક્ષાના જ્ઞાતિ મંડળો વઘુ મજબૂત બનશે, એવું કહીએ તો એમાં અતિશયોક્તિ નહીં હોય.

આર્થિક અનામતનો લાભ લેવા માટે સવર્ણ સમાજમાં તીવ્ર સ્પર્ધાનું વલણ વધશે, એને કારણે સમાજિક રીતે એકતાની દિશામાં ગતિ થઈ શકશે નહીં.

અનામતની વ્યવસ્થા મૂળભૂત રીતે તો સમતા સ્થાપવા તેમજ જે સમુદાયો ઐતિહાસિક રીતે અગ્રગામી બની શક્યા નથી.

સમાન કક્ષાએ લાવવા માટેનો ઉપક્રમ હતો, પરંતુ આર્થિક અનામતની દિશામાં ગતિ થશે, તો સમતાની દિશામાં કદમ મંડાશે કે કેમ, એ વિવાદાસ્પદ છે.

અંતે એવુ જણાય છે કે આર્થિક અનામત ચૂંટણીને લક્ષ્યમાં રાખીને સવર્ણ સમાજને આકર્ષિત કરવાનો રાજકીય પ્રયાસ છે.

આપને આ પણ વાંચવું ગમશે

(બીબીસી ગુજરાતીનાં હરિતા કંડપાલ સાથે થયેલી વાતચીતના આધારે.લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે. તેમાં સામેલ તથ્યો તથા વિચાર બીબીસીના નથી તથા બીબીસી તેની કોઈ જવાબદારી નથી લેતું.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો