ગાંધીજીએ પાકિસ્તાનને રૂ.55 કરોડ અપાવવા માટે ઉપવાસ કર્યા હતા?

    • લેેખક, ઉર્વિશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગાંધીજીએ તેમના જીવનના છેલ્લા ઉપવાસ કાશ્મીર મોરચે યુદ્ધે ચડેલા પાકિસ્તાનને રૂ. 55 કરોડ અપાવવા માટે કેમ કર્યા?

આમ કરીને તેમણે ભારતનું અહિત અને પાકિસ્તાનનું હિત કર્યું ન ગણાય?

આવી રીતે નહેરુ-સરદાર પર દબાણ લાવવું કેટલું યોગ્ય ગણાય? આવા ઘણા સવાલ પૂછાતા રહ્યા છે.

ગાંધીજી પર થતા આ આક્ષેપોમાં ખરેખર તથ્ય શું છે તે જાણવા માટે થોડી તેની પૂર્વભૂમિકા જોવી જરૂરી બની રહે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

એ સમયે કેવું હતું વાતાવરણ?

કલકત્તા અને બિહારની કોમી આગ ઠારવાના ભયંકર અનુભવો લઈને ગાંધીજી 10 સપ્ટેમ્બર 1947ના રોજ દિલ્હી પહોંચ્યા અને સાડા ચાર મહિના પછી થયેલી તેમની હત્યા સુધી દિલ્હીમાં જ રહ્યા.

દિલ્હી પણ ત્યારે કોમી ઉન્માદમાં પાગલ બન્યું હતું. બિરલાહાઉસના ચોગાનમાં થતી ગાંધીજીની પ્રાર્થનાસભાઓમાં કુરાનમાંથી કશુંક વંચાય કે ગવાય ત્યારે વિરોધ થવા લાગ્યો.

પાકિસ્તાનથી આવતા સાચા સમાચારો જ એટલા ખતરનાક હતા, ને તેમાં વળી અફવાઓ ઉમેરાય.

એટલે સ્થાનિક તેમ જ પાકિસ્તાનથી નિરાશ્રિત થઈને આવેલા હિંદુઓ-શીખોના ઉશ્કેરાટનો પાર ન હતો.

ઇતિહાસમાં કદી જોવા ન મળી હોય એવી હિંસા અને મારકાપનો-અત્યાચારોનો માહોલ હતો.

તેની વચ્ચે ગાંધીજી શાંતિ-સહિષ્ણુતા-સર્વધર્મસમભાવ જેવા આદર્શનો ટાપુ બનીને ઊભા હતા.

તેમની મહેચ્છા એ આદર્શો આખા હિંદમાં વિસ્તરે અને કંઈ નહીં તો પાગલપણું દૂર થાય એવી હતી.

'પાકિસ્તાનમાં હિંદુ-શીખોની સલામતી નથી, ત્યારે ભારતે શા માટે મુસ્લિમોને સંઘરવા જોઈએ?'

એવી દલીલ થાય ત્યારે તે કહેતા હતા કે ભારત સરકાર પાકિસ્તાનની સરકારનાં કૃત્યો વિશે બેપરવા ન રહે પણ તેનો અર્થ એવો નથી કે પાકિસ્તાનની નકલ કરીને ભારતમાંથી પણ લઘુમતીઓને હાંકી કાઢવામાં આવે. (દિલ્હી ડાયરી, 25-09-47 પૃ.42)

સરહદની બંને બાજુથી ડરીને ઘરબાર છોડીને આવનારા લોકોને ગાંધીજી આગ્રહપૂર્વક કહેતા હતા કે 'તમારાં વતન તેમ જ ઘરબારને વળગી રહો ને પોતાના બચાવને માટે ઇશ્વર સિવાય બીજા કોઈના પર આધાર ન રાખો.'(દિલ્હી ડાયરી, 09-10-47, પૃ.88)

પાકિસ્તાનનો જરાય બચાવ કર્યા વિના, તેની વખતોવખત ટીકા કરીને પણ, તે ભારતને પાકિસ્તાન જેવું બનતું રોકવા માગતા હતા.

તેમનો આદર્શ કહેતો હતો કે '(આપણી સરકાર) ન્યાય ત્યારે જ માગી શકે કે જ્યારે આપણે શુદ્ધ હોઈએ.' (17-09-47 દિલ્હીમાં ગાંધીજી-2, લે. મનુ ગાંધી, પૃ. 24)

55 કરોડ રૂપિયાનો મુદ્દો શું હતો?

કોમી હિંસા થાળે પડવાનું નામ લેતી ન હતી, ત્યાં કાશ્મીર પર (પાકિસ્તાની સૈન્યનું છૂપૂં સમર્થન ધરાવતા) કબાઇલીઓનું આક્રમણ થયું.

ત્યારે બંને દેશો વચ્ચે મિલકતોનું વિભાજન થઈ ચૂક્યું હતું. રૂ. 375 કરોડના કુલ ભંડોળમાંથી, રૂ. 20 કરોડ સત્તાબદલાના દિવસે પાકિસ્તાનને આપી દીધા હતા.

છેવટે તેને કુલ રૂ.75 કરોડ આપવાનું નક્કી થયું હતું. એટલે રૂ. 55 કરોડ આપવાના બાકી હતા.

ભારત સરકારે એવું વલણ લીધું કે કાશ્મીરમાં આક્રમણખોરોનો પડદા પાછળ રહીને દોરીસંચાર કરતા પાકિસ્તાનને આક્રમણની કાર્યવાહી ચાલુ હોય ત્યાં સુધી રૂ.55 કરોડ ન આપવા. કેમ કે એ નાણાં ભારતની સામે જ વપરાય એવી પૂરી સંભાવના હતી.

ઉપવાસની જાહેરાત

દિલ્હી આવ્યા ત્યારથી ગાંધીજી વ્યથિત હતા. તેમની સમક્ષ રોજ થતી રજૂઆતો તેમને હલાવી નાખતી હતી.

11 જાન્યુઆરી, 1948ના રોજ તેમને દિલ્હીના કેટલાક રાષ્ટ્રવાદી મૌલાના મળવા આવ્યા.

તે પાકિસ્તાન ગયા ન હતા અને હવે ભારતમાં- પાટનગર દિલ્હીમાં તેમને સલામતી લાગતી ન હતી.

પાકિસ્તાનનો વિરોધ કરી ચૂક્યા હોવથી પાકિસ્તાન પણ તેમને સંઘરે તેમ ન હતું. એટલે એક મૌલાનાએ ગાંધીજીને વ્યથાપૂર્વક કહ્યું કે અમને ઇંગ્લૅન્ડની ટિકીટ કઢાવી આપો.

ગાંધીજીએ તેમને રાષ્ટ્રવાદી થઈને આવું બોલવા બદલ ઠપકો આપ્યો પણ પાટનગર દિલ્હીની આવી હાલત મોટી આશા-આકાંક્ષા સાથે સ્વતંત્ર થયેલા આખા દેશને શરમમાં નાખનારી હતી.

તેનો અત્યાર લગી ખટકતો અહેસાસ ઉપરના પ્રસંગ પછી 'ઊંટની પીઠ પરનું છેલ્લું તણખલું' (પુર્ણાહુતિ-4, પૃ.361) સાબિત થયો.

બીજા દિવસે સોમવાર એટલે કે ગાંધીજીનો મૌન વાર હતો. તેમણે પ્રાર્થનાસભા માટે પ્રવચન લખ્યું.

તેમાં એમણે જાહેર કર્યું કે દિલ્હીનું પાગલપણું બંધ ન થાય ત્યાં સુધી તે ઉપવાસ કરશે.

થોડા વખત પહેલાં તેમણે કલકત્તામાં આવા ઉપવાસ કર્યા હતા અને શાંતિ સ્થાપી હતી.

સ્વરાજના આંદોલનનું જૂનું સૂત્ર 'કરેંગે યા મરેંગે' આ દિવસોમાં ગાંધીજી ઘણું યાદ કરતા હતા અને નવા સંદર્ભે કહેતા હતા કે હવે તો કરેંગે (શાંતિની સ્થાપના કરીશ) યા મરેંગે (મોતને ભેટીશ).

12 જાન્યુઆરીના સાંજના પ્રાર્થના પ્રવચન માટે તેમણે લખ્યું હતું, 'ઉપવાસ કા અરસા અનિશ્ચિત હૈ. ઔર જબ મુઝે યકીન હો જાયગા કિ સબ કૌમોંકે દિલ મિલ ગયે હૈં ઔર વહ બાહરકે દબાવ કે કારણ નહીં મગર અપના અપના ધર્મ સમઝને કે કારણ, તબ મેરા ઉપવાસ છૂટેગા.' (દિલ્હીમાં ગાંધીજી-2, પૃ.277)

આખા પ્રાર્થના પ્રવચનમાં ક્યાંય રૂ.55 કરોડનો ઉલ્લેખ ન હતો. ઘણાને નવાઈ લાગી હતી કે કોઈ દેખીતો મુદ્દો નથી, ત્યારે ગાંધીજીએ અચાનક કેમ ઉપવાસ કર્યા?

શું આ ઉપવાસ સરદાર સામે હતા?

સરદાર પર મુસ્લિમવિરોધી હોવાનો આરોપ મૂકનારા કેટલાકે એવી વાત ફેલાવી હતી કે ગાંધીજીના ઉપવાસ સરદારના હૃદયપલટા માટે છે.

સરદારની ટીકા અને ગાંધી-નહેરુની પ્રશંસા કરનારા માટે તેમણે કહ્યું કે '(ગાંધી-નહેરુ પર) વણમાગી પ્રશંસાનો વરસાદ વરસાવવામાં તમે ખોટા છો, એટલા જ સરદારને જુદા પાડવામાં અને તેમને હોળીનું નાળિયેર બનાવવામાં તમે ખોટા છો.' (પુર્ણાહુતિ, પૃ.381)

ઉપવાસના પહેલા દિવસે પ્રાર્થનાસભાના પ્રવચનમાં ગાંધીજીએ કહ્યું, 'હું જાણું છું કે સરદારની જીભમાં કદાચ કાંટા હશે, કડવાશ હશે, પણ હૃદયમાં કાંટો કે કડવાશ નથી.'

સરદાર પટેલ દ્વારા થતી મુસ્લિમ લીગ અને લીગી મુસ્લિમોની ટીકાને પણ તેમણે સરદારના દૃષ્ટિકોણથી વાજબી ઠરાવી અને કહ્યું કે પોતે એવું ન કરે પણ 'વહેમ રાખવાનો એમને (સરદારને) અધિકાર છે. પણ તે વહેમનો મુસલમાનોએ અનર્થ ન કરવો ઘટે.' (દિલ્હીમાં ગાંધીજી, 13-01-48, પૃ. 294)

'મુસ્લિમ લીગવાળા એક રાતમાં મિત્રો બની જઈ શકે નહીં' એવું સરદારનું નિવેદન તેમની વિરુદ્ધમાં ટાંકવામાં આવતું હતું.

તેનો ઉલ્લેખ કરીને ગાંધીજીએ કહ્યું કે મોટા ભાગના હિંદુઓ એવો અભિપ્રાય ધરાવે છે અને 'કેવળ શબ્દો દ્વારા નહીં પણ આચરણ દ્વારા સરદારની એ ટીકા ખોટી પાડવાની' મુસ્લિમ લીગવાળા મિત્રોની ફરજ છે. (પુર્ણાહુતિ-4, પૃ. 383)

કઈ રીતે આવ્યો ઉપવાસનો અંત?

ઉપવાસના ત્રીજા દિવસે ભારત સરકારે જાહેર કરી દીધું કે 'ગાંધીજીના હૃદયમાં છે તે હેતુની દિશામાં તેમને હરેક રીતે મદદરૂપ થવાની સાચા દિલની ઇચ્છાથી પ્રેરાઈને' પાકિસ્તાનને રૂ.55 કરોડ ચૂકવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પરંતુ ગાંધીજીના ઉપવાસ ત્યાર પછી પણ ચાલુ રહ્યા. કારણ કે રૂ.55 કરોડનો મુદ્દો મુખ્ય કે એક માત્ર કારણ ન હતો.

અલબત્ત, ગાંધીજીએ સરકારના આ નિર્ણયને 'અપૂર્વ પગલું' ગણાવ્યો અને કહ્યું કે 'હિંદ સરકારના નિર્ણયે પાકિસ્તાનની સરકારની આબરૂને કસોટીએ ચડાવી છે.'

તેમણે એમ પણ કહ્યું કે 'આ મુસલમાનોને રીઝવવાની નીતિ નથી. કહો કે, એ પોતાની જાતને રીઝવવાની નીતિ છે.' (પુર્ણાહુતિ-4, પૃ.384-5)

દિલ્હીમાં કોમવાદી સહિતનાં જૂથો-સંગઠનોએ શાંતિની ખાતરી આપ્યા પછી અને ભારે લથડતી તબિયતે ગાંધીજીએ ખાતરી વિશેની બને એટલી ખરાઈ કર્યા પછી, 13મીએ શરૂ કરેલા ઉપવાસનાં 18મીએ પારણાં કર્યાં.

તેમના ભૂતપૂર્વ ટીકાકાર અને કલકત્તાના ઉપવાસ પછી તેમના પ્રત્યે ભાવ ધરાવતા 'સ્ટેટ્સમેન' અખબારના ભૂતપૂર્વ તંત્રી આર્થર મૂરે ગાંધીજીના ઉપવાસ વિશે સાંભળીને સહાનુભૂતિમાં પોતે પણ તેમના જેટલા જ ઉપવાસ કર્યા. (પંડિત નહેરુ પણ કોઈને કહ્યા વિના, છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ પર હતા.)

ગાંધીજીના અવસાન પછી મૂરે લખ્યું હતું, 'ગાંધીજીએ અહિંસા શબ્દમાં ઉમેરેલા પ્રેમના તત્ત્વની મેં સર્વથા ઓછી કિંમત કરી હતી... એ વસ્તુ માનવજાત માટેના તેમના ઊંડા પ્રેમમાંથી ઉદભવી હતી, જે માનવજાત માટેના મારા પ્રેમ કરતાં અનેક ગણો વધારે હતો.' (પુર્ણાહુતિ પૃ. 393)

વિશ્લેષણ

ગાંધીજીના ઉપવાસ ફક્ત રૂ.55 કરોડ માટે ન હતા. છતાં, તેમના ઉપવાસના કારણે જ પાકિસ્તાનને રૂ.55 કરોડ તત્કાળ મળી શક્યા, એ હકીકત છે.

ગોડસે પ્રકારની વિચારધારાવાળા ઘણાનો ગાંધીજી પ્રત્યેનો જૂનો રોષ આ ઉપવાસથી ઓર ભડક્યો, જે તેમને ગાંધીહત્યાના સુઆયોજિત, વિચારધારાસમર્થીત પગલા સુધી લઈ ગયો.

આખું જીવન નૈતિકતાની અને સૌહાર્દની સ્થાપના માટે જીવનાર ગાંધીજી તેમના છેલ્લા દિવસોમાં, ખાસ કરીને ભારત આઝાદ બન્યું હોય ત્યારે, કોમી હિંસા અને 'જેવા સાથે તેવા'નો કાયદો ન જ સ્વીકારી શકે.

એ માટે તેમણે 79 વર્ષે માનસિકની સાથોસાથ આકરી શારીરિક પીડા વેઠીને ઉપવાસ કર્યા અને રૂ.55 કરોડની ચૂકવણી પછી પણ દિલ્હીમાં શાંતિની ખાતરી ન મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખ્યા.

તેમના ઉપવાસનો વિરોધ થયો તેમ, તેની દેશવિદેશમાં ઘેરી અસર પણ પડી.

દિલ્હીનું કામ પૂરું થયા પછી તેમની ઇચ્છા પાકિસ્તાન જવાની અને ત્યાંની લઘુમતીઓ માટે કામ કરવાની હતી.

આ સમગ્ર પરિપ્રેક્ષ્યમાં પાકિસ્તાનને રૂ.55 કરોડ અપાવવા બદલ વ્યવહારિક દૃષ્ટિકોણથી ગાંધીજીની ટીકા થઈ જ શકે.

મંત્રીમંડળ પર ગેરવાજબી દબાણ આણ્યું એવું પણ કહી શકાય પરંતુ ગાંધીજીના દૃષ્ટિબિંદુથી અને ઉપર વર્ણવી છે એવી બીજી ઘણી હકીકતોના પ્રકાશમાં, છેવટે પાકિસ્તાનના રૂ.55 કરોડ ભૂલાઈને ગૌણ બની ગયા છે.

ગાંધીદ્વેષીઓ સિવાય બીજા માટે અત્યારે એ રૂ.55 કરોડનું મહત્ત્વ રહ્યું નથી, જ્યારે હતાશાથી ઘેરાયેલા 79 વર્ષના ગાંધીજીએ ઉચ્ચ નૈતિક મૂલ્યો માટે કરેલા ઉપવાસ હજુ પણ ઘણા માટે પ્રેરણા પૂરી પાડી શકે છે.

દેશહિતના નામે દ્વેષની વિચારધારાને સમર્થન આપવા સામે અત્યારે પણ એ ઉપવાસ વિચારભાથું પૂરું પાડી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો