You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકાના અનેક વિસ્તારોમાં મુસલમાનો વિરુદ્ધ હિંસા, કર્ફ્યુ લગાવાયો
શ્રીલંકામાં ચર્ચ પર હુમલા બાદ હવે મુસલમાનો વિરુદ્ધ હિંસા શરૂ થઈ છે. હિંસામાં વધારો થયા બાદ દેશભરમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો.
મસ્જિદો અને મુસલમાનોનાં વેપારી સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યાં છે. અત્યાર સુધી આ હિંસામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
અનેક વિસ્તારોમાં પોલીસે ઉશ્કેરાયેલાં ટોળાંને વિખેરવા માટે હવામાં ગોળી ચલાવવાની ફરજ પડી હતી તથા અશ્રુ ગૅસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
શ્રીલંકામાં ઇસ્ટરના સમયે જેહાદી ઉગ્રવાદીઓએ ચર્ચો અને હોટલોને નિશાન બનાવીને આત્મઘાતી હુમલાઓ કર્યા હતા. જેમાં 250થી વધારે લોકો માર્યા ગયા હતા.
આ હુમલાઓ બાદ શ્રીલંકામાં તણાવનો માહોલ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
કર્ફ્યુ લાગુ
વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરતાં કહ્યું કે આ હિંસાને કારણે હુમલાઓની તપાસમાં અડચણ આવી રહી છે.
પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે સરકારે રાત્રીનો કર્ફ્યુ લગાવી દીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર-પશ્ચિમ શહેર કીનિયામામાં એક મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો હતો અને મુસલમાનોના પવિત્ર પુસ્તક કુરાનને પણ જમીન પર ફેંકી દેવામાં આવ્યું હતું.
સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા પ્રમાણે સૈન્યદળોએ નજીકના એક તળાવમાં હથિયાર શોધવા માટે તપાસ અભિયાન ચલાવ્યું હતું. પ્રદર્શનકારીઓએ મસ્જિદની પણ તપાસ કરવાની માગ કરી હતી.
મસ્જિદમાં નમાજ પઢવા આવેલા લોકોનાં વાહનો પણ સળગાવી દેવામાં આવ્યાં હતાં.
પોલીસનું કહેવું છે કે ચિલા નામના એક ગામમાં ફેસબુકથી શરૂ થયેલો વિવાદ હુલ્લડમાં બદલાઈ ગયો હતો.
કૅથલિક ખ્રિસ્તીની બહુમતીવાળા આ ગામમાં મુસલમાનોની દુકાનોને નિશાન બનાવાવમાં આવી હતી.
ફેસબુક પર વિવાદિત પોસ્ટ લખનારા એક 38 વર્ષીય મુસ્લિમ વેપારીની ધરપકડ કરી લેવામાં આવી છે.
હિંસા રોકવા માટે સરકારે ફેસબુક અને વૉટ્સઍપ સહિત અનેક મીડિયા વેબસાઇટ્સ અને ચેટ ઍપ્સની સેવાઓ અટકાવી દીધી છે.
જોકે, ટ્વિટરની સેવાઓને રોકવામાં આવી નથી.
વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ એક ટ્વીટમાં કહ્યું, "હું નાગરિકોને શાંતિ જાળવી રાખવા અને કોઈ ખોટી અફવામાં ન આવવા માટે અપીલ કરું છું. સુરક્ષાદળો આતંકીઓને પકડવા અને દેશની સુરક્ષાને કાયમ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે."
રિપોર્ટ પ્રમાણે હેત્તીપોલા શહેરમાં પણ હિંસા થઈ છે. અહીં ઓછામાં ઓછી ત્રણ દુકાનોને નિશાન બનાવાવમાં આવી છે.
શ્રીલંકામાં લગભગ બે કરોડ વીસ લાખ લોકો રહે છે, જેમાં મુસલમાનોની વસતિ લગભગ 10 ટકા છે. શ્રીલંકામાં સૌથી વધારે વસતિ સિંહલા બૌદ્ધની છે.
ઇસ્ટરના રવિવારે થયેલા હુમલા માટે પોલીસે બે ઇસ્લામિક સંગઠનો પર આરોપ લગાવ્યા છે. ઇસ્લામિક સ્ટેટે આ હુમલાઓની જવાબદારી લીધી હતી. જોકે, કોઈ વિસ્તૃત જાણકારી આપી ન હતી.
આ હુમલાઓ બાદ સરકારે દેશમાં ઇમર્જન્સી લાગુ કરી દીધી હતી
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો