You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું શ્રીલંકાના હુમલાખોરની ધરપકડ બુરખામાં થઈ હતી?- ફૅક્ટ ચેક
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
સોશિયલ મીડિયા પર શ્રીલંકામાં થયેલા બૉમ્બ બ્લાસ્ટ સાથે જોડીને એક જૂનો વીડિયો ભ્રામક દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યો છે.
આશરે 30 સેકંડના વાઇરલ વીડિયોમાં બુરખો પહેરેલી એક વ્યક્તિ દેખાય છે જેમની પોલીસે ધરપકડ કરેલી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો શ્રીલંકાનો છે અને તેનો સંબંધ શ્રીલંકામાં થયેલા સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ સાથે છે.
જે લોકોએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે તેમનો દાવો છે, "મુસ્લિમ મહિલાઓના વેશમાં આ બૌદ્ધ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. આ વ્યક્તિ શ્રીલંકાનાં ચર્ચોમાં થયેલા હુમલામાં સામેલ હતી."
છેલ્લા 48 કલાકમાં આ જ દાવા સાથે વીડિયોને હજારો લોકો ફેસબુક પર પોસ્ટ કરી ચૂક્યા છે. ટ્વિટર પર પણ આ વીડિયોને સેંકડો વખત શૅર કરવામાં આવ્યો છે.
21 એપ્રિલ 2019ના રોજ શ્રીલંકાના ઘણાં શહેરોમાં થયેલા સીરિયલ બૉમ્બ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને 359 થઈ ગઈ છે અને 500 કરતાં વધારે લોકો ઘાયલ થયા છે.
કથિત ઉગ્રવાદી સંગઠન 'ઇસ્લામિક સ્ટેટ'એ પોતાના મીડિયા પોર્ટલ 'અમાક' પર આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
પરંતુ તેની પુષ્ટિ કરી શકાતી નથી કેમ કે સામાન્ય રીતે ઇસ્લામિક સ્ટેટ હુમલા બાદ તુરંત હુમલાખોરોની તસવીર પ્રકાશિત કરીને આવા હુમલાની જવાબદારી સ્વીકારે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તરફ શ્રીલંકા સરકારે એક સ્થાનિક જેહાદી સંગઠન 'નેશનલ તૌહીદ જમાત'નું નામ લીધું છે અને અધિકારીઓએ બૉમ્બ બ્લાસ્ટ કોઈ આંતરરાષ્ટ્રીય નેટવર્કની મદદથી કરાવાયો હોવાની વાત કહી છે.
રિપોર્ટના આધારે અત્યાર સુધી 38 લોકોની ધરપકડ થઈ છે. તેમાંથી 26 લોકોની CIDએ, 3 લોકોની આતંકવિરોધી દળે અને 9 લોકોની શ્રીલંકા પોલીસે ધરપકડ કરી છે.
છેલ્લાં કેટલાક વર્ષોથી શ્રીલંકાના બહુસંખ્યક સિંહલી સમુદાય અને મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક તણાવ રહ્યો છે.
ગત વર્ષે માર્ચ મહિનામાં સિંહલા બૌદ્ધ લોકોની ભીડે દિગાના શહેરમાં મુસ્લિમોની 150 કરતાં વધારે દુકાનો, ઘર અને મસ્જિદોને આગ લગાવી દીધી હતી જ્યારબાદ દેશમાં કટોકરીની ઘોષણા કરવી પડી હતી.
ઘણા લોકો બન્ને સમુદાયો વચ્ચેના તણાવને જોડીને આ પણ આ વીડિયો શૅર કરી રહ્યા છે.
પરંતુ જે વીડિયોને શ્રીલંકા વિસ્ફોટ મામલે ધરપકડ કરેલ 'બૌદ્ધ વ્યક્તિ'નો ગણાવીને શૅર કરવામાં આવી રહ્યો છે, તે વીડિયોને ઘટના સાથે કોઈ સંબંધ નથી.
ભારતનાં ઘણાં રાજ્યો સહિત શ્રીલંકામાં પણ વાઇરલ થયેલો આ વીડિયો ઑગસ્ટ 2018નો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
વાઇરલ વીડિયોની વાસ્તવિકતા
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલો વીડિયો છે તો શ્રીલંકાનો જ, પરંતુ આ વીડિયોને શ્રીલંકાના સ્થાનિક મીડિયા નેટવર્ક નેથ ન્યૂઝે સીરિયલ બૉમ્બ બ્લાસ્ટના આશરે આઠ મહિના પહેલાં યૂ-ટ્યૂબ પર પોસ્ટ કર્યો હતો.
29 ઑગસ્ટ 2018ના રોજ પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો નેથ ન્યૂઝના યૂટ્યૂબ પેજ પર ઉપલબ્ધ છે.
મીડિયા નેટવર્કના આધારે શ્રીલંકાની રાજધાની કોલંબો નજીક આવેલા પશ્ચિમી પ્રાંત રાજગિરીમાં આ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી.
નેથ ન્યૂઝની વેબસાઇટ પર આ વીડિયો સાથે છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે વીડિયોમાં દેખાઈ રહેલી વ્યક્તિ રિક્ષામાં બેસીને વેલીકાડા પબ્લિક શૉપિંગ કૉમ્પ્લેક્સ સુધી પહોંચ્યા હતા.
પરંતુ રિક્ષાચાલકને આ વ્યક્તિના વલણ પર શંકા ગઈ તો તેમણે પોલીસને તેની સૂચના આપી અને તેમની ધરપકડ કરાવી દીધી હતી.
આ વ્યક્તિ પર શું આરોપ હતો? આ અંગે નેથ ન્યૂઝના રિપોર્ટમાં કંઈ લખાયેલું નથી.
શ્રીલંકાની જ એક્સપ્રેસ ન્યૂઝ નામની વેબસાઇટે નેથ ન્યૂઝનો હવાલો આપી 30 ઑગસ્ટ 2018ના રોજ આ ઘટનાનો રિપોર્ટ પબ્લિશ કર્યો હતો.
વીડિયોને ખોટા સંદર્ભ સાથે વાઇરલ થતો જોઈ નેથ ન્યૂઝે પોતાના ફેસબુક પેજ પર આ વીડિયો અંગે સ્પષ્ટીકરણ આપ્યું હતું.
તેમણે લખ્યું છે, "ધ્યાન આપો! આ વીડિયો સોશિયલ મીડિયા પર સર્કુલેટ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપ 29 ઓગસ્ટ 2018ના રોજ અમે પબ્લિશ કરી હતી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો