You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મસ્જિદો પર હુમલા પછી શ્રીલંકામાં કટોકટી, કેબિનેટે મંજૂરી આપી
મસ્જિદો અને મુસ્લિમોની દુકાનો પર સિલસિલાબંધ હુમલા બાદ શ્રીલંકાની કેબિનેટ દેશમાં કટોકટી જાહેર કરવા માટે સહમત થઈ ગઈ છે.
કોલંબોથી મળતી પ્રારંભિક માહિતી અનુસાર એમ કહેવામાં આવી રહ્યું છે કે કટોકટી જાહેર થઈ ગઈ છે.
જોકે, હજી સુધી કટોકટી લાગુ થવાની ઔપચારિક જાહેરાત કરવામાં નથી આવી. કેંડી શહેરના કેટલાક વિસ્તારોમાં કરફ્યુ લગાવી દેવાયો છે.
કેંડીથી મળતા અહેવાલો અનુસાર બૌદ્ધ ધર્મને માનનારા સિંહાલી લોકોએ મુસ્લિમોની દુકાનો પર હુમલા કર્યા અને તેમાં આગ લગાડી દીધી.
સળગી ગયેલી એક ઇમારતમાંથી એક મુસ્લિમ વ્યક્તિનો મૃતદેહ મળ્યા બાદ શ્રીલંકામાં પોલીસને શંકા છે કે આ ઘટનાનો હિંસક પ્રત્યુત્તર અપાશે અને સ્થિતિ વણસશે.
શ્રીલંકામાં યોજાયેલી ક્રિકેટ મેચની શ્રેણીની પ્રથમ ટી-20 મેચ મંગળવારે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે.
આ શ્રેણી વિશે પણ હજી અનિશ્ચિતતા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગના કમિશનર રાજીવ શુક્લાએ ભારત સરકારને અનુરોધ કર્યો છે કે તે ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષા નિશ્ચિત કરે.
એક સપ્તાહ પહેલાં ટ્રાફિક સિગ્નલ પર થયેલા એક ઝઘડા બાદ કેટલાક મુસ્લિમોએ એક બૌદ્ધ યુવકને માર્યો હતો, ત્યારથી જ સ્થિતિ તણાવપૂર્ણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લાં સપ્તાહમાં જ શ્રીલંકાના પૂર્વ શહેર અમપારામાં મુસ્લિમ વિરોધી હિંસા થઈ હતી.
કોમી તણાવનો ઇતિહાસ
શ્રીલંકામાં વર્ષ 2012થી જ કોમી તણાવની સ્થિતિ સર્જાયેલી છે. કહેવાય છે કે, એક કટ્ટરપંથી બૌદ્ધ સંગઠન (બીબીએસ) આ તણાવને વેગ આપે છે.
કેટલાક કટ્ટરપંથી બૌદ્ધ જૂથોએ મુસ્લિમો પર બળજબરીથી ધર્માંતરણ કરાવવાનો અને બૌદ્ધ મઠોને નુકસાન કરવાનો આક્ષેપ કર્યો છે.
તમને આ વાંચવું પણ ગમશે:
છેલ્લા બે મહિનામાં ગૉલમાં મુસ્લિમોની મિલકતવાળી કંપનીઓ અને મસ્જિદો પર હુમલાની 20થી વધુ ઘટનાઓ બની ચૂકી છે.
વર્ષ 2014માં કટ્ટરપંથી બૌદ્ધ જૂથોએ ત્રણ મુસ્લિમોની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ગૉલમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.
વર્ષ 2013માં કોલંબોમાં બૌદ્ધ સાધુઓના નેતૃત્વ હેઠળના એક ટોળાંએ કપડાંના એક સ્ટોર પર હુમલો કરી દીધો હતો.
કપડાની આ દુકાન એક મુસ્લિમની હતી અને એ હુમલામાં ઓછામાં ઓછી સાત વ્યક્તિ ઘાયલ થઈ હતી.
શ્રીલંકાની વસતી બે કરોડ દસ લાખ જેટલી છે અને તેમાં 70 ટકા બૌદ્ધ અને 9 ટકા મુસ્લિમો છે.
વર્ષ 2009માં સૈન્ય દ્વારા તમિલ વિદ્રોહીઓને હરાવી દીધા બાદ શ્રીલંકાનો મુસ્લિમ સમુદાય એક રીતે રાજકીય પ્રવૃત્તિઓથી દૂર રહ્યો છે.
પરંતુ તાજેતરના વર્ષોમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ ધર્મના નામે હિંસાની ઘટનાઓ વધી છે. આ હિંસા માટે બૌદ્ધ ગુરુઓને જવાબદાર ઠેરવવામાં આવે છે.
બૌદ્ધોના નિશાન પર કેમ છે મુસ્લિમો?
બૌદ્ધ ધર્મને વિશ્વમાં શાંતિ અને અહિંસાના પ્રતિક તરીકે જોવામાં આવે છે. અહિંસા પ્રત્યે બૌદ્ધ માન્યતાઓ તેને અન્ય ધર્મોથી અલગ બનાવે છે.
તો પ્રશ્ન એ થાય છે કે, મુસ્લિમો વિરુદ્ધ બૌદ્ધ હિંસાનો સહારો કેમ લઈ રહ્યા છે.
શ્રીલંકામાં મુસ્લિમોનો મુસ્લિમ પરંપરા મુજબ માંસાહાર અને પાળેલા પ્રાણીઓને મારી નાખવા એ બુદ્ધ સમુદાય માટે એક વિવાદનો મુદ્દો રહ્યો છે.
શ્રીલંકામાં કટ્ટરપંથી બૌદ્ધોએ એક બોડુ બલા સેના પણ બનાવી રાખી છે. જે સિંહાલી બૌદ્ધોનું રાષ્ટ્રવાદી સંગઠન છે. આ સંગઠન મુસ્લિમો વિરુદ્ધ રેલીઓ પણ કાઢે છે.
તેમના વિરુદ્ધ સીધી કાર્યવાહી કરવાની વાત કરે છે અને મુસ્લિમો દ્વારા ચલાવવામાં આવતા વેપારના બહિષ્કારનું સમર્થન કરે છે.
આ સંગઠનને મુસ્લિમોની વધી રહેલી જનસંખ્યા સામે પણ વાંધો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો