શ્રીલંકા : દારૂ પીતી મહિલાઓથી કેમ ચિડાયા બૌદ્ધ ભિક્ષુ?

શ્રીલંકામાં મહિલાઓને દારૂ ખરીદવાની મંજૂરી આપતા સરકારના નિર્ણય પર રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ પ્રતિબંધ મૂકી દીધો છે.

સરકારે બુધવારના રોજ 1955ના એક કાયદામાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી.

જેના અંતર્ગત 18 વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતી મહિલાઓ પર લાગેલા દારૂ ખરીદવાના પ્રતિબંધને હટાવી દેવાયો હતો.

આ સાથે જ મહિલાઓને જ્યાં દારૂ વેચાય છે તે જગ્યાઓ પર કામ કરવાની પરવાનગી પણ મળવાની હતી.

સરકારે માન્યું હતું કે આ કાયદો મહિલાઓ સાથે ભેદભાવ કરતો હતો. સરકારના આ પગલાંનું શ્રીલંકાની મહિલાઓએ સ્વાગત પણ કર્યું હતું.

પરંતુ રાષ્ટ્રપતિએ સરકારના નિર્ણય વિરુદ્ધ પ્રતિબંધ યથાવત રાખવા આદેશ આપ્યા છે.

રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેમને સમાચારપત્રોના માધ્યમથી આ પગલાંની જાણકારી મળી હતી.

ઘણા વિવેચકોએ રાષ્ટ્રપતિ પર લૈંગિક સમાનતાને ગંભીરતાથી ન લેવાનો આરોપ લગાવ્યો છે.

તમને આ પણ વાંચવું ગમશે

કાયદામાં ફેરફારથી શું સુધારા થતા?

જોકે, શ્રીલંકામાં જૂના કાયદાને પણ કડકાઈ સાથે લાગુ કરવામાં આવ્યો નથી.

પરંતુ સરકાર તરફથી કરવામાં આવેલા ફેરફારની દેશમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે.

આ કાયદાના લાગુ થયા બાદ 60 વર્ષમાં પહેલી વખત 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતી મહિલાઓ કાયદેસર રીતે દારૂ ખરીદી શકતી હતી.

આ સિવાય સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી બહાર કરવામાં આવતા દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ હતો. તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા.

નવા કાયદા અનુસાર સવારે 8 વાગ્યાથી માંડીને 10 વાગ્યા સુધી દારૂ વેચવાની પરવાનગી આપવામાં આવી હતી.

રાષ્ટ્રપતિએ કેમ નિર્ણયમાં ફેરફાર કર્યા?

બૌદ્ધ જનસંખ્યા ધરાવતા શ્રીલંકાના મુખ્ય ભિક્ષુકોએ પ્રતિબંધને હટાવવાના સરકારના નિર્ણયની ટીકા કરી હતી.

તેમનો વિચાર હતો કે ઘણી મહિલાઓને દારૂની ટેવ પડી જશે. જેનાથી શ્રીલંકામાં પારિવારિક સંસ્કૃતિ વિનાશ પામવાનો પણ ખતરો છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે સરકારનાં આ પગલા અંગે થતી ટીકાઓ વિશે સાંભળ્યું અને પ્રતિબંધ હટાવવાના નિર્ણયને પરત ખેંચવા આદેશ આપ્યો હતો.

રાષ્ટ્રપતિના આ વલણથી ઘણા લોકોને આશ્ચર્ય થયું ન હતું કેમ કે તેઓ દારૂ વિરુદ્ધ અભિયાન ચલાવતા રહ્યા છે.

પહેલાં તેઓ ચેતવણી પણ આપી ચૂક્યા છે કે શ્રીલંકાની મહિલાઓમાં દારૂ પીવાનું ચલણ ખૂબ વધ્યું છે.

રાષ્ટ્રપતિ પર ઢોંગી હોવાના આરોપ કેમ ?

જોકે, ઘણા લોકો કહે છે કે સરકારના નિર્ણયને રદ કરવાથી સંકેત મળે છે કે ગઠબંધન સરકાર વચ્ચે સંબંધો સારા નથી.

રાષ્ટ્રપતિ સિરિસેના મહિલાઓને રાજકારણમાં વધુ સક્રિય ભૂમિકા નિભાવવા માટે પ્રોત્સાહિત કરી ચૂક્યા છે.

તેમણે ગત વર્ષે જ કહ્યું હતું કે તેમની સરકારે સુનિશ્ચિત કર્યું છે કે ભવિષ્યની ચૂંટણીમાં વધુમાં વધુ મહિલાઓ રાજકારણમાં આવે.

દારૂના મુદ્દા પર તેમના બેવડા માપદંડોને લઈને મહિલાઓ અને પુરુષો બન્નેમાં ગુસ્સો છે.

શ્રીલંકામાં કેટલી મહિલાઓ દારૂ પીવે છે?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વર્ષ 2014ના આંકડા જણાવે છે કે 56.9 ટકા પુરુષોની સરખામણીએ 80.5 ટકા મહિલાઓએ શ્રીલંકામાં ક્યારેય દારૂ પીધો નથી.

તો 15 વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતી 0.1 ટકા કરતા પણ ઓછી મહિલાઓ દારૂની આદતથી ટેવાયેલી છે. જ્યારે આ મામલે પુરુષોની સંખ્યા 0.8 ટકા છે.

શ્રીલંકામાં મોટા ભાગની મહિલાઓ સાંસ્કૃતિક કારણોસર પારંપરિક રૂપે દારૂનું સેવન કરતી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો