You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : જાનની ટ્રકને નડ્યો અકસ્માત, 32નાં મૃત્યુ
ગુજરાતમાં રાજકોટ-ભાવનગર હાઇવે પર જાનની ટ્રકનો અકસ્માત થયો છે.
બોટાદ જિલ્લાના રંઘોળા નજીક જાનની ટ્રક નાળામાં પડી જતાં આ દુર્ઘટનામાં 32 લોકોનાં મૃત્યું થયાં છે.
જાન પાલિતાણાના અનેડા ગામથી ગઢડાના ટાટમ ગામ જાન જઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત થયો હતો.
ટ્રકમાં 60 જેટલાં લોકો સવાર હતાં. ઘાયલોને સિહોર અને ભાવનગરની હોસ્પિટલ્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
ભાવનગરના કલેક્ટર ઓફિસમાંથી મળતી સત્તાવાર માહિતી પ્રમાણે 32 લોકોનાં મોત થયાં છે.
જોકે, જેના લગ્ન થવાના હતા એ યુવાન ટ્રકમાં ન હોવાથી તેનો બચાવ થયો હતો. યુવકના લગ્નની વિધિ પૂરી થયા બાદ તેમને આ અકસ્માતની જાણ કરવામાં આવી હતી.
જિલ્લા પ્રશાસનને ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ભાવનગર અને બોટાદ 108 નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે ટ્રક નીચે દબાયા છે તમામને બહાર કાઢવાની કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત પોલીસે ન્યૂઝ એજન્સી એએફપીને આ મામલે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ડ્રાઇવરે ટ્રક પર કાબૂ ગુમાવ્યો હોવાથી આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ ઇન્સપેક્ટર કે. જે. કડાપડાના જણાવ્યા પ્રમાણે આ ટ્રકમાં 60 લોકો હતાં જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતાં.
મોટાભાગના લોકો સિહોરના આંબલા નજીકનાં અનેડા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
પાલીતાણાના અનેડા ગામથી ગઢડાના ટાટમ ગામે જાન લઈ જતી વખતે આ ઘટના બની હતી.
સ્થાનિક મીડિયામાં પ્રસારિત થઈ રહેલા અહેવાલો મુજબ મુખ્યમંત્રી કાર્યાલયે પણ આ અકસ્માતની વિગતો મંગાવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
પીએમઓના ટ્વીટર હૅન્ડલ પરથી ટ્વીટ કરતાં મોદીએ લખ્યું છે કે આ દુર્ઘટનામાં જેમણે સ્વજનો ગુમાવ્યાં છે તેમના પ્રત્યે મારી સહાનુભૂતિ. ઉપરાંત ટ્વીટમાં ઘાયલો જલદી સાજા થઈ જાય તેવી કામના પણ મોદીએ કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ અકસ્માત અંગે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.
સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોના વારસદારોને 4 લાખ રૂપિયા સહાય આપવાની વાત કહી છે. ઉપરાંત આ ઘટનાની તપાસ કરવાના પણ આદેશો આપ્યા હોવાની વાત કહી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો