You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત: પાણી બચાવવા સુરતીની અનોખી એમ્પ્ટી બકેટ ચૅલેન્જ!
- લેેખક, અનન્યા દાસ
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાત હાલ પાણીની અછતનો સામનો કરી રહ્યું છે. પાણીની તંગીને જોતાં રાજ્ય સરકાર પણ ચિંતામાં મૂકાઈ છે.
સરકારે હમણાં જ તાકિદે બેઠક બોલાવીને સમગ્ર રાજ્યમાં પાણીની વ્યવસ્થા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
પરંતુ સુરત શહેરમાં એક વ્યક્તિએ એકલા હાથે પાણી બચાવવાની ઝુંબેશ શરૂ કરી છે.
સુરતમાં રહેતા ગાયક યતિન સાંગોઈએ 'આઇસ બકેટ ચૅલેન્જ' જેવી જ 'એમ્પ્ટી બકેટ ચૅલેન્જ' શરૂ કરી છે.
જેમાં પાણી વિનાની બાલ્ટીને માથા પર ઊંધી વાળવાની હોય છે. આ ઝુંબેશથી તે લોકોમાં પાણીની તંગી અંગે જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છે.
તેમના આ નવા જ પ્રકારના આઇડિયાને સોશિયલ મીડિયા પર ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
કઈ રીતે આવ્યો અનોખો આઇડિયા?
યતિન સાંગોઈએ આ અનોખી ઝુંબેશ હોળી પહેલાં જ શરૂ કરી હતી જેથી લોકોને હોળી દરમિયાન પાણી બચાવવાનો સંદેશ આપી શકાય.
બીબીસી સાથે વાત કરતાં યતિન સાંગોઈએ કહ્યું કે તેમને આ આઇડિયા ભૂતકાળમાં ખૂબ જ પ્રચલિત થયેલી આઇસ બકેટ ચૅલેન્જમાંથી આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ વાંચવું પણ ગમશે:
તેમના જણાવ્યા પ્રમાણે, "આ નવા જ આઇડિયાથી લોકોમાં પાણી બચાવવા અંગે જાગૃતિ આવશે. જેથી મેં આ અમલમાં મૂક્યો હતો."
"હાલ ગુજરાતમાં પાણીની તંગી છે અને ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે પાણીની તંગીની પરિસ્થિતિ વધારે ગંભીર છે. જેથી પાણી બચાવવા માટે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે."
વીડિયો દ્વારા જાગૃતિનો પ્રયાસ
યતિન સાંગોઈએ સોશિયલ મીડિયામાં લોકોને જાગૃત કરી શકાય અને તેમના સુધી પહોંચી શકાય તે માટે એક વીડિયો બનાવ્યો છે.
આ વીડિયોને તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેઓ હોળી પહેલાં એમ્પ્ટી બકેટ ચેલેન્જ આપતા જોઈ શકાય છે. જેમાં તેઓ ખાલી બાલટીથી પોતાના પર પાણી રેડતા હોવાનો દેખાવ કરતા જોઈ શકાય છે.
વીડિયોમાં તેઓ કહે છે કે જો તમે સંવેદનશીલ છો અને તમારા બાળકોને ચાહો છો તો તમે પાણીનો બગાડ ન કરો.
ઉપરાંત તેઓ કહે છે કે આવનારી પેઢીઓને સંરક્ષિત રાખવા માગતા હોવ તો તમે મારી એમ્પ્ટી બકેટ ચૅલેન્જને સ્વીકારો અને આ હોળી પર પાણીનો બગાડ અટકાવો.
આઇસ બકેટથી એમ્પ્ટી બકેટ
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "મને લાગ્યું કે લોકોમાં પાણીની અછત અંગે જાગૃતિ ફેલાવવા માટે કંઈક કરવું જોઈએ. જેથી મેં આઇસ બકેટ ચૅલેન્જની જેમ એમ્પ્ટી બકેટ ચૅલેન્જ શરૂ કરી."
આઇસ બકેટ ચૅલેન્જ એક એવો પડકાર હતો જેમાં એક વ્યક્તિ તેમના માથા પર બરફ અને પાણીથી ભરેલી એક બાલટી રેડતા હતા.
જેનો ઉદ્દેશ ઍમિયોટ્રોફિક લૅટરલ સ્કલરોસિસ અથવા મોટર ન્યુરૉન રોગ અંગે જાગૃતિ અને તેના સંશોધનને માટે દાનને પ્રોત્સાહન આપવાનો હતો.
ઝુંબેશને મળેલા પ્રતિભાવ અંગે વાત કરતા યતિન કહે છે, "હું દરરોજ જે લોકોને મળી રહ્યો છું તેઓ પણ મારી આ ઝુંબેશથી ખુશ છે અને કહે છે કે તેઓ મારી સાથે જોડાશે."
"છેલ્લા કેટલાક દિવસોમાં અનેક લોકોએ મારો સંપર્ક કર્યો છે. તેમનું કહેવું છે કે તમારી આ ચૅલેન્જના કારણે અમે હોળી દરમિયાન પાણીનો બગાડ નહોતો કર્યો."
"હોળીના માત્ર બે દિવસ પહેલાં જ આ ઝુંબેશ શરૂ કરી હતી તો પણ તેને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે."
ગુજરાતમાં હાલની પાણીની કટોકટીને જોતાં તે આ ઝુંબેશને આગળ વધારવા વિચારી રહ્યા છે. હાલ તેઓ લોકોમાં પાણી બચાવવા અંગેની જાગૃતિ લાવવા માટે એક વીડિયો બનાવી રહ્યા છે. જે મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે.
કોણ છે યતિન સાંગોઈ?
યતિન સાંગોઈનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેમણે મુંબઈમાં જ સંગીતની તાલીમ લીધી હતી.
હાલ તેઓ સુરતમાં છે અને છેલ્લાં ત્રીસ વર્ષોથી તેઓ પ્રોફેશનલ ગાયક તરીકે કામ કરી રહ્યા છે.
તેમના કહેવા પ્રમાણે તેઓ પોતાની આ ઝુંબેશથી ખુશ છે અને આવનારા સમયમાં પણ અન્ય લોકો સાથે મળીને તેઓ આ ઝુંબેશને આગળ વધારશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો