You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અયોધ્યા વિવાદ નહીં ઉકેલાય તો ભારત સીરિયા બનશે: શ્રી શ્રી રવિશંકર
'આર્ટ ઑફ લિવિંગ'ના શ્રી શ્રી રવિશંકર અયોધ્યા વિવાદ અંગે કોર્ટની બહાર સમાધાન લાવવા પ્રયાસ કરી રહ્યા છે.
રામ મંદિરના મુદ્દા પર શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે જો અયોધ્યા વિવાદનો ઉકેલ નહીં આવે તો ભારતમાં સીરિયા જેવી પરિસ્થિતિ ઊભી થશે.
શ્રી શ્રી રવિશંકરે આ વાતો ઇન્ડિયા ટૂડે અને એનડીટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહી હતી.
શ્રી શ્રી રવિશંકરે એનડીટીવીને જણાવ્યું, "જો કોર્ટ કહે છે કે આ જગ્યા બાબરી મસ્જિદની છે તો શું લોકો આ વાતને સહેલાઇથી અને ખુશીથી માની લેશે? 500 વર્ષોથી મંદિરની લડાઈ લડી રહેલા બહુસંખ્યકો માટે આ વાત કડવી ગોળી સમાન હશે. આવી સ્થિતિમાં હિંસા પણ ફેલાઈ શકે છે."
શ્રી શ્રી રવિશંકરે એમ પણ જણાવ્યું, "મુસ્લિમોએ સદ્ભાવના વ્યક્ત કરતાં અયોધ્યા પર પોતાનો દાવો છોડી દેવો જોઈએ. અયોધ્યા મુસ્લિમોની આસ્થાનું સ્થાન નથી."
તમને આ પણ વાંચવું ગમશે
જો કોર્ટ મંદિરના પક્ષમાં નિર્ણય સંભળાવે છે તો મુસ્લિમ હારનો અનુભવ કરશે. તેઓ ન્યાય વ્યવસ્થામાં પોતાનો વિશ્વાસ ગુમાવી શકે છે. આ પરિસ્થિતિમાં તેઓ અતિવાદ તરફ આગળ વધી શકે છે. આપણે શાંતિ ઇચ્છીએ છીએ.
ઇસ્લામમાં વિવાદીત સ્થળે ઇબાદત કરવાની પરવાનગી નથી. ભગવાન રામ બીજી કોઈ જગ્યાએ જન્મ લઈ શકતા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શ્રી શ્રી રવિશંકરનાં આ નિવેદન પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણાં લોકોએ તેમના પ્રસ્તાવ પર સવાલ ઉઠાવ્યા છે.
નિવેદન પર ચર્ચા
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ટ્વિટર પર સવાલ કર્યો, "શું તેઓ અંગત હેસિયતથી બોલી રહ્યા છે કે પછી ભારત સરકાર અથવા વીએચપી તરફથી."
દૈનિક સમાચારપત્ર અમર ઉજાલાના આધારે પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ વેદાંતીએ શ્રી શ્રી રવિશંકરના પ્રયાસ પર સવાલ ઉઠાવતા કહ્યું, "અયોધ્યામાં રામ મંદિર નિર્માણની ઠેકાદારી લેવા વાળા આખરે તેઓ છે કોણ. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ અયોધ્યામાં શ્રી શ્રીની દખલગીરી ઇચ્છતા નથી."
શ્રી શ્રી રવિશંકર ક્યારે ક્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યા?
લગભગ છ વર્ષ પહેલાં માર્ચ મહિનામાં આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર પાકિસ્તાનના પ્રવાસે હતા.
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં પોતાના એક આશ્રમની સ્થાપના બાદ તેમણે બીબીસીને કહ્યું કે તેઓ 'તાલિબાન અને બીજા ઉગ્રવાદીઓ સાથે વાત કરવા માટે તૈયાર છે.'
એક લાંબા સાક્ષાત્કાર દરમિયાન શ્રી શ્રી રવિશંકરે દાવો કર્યો, "મારો પહેલેથી ઉદ્દેશ રહ્યો છે કે ગમે તે રીતે લોકો વચ્ચેનું અંતર ઓછું કરવામાં આવે. શાંતિ અને સ્થિરતાની નવી લહેર આવે."
જોકે, આ દિશામાં તેમના પ્રયાસ શું થઈ રહ્યા અને તેના પરિણામ શું આવ્યા તે અંગે કોઈ પ્રામાણિક જાણકારી નથી.
શ્રી શ્રીના કાર્યક્રમથી પર્યાવરણને નુકસાન!
આ પહેલી વખત નથી કે જ્યારે શ્રી શ્રી રવિશંકર વિવાદમાં ઘેરાયા હોય.
શ્રી શ્રી સૌથી મોટા વિવાદમાં ત્યારે ઘેરાયા હતા જ્યારે દિલ્હીના યમુના કિનારે આયોજિત થયેલા વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટીવલ પર રાષ્ટ્રીય હરિત ટ્રીબ્યૂનલે સવાલ ઉઠાવ્યા હતા.
ટ્રીબ્યૂનલે શ્રી શ્રીની સંસ્થા આર્ટ ઑફ લિવિંગ પર યમુનાને થયેલા નુકસાન મામલે પાંચ કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
માર્ચ 2016માં યોજાયેલા કાર્યક્રને એનજીટીએ શરતોની સાથે પરવાનગી આપી હતી. પરંતુ શ્રી શ્રીની સંસ્થાએ આ દંડ જમા કરાવ્યો નથી.
એનજીટીના વિશેષજ્ઞોની એક પેનલે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે શ્રી શ્રીના કાર્યક્રમના કારણે "પર્યાવરણને જેટલું નુકસાન પહોંચ્યું છે, તેની ભરપાઈ થઈ શકે એમ નથી."
સમલૈંગિકતા પર નિવેદન મામલે વિવાદ
શ્રી શ્રી રવિશંકરે સમલૈંગિકતા પર આપેલા નિવેદન મામલે પણ ભારે વિવાદ થયો. તેમણે કહ્યું હતું કે સમલૈંગિકતા એક પ્રવૃત્તિ છે અને તેને પછી બદલી શકાય છે.
શ્રી શ્રી રવિશંકરે ગત વર્ષે એપ્રિલમાં ખેડૂતોની આત્મહત્યા મામલે પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું હતું કે ખેડૂતો અધ્યાત્મની ખામીના કારણે આત્મહત્યા કરી રહ્યા છે.
શ્રી શ્રી રવિશંકરે પાકિસ્તાનની વિદ્યાર્થિની મલાલા યુસુફઝઈને શાંતિ નોબેલ પુરસ્કાર આપવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું કે મલાલા યુસુફઝઈએ એવું કંઈ કર્યું નથી કે જેના કારણે તેમને શાંતિનો નોબેલ પુરસ્કાર મળવો જોઈએ.
'શાંતિ દૂત'
જોકે, તમામ વિવાદો છતાં 62 વર્ષના શ્રી શ્રી રવિશંકર 'શાંતિ દૂત'ની પોતાની કથિત છબીને પુષ્ટ કરવાના પ્રયાસ કરતા જોવા મળે છે.
આર્ટ ઑફ લિવિંગની વેબસાઇટ પોતાના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરનો પરિચય માનવતાવાદી નેતા, આધ્યાત્મિક ગુરૂ અને શાંતિના દૂતના રૂપે આપે છે.
વેબસાઇટનો દાવો છે, "શ્રી શ્રીએ સમગ્ર દુનિયામાં સંઘર્ષના સમાધાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ઇરાક, આઇવરી કોસ્ટ, કાશ્મીર અને બિહારમાં વિપક્ષોને વાતચીત માટે પ્રોત્સાહિત કરવાનો શ્રેય તેમને જ આપવામાં આવે છે."
"પ્રાકૃતિક આપત્તિઓ, ઉગ્રવાદી હુમલા અને યુદ્ધ પીડિતો અને અલ્પસંખ્યકોના બાળકોને પોતાના કાર્યક્રમના માધ્યમથી મદદ પાઠવે છે."
જોકે, આ દાવાના પ્રમાણ રૂપે કોઈ વધારે જાણકારી નથી.
વેબસાઇટના આધારે, "શ્રી શ્રી રવિશંકરનો જન્મ વર્ષ 1956માં દક્ષિણ ભારતમાં થયો હતો. ચાર વર્ષની ઉંમરે જ તેઓ ભગવત ગીતાનો પાઠ કરતા હતા. ઘણી વખત તેઓ ધ્યાનમાં લીન થઈ જતા હતા."
"વર્ષ 1973માં જ્યારે તેમની ઉંમર 17 વર્ષ હતી, ત્યારે તેમણે વૈદિક સાહિત્ય અને ભૌતિકી શાસ્ત્રમાં સ્નાતકની ઉપાધિ મેળવી હતી. શ્રી શ્રીએ બનાવેલું આંતરરાષ્ટ્રીય સંગઠન 'ધ આર્ટ ઑફ લિવિંગ' 150 કરતા વધારે દેશોમાં પોતાના પાઠ્યક્રમને ચલાવે છે."
જોકે, હાલ તો અયોધ્યા મામલે શ્રી શ્રી રવિશંકરે જે પહેલ શરૂ કરી છે, તેનાથી સમાધાનના રસ્તા ઓછા પણ વિવાદ વધુ નીકળતા જોવા મળી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો