બાબરી ધ્વંસ અને નરેન્દ્ર મોદીના 2014ના વિજય વચ્ચે સંબંધ છે?

    • લેેખક, માર્ક ટલી
    • પદ, બીબીસીના ભારતના ભૂતપૂર્વ સંવાદદાતા

25 વર્ષ પહેલાં છઠ્ઠી ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક ઐતિહાસિક મસ્જિદને હિંદુ રાષ્ટ્રવાદીઓએ તોડી પાડી એ ઘટનાનો હું સાક્ષી છું.

એ મસ્જિદને ભગવાન રામનું જન્મસ્થળ માનવામાં આવે છે.

રાષ્ટ્રવાદી પક્ષ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) મસ્જિદને તોડીને ત્યાં રામ મંદિર બનાવવાનું અભિયાન છ વર્ષથી ચલાવતી હતી.

એ અભિયાનના પરિણાસ્વરૂપે મસ્જિદને ધરાશયી કરવામાં આવી હતી. અંદાજે 15,000 લોકો એકસાથે અચાનક આગળ વધ્યા હતા.

મસ્જિદને બચાવવા માટેની પોલીસ કોર્ડનને તોડીને એ લોકોએ મસ્જિદના બુરજ પર ચડાઈ કરી હતી અને ક્ષણભરમાં તેને તોડવાનું શરૂ કરી દીધું હતું.

મેં જોયું હતું કે, છેલ્લી કોર્ડન વિખેરાઈ ગઈ હતી. ઉપરથી ફેંકવામાં આવતા પથ્થરો સામે રક્ષણ મેળવવા પોલીસ કર્મચારીઓ તેમની લાકડીને ઢાલ બનાવીને પોતાનું મસ્તક બચાવતા પાછા હટી રહ્યા હતા.

એક પોલીસ અધિકારી બાકીના પોલીસ કર્મચારીઓને બાજુ પર ધકેલીને પોતે પહેલા બહાર નિકળવાના પ્રયાસ કરતા જોયા હતા.

એ સમયે મને સમજાયું હતું કે, હું એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બની ગયો છું. એ ઘટના હતી આઝાદી પછી હિન્દુ રાષ્ટ્રવાદીઓના મહત્વના વિજય અને ધર્મનિરપેક્ષતાને જોરદાર આંચકાની.

ઐતિહાસિક વળાંક

રાજકીય વિશ્લેષક ઝોયા હસને 'બાબરી ધ્વંસ'ને 'આધુનિક ભારતમાં કાયદાનું ચરમ બેધડક ઉલ્લંઘન' ગણાવ્યું હતું. તેઓ એ ઘટનાને 'ભારતીય રાષ્ટ્રીયતાનો ઐતિહાસિક વળાંક' ગણતા હતા.

જોકે, ઉત્તર પ્રદેશના બીબીસીના તત્કાલીન સંવાદદાતા રામદત્ત ત્રિપાઠી બાબરી ધ્વંસની સાંજે બહુ ઉત્સાહમાં જોવા મળ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે હિંદુ રાષ્ટ્રવાદીઓએ મસ્જિદને તોડી પાડીને 'સોનાના ઇંડાં આપતી મરઘીને હલાલ કરી નાખી.'

તેમની દલીલ એવી હતી કે હિંદુ રાષ્ટ્રવાદીઓ માટે મસ્જિદનું અસ્તિત્વ એક ભાવનાત્મક મુદ્દો હતું અને ત્યાં મંદિરના નિર્માણની તેમની કોઈ ઈચ્છા ન હતી.

પહેલી નજરે એવું લાગે છે કે રામદત્ત ખોટું સમજ્યા હતા, કારણ કે એ પછી દેશના વિવિધ વિસ્તારોમાં થયેલા કોમી હુલ્લડોમાં પારાવાર લોહી વહ્યું હતું.

કોંગ્રેસમાં ઉથલપાથલ

સૌથી વધારે લોહિયાળ કોમી હુલ્લડ મુંબઈમાં થયાં હતાં, જેમાં આશરે 900 લોકોનાં મોત થયાં હતાં અને પોલીસ પર હિંદુઓની તરફેણનો આક્ષેપ પણ થયો હતો.

સમય જતાં કોમી રમખાણો થંભી ગયાં અને અયોધ્યામાં મસ્જિદના સ્થાને મંદિરના નિર્માણનું અભિયાન પણ ધીમું પડી ગયું.

બીજેપીને આશા હતી કે બાબરી ધ્વંસને કારણે હિંદુ મતદાતાઓ તેની જ પડખે રહેશે.

1993માં ત્રણ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને લાભ થયો હતો, પણ એ સરકાર રચી શકી ન હતી. તેમાં એક રાજ્ય ઉત્તર પ્રદેશ પણ હતું.

1995ની સામાન્ય ચૂંટણી બાદ બીજેપીની પકડ વધવા લાગી હતી અને 1999માં બીજેપી સ્થિર ગઠબંધન સરકાર રચી શકી હતી.

મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસમાં ચાલતી જોરદાર ઉથલપાથલને કારણે બીજેપી પહેલીવાર કેન્દ્રમાં સત્તા પર પહોંચી શકી હતી.

કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 1991માં હત્યા કરવામાં આવી હતી. એ કારણે કોંગ્રેસ પાસે નેહરુ-ગાંધી પરિવારનો કોઈ નેતા રહ્યો ન હતો.

એકમાત્ર સંભવિત ઉમેદવાર રાજીવ ગાંધીનાં પત્ની સોનિયા હતાં, પણ તેમણે રાજકારણમાં જોડાવાનો ઇન્કાર કર્યો હતો.

હિંદુત્વ બાબતે બીજેપીમાં મૂંઝવણ

આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કેન્દ્રની કોંગ્રેસી સરકારોમાં પ્રધાનપદે રહી ચૂકેલા નરસિંહ રાવ 1991માં લઘુમતી સરકારના વડા બન્યા હતા.

મસ્જિદનું રક્ષણ કરવામાં નરસિંહ રાવ નિષ્ફળ રહ્યા હતા અને એ હકીકતનો ઉપયોગ નરસિંહ રાવના પ્રતિસ્પર્ધીઓએ તેમના નીચા દેખાડવા માટે કર્યો હતો.

નરસિંહ રાવ સેક્યુલર કોંગ્રેસી નહીં, પણ રાષ્ટ્રવાદી હિંદુ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો અને 1996ની ચૂંટણી આવી, ત્યારે કોંગ્રેસ પક્ષ એ મુદ્દે વિભાજિત તથા વિરવિખેર હતો.

1999માં બીજેપીએ સ્થિર સરકારની રચના કરી હતી અને અટલબિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા હતા.

પોતે બીજેપીના હિન્દુત્વના એજન્ડાનો અમલ કરી શકે અને અયોધ્યામાં મંદિરનો મુદ્દો ફરી જીવંત કરી શકે એટલો મોટો હિંદુ જનાધાર અયોધ્યાને કારણે મળ્યો હોવાનું વાજપેયી કે તેમના વગદાર નંબર ટુ એલ.કે. અડવાણી માનતા ન હતા.

તેઓ માનતા હતા કે ગઠબંધનને યથાવત રાખવું હોય અને આગામી ચૂંટણી જીતવા માટે સમાજના વિવિધ વર્ગોનો ટેકો મેળવવો હોય તો બીજેપી જમણેરી રાષ્ટ્રવાદી પક્ષને બદલે મધ્યમમાર્ગી બની રહે એ જરૂરી છે.

અડવાણીએ મને એકવાર કહ્યું હતું, ''હિંદુત્વ એટલું વૈવિધ્યસભર છે કે, વાસ્તવમાં તમે ધર્મના નામે હિંદુઓને અપીલ જ ન કરી શકો.''

હિંદુત્વનો એજન્ડા

બીજેપીમાં ઘણા લોકો માનતા હતા કે, હિંદુ રાષ્ટ્રવાદને આગળ ધરીને બીજેપીએ મતદારોને એકત્ર કર્યા હોત તો પક્ષ 1994ની ચૂંટણી હાર્યો ન હોત.

જોકે, એ હાર ગઠબંધનના સાથી પક્ષોની પસંદગીમાં બીજેપીની ભૂલને કારણે થઈ હતી અને ત્યાં સુધીમાં સોનિયા ગાંધી કોંગ્રેસને ફરી બેઠો કરવાના કાર્યમાં લાગી ગયાં હતાં.

સોનિયા ગાંધી પક્ષનું વડપણ સંભાળવા રાજી થયાં, ત્યારે કોંગ્રેસમાં નવસંચાર થયો હતો અને તેમના નેતૃત્વમાં કોંગ્રેસે કેન્દ્રમાં દસ વર્ષ સુધી શાસન કર્યું હતું.

અયોધ્યાની ઘટના બહુ મહત્વની હતી, પણ સમગ્ર દેશના રાજકીય પરિદૃશ્યને ધરમૂળથી બદલી નાખે તેવી હિંદુ વોટબેન્ક એ ઘટના સર્જી શકી ન હતી.

2014માં બીજેપીની જીત સાથે એ ઐતિહાસિક વળાંક તેની ચરમસીમાએ પહોંચ્યો હોય એ શક્ય છે.

એ કારણે બીજેપીને સંસદમાં સંપૂર્ણ બહુમતી મળી હતી અને હિંદુ રાષ્ટ્રવાદ આગળ ધપાવવામાં જરાય ન ખચકાતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા.

નરેન્દ્ર મોદીએ બીજેપીના હિંદુત્વના એજન્ડાને અમલી બનાવવાની શરૂઆત કરી દીધી છે.

દાખલા તરીકે, નરેન્દ્ર મોદી સરકારે પશુ માર્કેટમાંથી હત્યા માટે ગાય ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે.

હિંદીનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને શૈક્ષણિક તથા સાંસ્કૃતિક સંગઠનોમાં ટોચનાં પદો પર હિંદુત્વના સમર્થકોની નિમણૂક કરવામાં આવી રહી છે.

નરેન્દ્ર મોદી શું કરશે?

પોતે તમામ ભારતીયો માટે ભારતનો વિકાસ ઇચ્છતા હોવાનું નરેન્દ્ર મોદી સતત જણાવતા રહે છે, પણ કેન્દ્ર અને રાજ્યોમાંની બીજેપીની સરકારોમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ નહિવત છે.

ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ભારત પર શાસન માટે દેશના સૌથી વધુ વસતીવાળા અને રાજકીય રીતે મહત્વના રાજ્ય ઉત્તર પ્રદેશમાંથી ચૂંટી કાઢવામાં આવ્યા હતા.

ઉત્તર પ્રદેશ મુસલમાનો પ્રત્યે આક્રમકતા માટે જાણીતું છે, પણ નરેન્દ્ર મોદી મુખ્યત્વે હિંદુ મતોને આધારે ચૂંટાયા ન હતા.

તેમના ચૂંટણી અભિયાનનો મુખ્ય મુદ્દો ભારતના વિકાસ અને પરિવર્તનનો હતો.

કોંગ્રેસમાં ફરી શરૂ થયેલી ઉથલપાથલ પણ નરેન્દ્ર મોદીના અભિયાનની સફળતાનું એક મહત્વનું કારણ હતી.

ગૌહત્યા પર પ્રતિબંધની અસર ખેડૂત મતદાતાઓને થઈ રહી હોવાથી એ પ્રતિબંધને નરમ બનાવવાના સંકેત પણ મળી રહ્યા છે.

હિંદુત્વ વૈવિધ્યસભર ધર્મ બની રહ્યો છે અને ભારત પુરાણી, બહુલતાવાદી પરંપરા સાથેનો વૈવિધ્યસભર દેશ છે.

તેથી ધર્મનિરપેક્ષ ભારતના અંત અને હિંદુ રાષ્ટ્રના સર્જનના ઐતિહાસિક વળાંક પર નરેન્દ્ર મોદી પહોંચશે કે કે કેમ એ બાબતે હું હજુ સ્પષ્ટ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો