છેતરપિંડીની આધુનિક તકનીક સિમ સ્વૅપ શું છે અને તેનાથી કેવી રીતે બચશો?

    • લેેખક, ઓંકાર કરંબેલકર
    • પદ, બીબીસી સંવાદદાતા

હાલમાં જ સિમ સ્વેપના કારણે મુંબઈ સ્થિત એક બિઝનેસમેને રાતોરાત 1.86 કરોડ રૂપિયા ગુમાવી દીધા છે. આ બિઝનેસમેનના ખાતામાંથી કુલ 28 જુદા જુદા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ બધું માત્ર એક રાત્રિ દરમિયાન થઈ ગયું હતું.

આ પ્રકારના કેસમાં કોઈ વ્યક્તિનું સિમ કાર્ડ બ્લોક કરવાની અરજી દાખલ કરવામાં આવે છે. સિમ કાર્ડ બ્લોક થયા બાદ નવા સિમમાંથી ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) જનરેટ કરીને નાણાંકીય લેણદેણ કરી નાખવામાં આવે છે અને પૈસા એક ખાતામાંથી બીજા ખાતામાં મોકલી દેવામાં આવે છે.

આજકાલ મોટાભાગની લેવડ દેવડ ઑનલાઇન અથવા ડિજિટલ મીડિયાની મદદથી થાય છે. દરેક વ્યક્તિ સંબંધિત મોટાભાગની માહિતી હવે ઑનલાઇન મળી રહે છે. જેનો લાભ ઉઠાવી સિમ સ્વૅપ જેવા અપરાધ કરવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કેવી રીતે થાય છે સિમ સ્વૅપ?

તો સિમ સ્વૅપ કેવી રીતે થાય છે અને તેનાથી કેવી રીતે બચવું તે અંગે જાણકારી મેળવવા બીબીસીએ સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ પ્રશાંત માલી સાથે વાતચીત કરી.

તેઓ કહે છે, "વર્ષ 2011થી આ પ્રકારના અપરાધમાં વધારો થયો છે. સિમ સ્વૅપ માત્ર એક વ્યક્તિ કરી શકે છે એવું હોતું નથી. તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. સિમ સ્વૅપ કરવા માટે રેકેટ ચાલતું હોય છે."

"સાઇબર એન્ડ લૉ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે માત્ર 2018માં જ ભારતમાં આશરે 200 કરોડ જેટલા રૂપિયાની સિમ સ્વૅપના માધ્યમથી ઉઠાંતરી થઈ છે."

કેવી પરિસ્થિતિમાં સિમ સ્વૅપ થાય છે તે અંગે પ્રશાંત માલી કહે છે :

1. જે લોકો આ પ્રકારની ગુનાખોરીનો શિકાર બન્યા છે તેઓ શિક્ષિત હોવાનું સામે આવ્યું છે. તેમણે સુરક્ષા માટે યોગ્ય પગલાં ન ઉઠાવ્યા હોવાના કારણે તેઓ છેતરપિંડીનો શિકાર બન્યા હતા.

છેતરપીંડી કરતા લોકો સોશિયલ મીડિયા સહિત અનેકવિધ મીડિયાનો ઉપયોગ કરીને તમારા પર નજર રાખે છે. કેટલીક વખત અજ્ઞાત નંબર પરથી ફોન પણ આવે છે કે જે તમને ખાતા સંબંધિત માહિતી પૂછે છે.

2. ઘણી વખત તમને કેટલીક લિંક મોકલવામાં આવે છે અને તમને તેના પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. આ રીતે તેઓ તમારી ખાનગી અને નાણાંકીય માહિતી ચોરી લેવામાં આવે છે.

ઘણી વખત છેતરપિંડી કરતી એજન્સીઓ બૅન્કનો ડેટાબેઝ ખરીદી લે છે.

આ રીતે તેમની પાસે તમારા ખાતાની માહિતી આવી જાય છે તો તેઓ સહેલાઈથી નકલી ઓળખપત્ર બનાવી લે છે અને મોબાઇલ કંપનીને સિમ બ્લોક કરવાની અરજી આપે છે. તેઓ વાઇરસનો ઉપયોગ કરીને માહિતી ભેગી કરે છે.

3. મોબાઇલ કંપની નવું સિમ આપે છે ત્યારે ઓટીપી માટે રિક્વેસ્ટ કરવામાં આવે છે અને નાણાંકીય લેવડ દેવડ કરી નાખવામાં આવે છે.

નવું સિમ છેતરપિંડી કરનાર વ્યક્તિ પાસે હોવાથી ઓટીપી માત્ર તેમની પાસે જ જાય છે. તેઓ તે સિમની મદદથી બીજી લેણ દેણ પણ કરી શકે છે.

તમારા ખાતામાંથી બીજી વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

જો તમારા ખાતામાં કોઈ પૈસા ટ્રાન્સફર કરવાનું હોય તો ?

પ્રશાંત માલી કહે છે કે જો કોઈ વ્યક્તિ તમને કહે છે કે તેઓ તમારા ખાતામાં પૈસા મોકલવા માગે છે તો તે પણ શંકાસ્પદ હોઈ શકે છે.

"છેતરપિંડી કરતી વ્યક્તિ કહે છે કે તેઓ તમારા ખાતામાં 10 હજાર ટ્રાન્સફર કરી તમને કુલ રકમના 10 ટકા આપશે. તમને કેટલાક ફોન પણ આવી શકે છે કે જેમાં તમને કહેવામાં આવશે કે થોડીવારમાં તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે. એ પૈસા તેમણે સિમ સ્વૅપિંગથી કોઈના ખાતામાંથી મેળવેલા હોઈ શકે છે."

"તમને એ ગુના વિશે ખબર હોતી નથી અને તમે જાળમાં ફસાઈ જાવ છો. જો કોઈ વ્યક્તિ કારણ વગર તમારા ખાતામાં પૈસા જમા કરવાની વાત કરે, તો આ પ્રકારની વાત પર ભરોસો ન કરો."

જરુરી દસ્તાવેજ કોઈને આપતા પહેલા ધ્યાન રાખો

મહારાષ્ટ્ર સાઇબર ડિપાર્ટમેન્ટના એસપી બાલસિંઘ રાજપુતે બીબીસી સાથે વાત કરતા લોકો દ્વારા ઑનલાઇન લેવડ દેવડ દરમિયાન થતી ભૂલોનો ઉલ્લેખ કર્યો.

તેઓ કહે છે, "તમારા ક્રેડિટ કાર્ડ અને આધાર કાર્ડની માહિતી કોઈ સાથે શૅર ન કરો. જો તમે ઑનલાઇન ટ્રાન્ઝેક્શન કરો છો, તો એ સુનિશ્ચિત કરો કે તમે તે સુરક્ષિત વેબસાઇટ પરથી કરો છો. કોઈ પણ અજ્ઞાત વ્યક્તિને સીવીવી કે ઓટીપી ન આપો."

તેઓ ઉમેરે છે, "કોઈને મહત્ત્વના દસ્તાવેજ આપતા પહેલા પણ સાવધાન રહેવું જોઈએ. જો તમે કોઈ દસ્તાવેજની ઝેરોક્ષ કૉપી આપો છો, તો તેમાં લખો કે તે કૉપી તમે શા માટે આપી રહ્યા છો અને કૉપી માત્ર એ જ કારણોસર વપરાવી જોઈએ."

"તેનાથી દસ્તાવેજનો દુરુપયોગ થતો નથી. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને દસ્તાવેજની ઝેરોક્ષ ત્યારે જ આપો જ્યારે તે વધારે જરુરી હોય."

સિમ સ્વૅપથી બચવા શું ધ્યાન રાખવું?

આ અંગે પ્રશાંત માલી કહે છે, "દરેક બૅન્ક ખાતામાં ઈ- મેઇલ એલર્ટની સુવિધા હોવી જરુરી છે. જો સિમ કાર્ડ અચાનક બંધ થઈ ગયું હોય, તો બૅન્કને તુરંત તે અંગે માહિતી આપી મોબાઇલ નંબરને ખાતાથી ડિસકનેક્ટ કરી નાખવું જોઈએ."

"સિમ સ્વૅપની ઘટનાઓ મોટાભાગે શુક્રવારે અને શનિવારે અથવા તો રજાઓના સમયે જ ઘટે છે. રજાઓના કારણે પીડિત વ્યક્તિ બૅન્ક કે મોબાઇલ ઑપરેટર સાથે સંપર્ક સાધવામાં અસમર્થ થઈ જાય છે. એટલે જો સિમ કાર્ડ આ બે દિવસ દરમિયાન બ્લોક થઈ જાય, તો તુરંત યોગ્ય પગલાં ઉઠાવવા જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો