You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ પાંચ રસ્તા અપનાવી તમે જાણી શકશો કે મૅસેજ બૅન્કના છે કે સ્પામ છે
- લેેખક, બીબીસી ગુજરાતી ટીમ
- પદ, નવી દિલ્હી
આજે જમવાનું ઑર્ડર કરવું હોય કે વીજળીના બિલ ભરવા હોય, ઘર ખરીદવું હોય કે કોઈ મિત્રને પૈસા મોકલવા હોય, દરેક કામ સમયે એક જ વસ્તુ યાદ આવે છે. અને તે છે મોબાઇલ.
આજે બૅન્કિંગના પણ દરેક કામ માટે મોટાભાગે લોકો મોબાઇલ ફોનનો ઉપયોગ જ કરવા લાગ્યા છે. આ સર્વિસને આપણે મોબાઇલ બૅન્કિંગ તરીકે ઓળખીએ છીએ.
તેનાથી બધાં કામ ઝડપથી થાય છે, બૅન્કની લાંબી લાઇનમાં ઊભાં રહેવું પડતું નથી, દરેક સમસ્યાનું સમાધાન માત્ર એક ઍપ્લિકેશનના માધ્યમથી મળી જાય છે.
પરંતુ આ ટેકનૉલૉજીનો ઘણી વખત ઠગ ફાયદો ઉઠાવીને જતાં રહે છે.
ઘણી વખત તમને એવા મૅસેજ મળતા હશે કે જે તમને લાગશે કે બૅન્ક તરફથી આવ્યા છે, પણ ખરેખર તૅ મેસેજ કોઈ ઠગે તમને મોકલ્યા હોય એવું પણ બની શકે.
તેવામાં એ જાણવું અઘરૂં બની રહે છે કે આપણને મળતા કયા મૅસેજ સાચા છે અને કયા કોઈ ઠગે મોકલેલા છે.
આ મામલે યુનિવર્સિટી ઑફ બર્મિંઘમના કમ્પ્યૂટર નિષ્ણાત રિચર્ડ થૉમસે બીબીસીને જણાવ્યું કે આ પ્રકારના મૅસેજને કેવી રીતે ઓળખશો.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિચર્ડ થૉમસ કહે છે કે કેટલાક ઠગ એવા સોફ્ટવૅર પ્રોગ્રામનો ઉપયોગ કરે છે કે જેની મદદથી એક સાથે મોટી સંખ્યામાં મૅસેજ મોકલી શકાય છે.
તે મૅસેજ જોઈને લાગે છે કે તે ખરેખર બૅન્ક તરફથી જ આવ્યા છે.
આ પ્રકારના મૅસેજને ઓળખવા અઘરા હોય છે, પણ તેના કેટલાક ઉપાય છે જેની મદદથી તમે સાવધાન રહી શકો છો.
1. મૅસેજમાં તમને કોઈ લિંક મોકલે છે?
ઠગાઈ કરવા માટે મોકલવામાં આવતા મેસેજમાં સામાન્યપણે લિંક હોય છે અને લોકો તે લિંક ખોલે તે માટે તેમને પ્રોત્સાહિત પણ કરાતા હોય છે.
આવી લિંક ખોલતા બચવું જોઈએ.
ઘણી વખત મેસેજમાં તમને કોઈ ફાઇલ કે સોફ્ટવૅર ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે.
આવું સોફ્ટવૅર કે ફાઇલ ડાઉનલોડ કરવાની ભૂલ ક્યારેય ના કરવી.
2. મૅસેજમાં ફોન કરવા માટે કોઈ નંબર આપ્યો હોય તો?
રિચર્ડ થૉમસ કહે છે, "ઘણી વખત તે મૅસેજમાં ફોન નંબરનો ઉમેરો કરવામાં આવે છે. ક્યારેય તે નંબર પર ફોન ન કરો."
"જો તમે બૅન્ક સાથે સંપર્ક સાધવા માગો છો તો તમારા કાર્ડની પાછળ જુઓ અથવા તો બૅન્કની વેબસાઇટ પરથી તમે નંબર મેળવી શકો છો."
3. તમારી પાસે PIN કે પાસવર્ડ માગવામાં આવે તો?
કોઈ પણ વ્યક્તિને ક્યારેય તમારા કાર્ડના PIN કે બૅન્ક સંબંધિત ગુપ્ત માહિતી ન આપો.
બ્રિટીશ કન્ઝ્યુમર ઑર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલા પત્રકાર ફૅય લિપ્સન કહે છે, "એક બૅન્ક ક્યારેય કાર્ડના PIN માટે તમને ફોન નહીં કરે."
4. કેટલાક વેબ પેજ પર નંબર દેખાય છે
શંકા દૂર કરવાનો વધુ એક રસ્તો છે કે તમને જે નંબરથી મૅસેજ મળ્યો હોય તે નંબરના વેબ પેજ પર તપાસ કરો.
જુઓ કે જે નંબરથી તમને મૅસેજ મળ્યો છે તેને કોઈ વેબસાઇટ પર સ્કૅમ તો નથી ગણાવ્યા ને. આ સુવિધા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
ભારતમાં સ્પામ નંબર જાણવા માટે હાલ 'ટ્રૂ કૉલર' પ્રચલિત છે.
આ સિવાય તમે ગૂગલ અથવા તો બીજા કોઈ સર્ચ એન્જિનમાં જઇને પણ નંબર સર્ચ કરી શકો છો.
5. વિચાર્યું ન હોય તેવી જગ્યાએથી મૅસેજ મળવા
રિચર્ડ થૉમસ જણાવે છે કે ઘણી વખત છેતરપિંડીની મંશા સાથે મોકલવામાં આવેલા મૅસેજ અણધારી જગ્યાએથી આવે છે.
જો તમે એવો કોઈ ફોન કે મેસેજ આવે છે તો તુરંત તેને બ્લૉક કરી દો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો