You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભા ચૂંટણી 2019 : મુસ્લિમો રાજકીય રૂપે અછૂત કેમ બની ગયા છે?
- લેેખક, રવિ પ્રકાશ
- પદ, રાંચીથી, બીબીસી ગુજરાતી માટે
ઝારખંડની કુલ વસતીના 14.53 ટકા (2011ની વસતી ગણતરી પ્રમાણે) હોવા છતાં અહીંના મુસ્લિમોની રાજકારણમાં અવગણના કરવામાં આવી રહી છે. સંસદમાં અહીંથી તેમનું કોઈ પ્રતિનિધિત્ત્વ નથી.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં એક પણ મુસ્લિમ સાંસદ ચૂંટાયા ન હતા. હાલ થઈ રહેલી લોકસભા ચૂંટણીમાં કોઈ પણ પ્રમુખ પાર્ટી કે ગઠબંધને તેમને ટિકિટ આપી નથી.
સ્પષ્ટ છે કે આ વખતે પણ અહીંથી કોઈ મુસ્લિમ એમપી બનશે નહીં. આવું છેલ્લી ઘણી ચૂંટણીઓથી થતું આવ્યું છે.
ફુરકાન અંસારી એકમાત્ર મુસ્લિમ રાજનેતા છે, જેમને ઝારખંડથી સાંસદ બનવાની તક મળી. તેમના પછી કોઈ પણ મુસ્લિમને ન તો લોકસભા જવાની તક મળી, ન રાજ્યસભા.
ઝારખંડ રાજ્ય ગઠન (15 નવેમ્બર 2000) બાદ વર્ષ 2004માં ફુરકાન અંસારીએ કૉંગ્રેસની ટિકિટ પર ગોડ્ડાથી લોકસભા ચૂંટણી જીતી હતી.
ત્યારબાદ ચૂંટણીમાં ફરી તેઓ જીતી શક્યા નહીં. આ વખતે પણ તેઓ ટિકિટ માટે ઇચ્છતા હતા પરંતુ ગોડ્ડા બેઠક મહાગઠબંધનમાં સામેલ ઝારખંડ વિકાસ મોર્ચા (પ્રજાતાંત્રિક)ના ખાતામાં જતી રહી.
તેઓ ચૂંટણી લડી શક્યા નહીં. શરૂઆતના વિરોધ બાદ હવે તેઓ મૌન છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિધાનસભામાં પણ અલ્પસંખ્યક
ઝારખંડની 81 સભ્યોની વિધાનસભામાં હાલ માત્ર બે મુસ્લિમ ધારાસભ્યો છે. બન્ને એક જ પાર્ટી કૉંગ્રેસથી ચૂંટાયેલા છે.
ઝારખંડ અલગ થતા સમયે અહીં પાંચ મુસ્લિમ ધારાસભ્યો હતા. વર્ષ 2005ની વિધાનસભા ચૂંટમીમાં તેમની સંખ્યા ઘટીને માત્ર 2 થઈ ગઈ.
વર્ષ 2009માં યોજાયેલી ચૂંટણીમાં માત્ર 3 મુસ્લિમ ધારાસભ્ય બન્યા. તેઓ ક્યાં તો કૉંગ્રેસમાંથી જીત્યા અથવા તો ઝારખંડ મુક્તિ મોર્ચાથી.
ભાજપે છેલ્લાં 19 વર્ષ દરમિયાન અહીંથી કોઈ પણ મુસ્લિમને વિધાનસભા, લોકસભા કે રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા નથી. આ કારણોસર ભાજપમાંથી કોઈ મુસ્લિમ આજ સુધી સાંસદ કે ધારાસભ્ય બની શક્યા નથી.
ઝારખંડમાં સૌથી વધારે ભાજપનું શાસન રહ્યું છે. તેના પરિણામ સ્વરૂપે મુસ્લિમોનું મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ નહીવત્ પ્રમાણમાં છે.
આખરે કેમ?
ઝારખંડ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને કૉંગ્રેસના વર્તમાન ધારાસભ્ય આલમગીર આલમે કહ્યું છે કે તેમની પાર્ટીએ હંમેશાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ આપ્યું છે.
તેમનું કહેવું છે, "એ વાત સાચી છે કે આ વખતે અમે લોકસભા ચૂંટણીમાં કોઈ મુસ્લિમ ઉમેદવાર ઉતાર્યા નથી પરંતુ મહાગઠબંધને પહેલાંથી જ નક્કી કરી લીધું છે કે ઝારખંડથી કોઈ મુસ્લિમને જ રાજ્યસભા મોકલવામાં આવશે. તેવામાં પ્રતિનિધિત્વ ન હોવાનો સવાલ ઊઠવો ન જોઈએ."
આલમગીર આલમે બીબીસીને કહ્યું, "જુઓ, હવે ચૂંટણીની પ્રક્રિયા ઘણી બદલાઈ ગઈ છે. ટિકિટ તેમને મળે છે, જે સીટ કાઢી શકે. અમે વ્યૂહરચના અંતર્ગત ગોડ્ડા સીટ બાબુલાલ મરાંડીની પાર્ટીને આપી છે. તેનો મતલબ એવો નથી કે કૉંગ્રેસ અલ્પસંખ્યકો (મુસ્લિમો)ને લઈને ગંભીર નથી."
"ઝારખંડમાં તો અમારો રાજપાટ જ રહ્યો નથી. મધુ કોડા જ્યારે મુખ્યમંત્રી બન્યા, ત્યારે મને વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવ્યા. હાજી હુસૈન અંસારી અને મન્ના મલ્લિક મંત્રી પણ રહ્યા.
તેમણે એમ પણ કહ્યું કે ભાજપ મુસ્લિમોની અવગણના કરે છે. તે મુસ્લિમ વિરોધી પાર્ટી છે. તેમની પાસે સાંપ્રદાયિક તુષ્ટીકરણ સિવાય બીજો કોઈ મુદ્દો બચ્યો નથી. અમારી વાત કરીએ તો અમે લોકો વિધાનસભા ચૂંટણીમાં પણ મુસ્લિમ નેતાઓને પ્રતિનિધિત્વ આપીશું.
શું ભાજપ મુસ્લિમ વિરોધી છે?
ઝારખંડ ભાજપના પ્રવક્તા દીનદયાલ વર્ણવાલ આ વાત સાથે સહમત નથી. તેમણે દાવો કર્યો છે કે ભાજપ જ્ઞાતિ અને કોમનું રાજકારણ કરતી નથી.
તેમણે કહ્યું, "અમે લોકો સૌના સાથ સૌના વિકાસની વાત કરીએ છીએ. અમારી સરકારે અઢી કરોડ ગરીબો માટે ઘર બનાવ્યાં, તો તેમની જ્ઞાતિ અંગે પૂછ્યું હતું? શૌચાલય બનાવતા કે ગૅસ સિલિન્ડર આપતા સમયે જ્ઞાતિ પૂછી નથી. એટલે અમારા પર જે આરોપ છે તે યોગ્ય નથી."
દીનદયાલ વર્ણવાલે બીબીસીને કહ્યું, "ભાજપ મુસ્લિમ વિરોધી નથી. જો અમારી પાર્ટીમાં કોઈ મજબૂત મુસ્લિમ નેતા હશે, તો આગામી ચૂંટણીમાં તેમને ચોક્કસ ટિકિટ મળશે. પરંતુ મુસ્લિમોએ પણ ભાજપ પર ભરોસો કરવો પડશે. અમે કૉંગ્રેસને પૂછવા માગીએ છીએ તેમણે ફુરકાન અંસારીને ટિકિટ કેમ ન આપી, જ્યારે તેઓ તો ટિકિટ માટે ઇચ્છૂક હતા."
પૂર્વ મંત્રી અને ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતા હાજી હુસૈન અંસારીએ કહ્યું છે કે ફુરકાન અંસારીને છ વખત ચૂંટણી લડવાની તક મળી પરંતુ તેઓ માત્ર એક વખત જીતી શક્યા.
તેવામાં મહાગઠબંધન તેમને શા માટે ટિકિટ આપતી. ભાજપના નેતા એ કેમ જણાવતા નથી કે શાહનવાઝ હુસૈનની ટિકિટ કેમ કાપવામાં આવી. સાંપ્રદાયિક ધ્રુવીકરણનો પ્રયાસ કેમ કરવામાં આવ્યો. ગાયના નામે લિંચિંગ કેમ કરવામાં આવ્યું.
મજબૂર છે મુસ્લિમ
મુસ્લિમોની સામાજિક સંસ્થા અંજુમન ઇસ્લામિયાના ઝારખંડ પ્રમુખ ઇબરાર અહેમદ માને છે કે વર્તમાન સમયે મુસ્લિમો રાજકીય રૂપે મજબૂર થઈ ચૂક્યા છે.
તેમણે બીબીસીને કહ્યું, "હવે અમારે એ જોઈને મત આપવાનો હોય છે કે અમારા માટે ઓછી હાનિકારક પાર્ટી કઈ છે. રાજકીય ભાગીદારીની વાત કરવામાં આવે તો મને લાગે છે કે મુસ્લિમ નેતા પોતાના પક્ષમાં મત શિફ્ટ કરાવી શકતા નથી. આ કારણોસર પણ તેમને ટિકિટ મળી શકતી નથી. આ સ્થિતિ બદલવાની જરૂર છે."
ઇબરાર અહેમદે એમ પણ કહ્યું કે, "સંયુક્ત બિહારમાં આ વિસ્તારમાંથી મુસ્લિમોને ટિકિટ મળતી રહી છે. કમ્યુનિસ્ટ પાર્ટીઓમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ હતું."
"કૉંગ્રેસ પાર્ટી પણ અલ્પસંખ્યક સમુદાયોને ટિકિટ આપતી રહી છે. પરંતુ હવે જ્યારે વડા પ્રધાન જ કહી રહ્યા છે કે કોઈ હિંદુ આતંકવાદી હોઈ શકતા નથી, તો તમે કોના પર ભરોસો કરશો."
"આવાં નિવેદનો સાંપ્રદાયિક તણાવ ફેલાવે છે. પરંતુ આ અમારી સભ્યતા છે અને દેશમાં ઘણા સારા લોકો છે, જેમના કારણે અમે કંઈક સારું થવાનું આશા રાખી શકીએ છીએ."
કેવી રીતે મળશે પ્રતિનિધિત્વ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કથિત જુમલા પર પુસ્તક લખી ચૂકેલા જમશેદપુરના પત્રકાર એમ. એસ. આલમે કહ્યું કે બિન-ભાજપ રાજકીય પાર્ટીએ એ માનીને ચાલે છે કે 'મુસ્લિમ ક્યાં જશે.' તેવામાં જ્યારે તમારો મત 'ટેકન ફૉર ગ્રાન્ટેડ' માની લેવામાં આવશે, તો તમને પ્રતિનિધિત્વ કોણ આપશે.
તેમણે બીબીસીને કહ્યું, "તેને એક ઉદાહરણના માધ્યમથી સમજો. છેલ્લા કેટલાક દિવસોમાં જમશેદપુરમાં હેમંત સોરેનની મોટી મિટિંગ થઈ. તેમાં વૃદ્ધ નેતા અને ક્યારેક ધારાસભ્ય માટે ચૂંટણી લડી ચૂકેલા શેખ બદરુદ્દીન પણ સામેલ થયા."
"તેઓ ઝારખંડ આંદોલનકારી પણ છે. મુસ્લિમ સમાજમાં તેમની પ્રતિષ્ઠા છે. તે છતાં તેમને મંચ પર ખુરસી મળી નહીં. તેઓ પાછળ ઊભા રહ્યા."
"આ અપમાન છતાં મુસ્લિમો પાસે કોઈ વિકલ્પ નથી. તેઓ નોટાને દબાવવાને બદલે મજબૂત બિન-ભાજપ પાર્ટીને મત આપવો યોગ્ય સમજે છે. કેમ કે ભાજપ સરકારમાં અમારી સુરક્ષાની કોઈ ગૅરંટી મળી શકતી નથી."
ઝારખંડમાં 50 લાખ કરતાં પણ વધારે મુસ્લિમો રહે છે.
પાકુડ અને સાહિબગંજ જિલ્લામાં મુસ્લિમોની કુલ વસતી 30% છે. દેવઘર, જામતાડા, લોહરદગા અને ગિરિડીહ જિલ્લામાં આ સંખ્યા સરેરાશ 20% છે.
બાકી જિલ્લામાં મુસ્લિમ વસતી અપેક્ષાકૃત ઓછી છે. તે છતાં ગોડ્ડા, ચતરા, લોહરદગા અને રાજમહેલ લોકસભા ક્ષેત્રોમાં મુસ્લિમ મતદાતા નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો