શું સેક્યુલર પક્ષો મુસ્લિમો સાથે દગો કરી રહ્યા છે?

    • લેેખક, પ્રિયંકા પાઠક
    • પદ, બીબીસી સંવાદદાતા

બિહારનું મધુબની પોતાની ચિત્રકારી માટે દુનિયાભરમાં જાણીતું છે પરંતુ આ વખતે ચૂંટણીમાં તેની ચર્ચા એક ખાસ કારણથી થઈ રહી છે.

ઘણાં વર્ષો સુધી અહીંથી કૉંગ્રેસનો જાણીતો ચહેરો રહેલા શકીલ અહેમદે પાર્ટી સાથે છેડો ફાડીને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.

6 મેના રોજ થયેલા મતદાન પહેલાં શકીલ અહેમદના પ્રચાર અભિયાનના એક દિવસની તસવીરો રજૂ કરી તો કંઈક આવી હતી.

સવારનો સમય, સૂરજ ધીરે ધીરે આકાશ પર ચઢતો રહ્યો. ખુલી ગટરો અને સાંકળી ગલીઓમાં રાજકીય કાર્યકર્તાઓ, સ્થાનિક વેપારી અને સમર્થકોએ શકીલ અહેમદને ચારે તરફથી ઘેરી લીધા હતા.

પછી આ બધા ધૂળીયા રસ્તાઓવાળી ગલીઓમાં પ્રચાર કરવા નીકળ્યા હતા.

કૉંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા શકીલ અહેમદ કોઈ સાધારણ ઉમેદવાર નથી.

તેમનો આ પાર્ટી સાથે ત્રણ પેઢી જૂનો સંબંધ હતો. તેમના પિતા અને દાદા બંને કૉંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે.

આ લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ થયેલા શકીલ અહેમદે પોતાની વારસાગત મધુબની બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લડવાનું નક્કી કર્યું.

ભારતીય સંસદમાં મુસલમાનોના ઘટતા પ્રતિનિધિત્વે તેમને ચૂંટણી લડવા મજબૂર કર્યા.

ગયા મહિને દિલ્હીથી કૉંગ્રેસના ચાર પૂર્વ સાંસદ શોએબ ઇકબાલ, મતીન અહેમદ, હસન અહેમદ અને આસિફ મહોમ્મદ ખાને પોતાના પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે દિલ્હીથી ઓછામાં ઓછી એક લોકસભા બેઠક પર મુસ્લિમ ઉમેદવાર ઉતારવાની વાત કરી હતી, જેને રાહુલ ગાંધીએ ફગાવી દીધી.

કૉંગ્રેસે જે સાત બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા તેમાં એક પણ મુસ્લિમ નથી. એક શીખ છે, અરવિંદર સિંહ લવલી અને બાકીના છ હિંદુ ઉમેદવાર છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પાર્ટીઓ મત માગે છે પણ ટિકિટ નથી આપતી

પટનામાં આવેલી ઇમારત-એ-શરિયાના સચિવ મૌલાના અનીસુર અહેમદ કાસમી કહે છે, "શકીલ અહેમદ જેવા મોટા કૉંગ્રેસી નેતાએ પોતાની જ સીટ માટે પોતાની પાર્ટી પાસે ભીખ માગવી પડે. તેમને બહુ પહેલાં જ પાર્ટી છોડી દેવાની જરૂર હતી. માત્ર મુસ્લિમો જ કૉંગ્રેસને જીત અપાવી શકે છે."

"આ અમારા વિરુદ્ધ ષડયંત્ર છે. તમે મુસ્લિમોને મત આપવાનું કહો છો પણ તમે તેમને ટિકિટ નહીં આપો?"

તેમના આ આરોપ ખોટા નથી. રાજકીય પક્ષો મુસ્લિમોના મત તો ઇચ્છે છે પણ આ સમાજને ટિકિટ આપતા ખચકાય છે.

બિહારમાં 40 લોકસભા બેઠકો છે, જેના પરથી મોટી સંખ્યામાં ઉમેદવારો લડી રહ્યા છે. તેમાંથી મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી છે.

કૉંગ્રેસ-આરજેડીના ગઠબંધને 40માંથી સાત ઉમેદવારોને ટિકિટ આપી છે જ્યારે ભાજપ-જેડીયુએ માત્ર એક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે.

નોંધનીય બાબત છે કે આરજેડીએ આઠ યાદવોને ટિકિટ આપી છે. જો વસતીની વાત કરવામાં આવે તો મુસ્લિમો 18 ટકા છે, જ્યારે યાદવો 12 થી 13 ટકા જ છે.

ભાજપે સમગ્ર દેશમાં કુલ સાત મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઊતાર્યા છે. આ એ જ સાત ઉમેદવારો છે, જેને પાર્ટીએ 2014માં ટિકિટ આપેલી.

એવું કહેવાય છે કે ગયા મહિને કર્ણાટકમાં ભાજપના વરિષ્ઠ નેતા કે. એસ. ઈશ્વરપ્પાએ એક સભામાં કહ્યું હતું કે, "અંસારીઓએ સમજવું પડશે કે એ લોકો(કૉંગ્રેસ)એ એમને(મુસલમાનોને) માત્ર એક મતબૅંક સમજ્યા છે."

"અમે કર્ણાટકમાં મુસલમાનોને ટિકિટ નહીં આપીએ કારણ કે લોકો અમારા પર વિશ્વાસ કરતા નથી."

"જો એ લોકો અમારા પર વિશ્વાસ કરશે, અમને મત આપશે તો અમને ટિકિટ આપશે?"

ઘટી રહી છે મુસ્લિમ સાંસદોની સંખ્યા

કૉંગ્રેસે 2014ની ચૂંટણીમાં 31 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, તેમાંથી સાત ઉમેદવારો સંસદ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા.

આ વખતે કૉંગ્રેસે દેશની વિવિધ બેઠકો પરથી 32 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે.

સંસદમાં મુસ્લિમ સાંસદોની સંખ્યા સતત ઘટી રહી છે. 1981માં દેશની મુસ્લિમ વસતી લગભગ 6.8 કરોડ હતી, જે 2011માં વધીને 17.2 કરોડ થઈ ગઈ.

લોકસભામાં 1980માં કુલ 49 મુસ્લિમ પ્રતિનિધિ હતા, જ્યારે 2014માં આ આંકડા લગભગ 22 બેઠકમાં જ સમાઈ ગયા.

મુસ્લિમ કાર્યકર્તાઓનું કહેવું છે કે તેમની વધુ ફરિયાદ કૉંગ્રેસ સામે છે. પાર્ટી તેમને પ્રતિનિધિત્વની તક આપતી નથી.

ઇન્સાફ ઇન્ડિયાના રાષ્ટ્રિય સંયોજક અને યૂનાઇટેડ મુસ્લિમ પૉલિટિકલ ઍમ્પાવરમૅન્ટ નામથી અભિયાન ચલાવતા મુસ્તકીમ સિદ્દીકી કહે છે, "તેમણે મુસલમાનોના મનમાં ભાજપ માટે એટલો ડર ઊભો કર્યો છે કે જો તેઓ અમને એક પણ ટિકિટ નહીં આપે તો મુસ્લિમો એમની વિરુદ્ધ એક પણ શબ્દ નહીં બોલે."

કૉંગ્રેસ પાસે મુસ્લિમોની અપેક્ષા

સમાજના ઘટતા પ્રિતિનિધિત્વથી મુસ્લિમ મતદારો પરેશાન છે. તેમનું કહેવું છે કે તેઓ માત્ર મુસલમાનોના મુદ્દા પર મત નથી આપતા.

મધુબનીની આસપાસ ખેતરોમાં કામ કરતા મોહમ્મદ કાદરી કહે છે, "દરેક વ્યક્તિ સારા રસ્તા, સારી શાળાઓ અને સારી નોકરીઓ ઇચ્છે છે પણ તેઓ ધર્મના નામે ચૂંટણી લડી રહ્યા છે. શકીલ અહેમદે અહીં સારું કામ કર્યું છે પરંતુ તેમને ટિકિટ આપવામાં આવી નહીં, કારણ કે તેઓ મુસ્લિમ છે, એ ખોટું છે."

"કોઈ ભાજપ પાસે એવી અપેક્ષા રાખતું નથી પણ કૉંગ્રેસ પાસે બધાને આવી અપેક્ષા નથી."

ધાર્મિક નેતાઓનું એવું પણ કહેવું છે કે તેઓ પોતાના અનુયાયીઓને આ વખતે 'ધર્મનિરપેક્ષ દળો'ને મત આપવા કહે છે, કારણ કે તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.

મૌલાના કાસમી કહે છે, "અમે લોકો બાંધેલા મજૂર જેવા છીએ, જેઓ સ્વતંત્ર છે પણ નથી. એક સમાજ તરીકે અમારી વસતી વધી છે પણ અમારા યુવાનો પાસે દૂરની સૂઝ નથી, તેઓ શિક્ષિત નથી. તેથી અમે બંધાયેલા મજૂરની જેમ અમારા પૂર્વજો આપતા તેમને જ મત આપ્યા કરીએ છીએ."

દૂરદર્શી મુસ્લિમ નેતાની જરૂર

મુસલમાનને એ વાતનો અહેસાસ છે. મધુબનીમાં નીચી જાતિના મુસલમાનો માટે કામ કરતા ઉતાઉર્રહમાન અંસારી કહે છે, "અમારે તેમની જરૂર છે, જે અમારા માટે બોલે. અહીં રોજગારની સ્થિતી સારી નથી. અમારા વણકરો રોજગારીની શોધમાં પોતાનું ઘર છોડવા મજબૂર છે. જો પાર્ટીઓ અમને તક આપશે નહીં તો અમારા માટે અવાજ કોણ ઊઠાવશે?"

તેથી હવે મુસલમાનોના ઘણા સમૂહ આ રાજકીય સ્થિતીને સુધારવા માટે અલગ પ્રકારની કોશિશ કરી રહ્યા છે.

સીએસડીએસએ માર્ચ 2019માં એક પ્રી-પોલ સર્વે કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો કે કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનના મુસલમાનો કૉંગ્રેસને છોડીને ભાજપને મત આપવાનું પસંદ કરે છે.

જોકે, સીએસડીએસના એ સર્વેને માનવા ઘણા લોકોએ ઇનકાર કર્યો છે.

ધાર્મિક નેતાઓએ મુખ્ય પ્રવાહના મુસ્લિમ નેતાઓની એક નવી પેઢીની કલ્પના કરવાની શરૂ કરી દીધી જે દેશનું નેતૃત્વ કરી શકે, માત્ર મુસ્લિમોનું નહીં.

મૌલાના કાસમી કહે છે કે નવા નેતાઓ માટે હંમેશાં જગ્યા હોય છે અને "મુસલમાનોને હવે નવા નેતૃત્વ પર વિશ્વાસ કરવા અંગે વિચારવું જોઈએ, પાર્ટીઓના ભરોસે રહેવું જોઈએ નહીં. આપણને આઝાદી વખત હતાં તેવા નેતાઓની જરૂર છે, જેઓ દૂરદર્શી હોય, જેમની ઓળખ માત્ર મુસલમાનોના નેતા તરીકે જ નહીં, સમગ્ર દેશના નેતા તરીકે હોય."

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો