You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાનમાં પતિ સામે પત્ની પર ગૅંગ રેપ, ગેહલોત સરકારે એસપીને હઠાવ્યા
- લેેખક, નારાયણ બારેઠ
- પદ, જયપુરથી, બીબીસી હિંદી માટે
રાજસ્થાન સરકારે અલવરના ગૅંગ રેપ મામલે એસપી રાજીવ પચરને હઠાવી દીધા છે. રાજ્ય સરકારે મંગળવારે રાત્રે એસપીને હટાવવાનો આદેશ જાહેર કર્યો હતો. આરોપ છે કે 26 એપ્રિલે પાંચ લોકોએ એક મહિલા સાથે એનાં પતિની હાજરીમાં જ ગૅંગ રેપ કર્યો હતો.
આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ કરવામાં આવ્યો છે. તેને લઈને દલિત સંગઠનોએ અલવરના થાણાગાઝીમાં પ્રદર્શન કર્યુ.
પોલીસે આ મામલે એક વ્યકિતની ધરપકડ કરી છે અને ચાર લોકોની શોધખોળ ચાલી રહી છે. બેદરકારીના આરોપસર એસએચઓ સરદારસિંહને બરતરફ કરવામાં આવ્યા છે.
દલિત સંગઠનોનો દાવો છે કે લોકસભાની ચૂંટણી હોવાને લીધે પોલીસે અનેક દિવસો સુધી કેસ દબાવી રાખ્યો.
આ ઘટના 26 એપ્રિલના રોજ બની હોવાનું કહેવાય છે.
દલિત સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે પીડિત દંપતી પહેલાં મો ખોલવાની હિંમત નહોતું કરી શક્યું કેમ કે, ઘટનામાં સામેલ લોકોએ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી.
જોકે, પાછળથી પૈસાની પણ માગણી કરવામાં આવી અને વીડિયો વાઇરલ કરવામાં આવ્યો.
ઘટનાથી આક્રોશમાં આવેલા લોકોએ થાનાગાઝી કસબામાં મંગળવારે વિરોધ પ્રદર્શન કર્યુ અને નેશનલ હાઇવે જામ કરી દીધો. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી અને એક આરોપીની ધરપકડ કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યના પોલીસ મહાનિદેશક કપિલ ગર્ગે પત્રકાર પરિષદમાં કહ્યું કે ઘટનામાં પાંચ લોકોની સામેલગીરી છે અને આરોપીઓને ઝડપી લેવા માટે 14 ટીમો બનાવવામાં આવી છે.
ગર્ગે એમ પણ કહ્યું કે જો પોલીસના સ્તરે ઘટનામાં કોઈ બેદરકારી દાખવવામાં આવી હશે, તો તેની તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે ઘટનાને ગંભીરતાપૂવર્ક લીધી હોવાનો દાવો કરતા ગર્ગે કહ્યું કે પીડિત મહિલાની મેડિકલ અને ફૉરેન્સિક તપાસ કરાવવામાં આવી રહી છે.
પ્રદર્શનમાં સામેલ અલવર જિલ્લાના દલિત કાર્યકર્તા ચરણ સિંહે બીબીસીને કહ્યું કે ઘટના 26 એપ્રિલની છે. પીડિત મહિલા તેમના પતિ સાથે મોટરસાઇકલ પર જઈ રહ્યાં હતાં. એ વખતે પાંચ લોકોએ એમને ઘેરી લીધા અને નિર્જન સ્થળે લઈ જઈને પતિની સામે જ મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું.
દલિત સંગઠનો કહે છે આરોપી ઘટનાનો વીડિયો ઉતારતા રહ્યા અને પતિને બરહેમીથી ફટકારતા રહ્યા.
આ સંગઠનોના કહેવા પ્રમાણે પીડિતાએ દયા માટે આજીજી કરી પરંતુ આરોપીઓએ તેની એક ન સાંભળી.
વિરોધ પ્રદર્શનના આયોજકો પૈકી એક એવા સમ્યક સમાજ સંઘના રામસ્વરૂપ બૌદ્ધ પીડિત પરિવારને મળીને આવ્યા છે.
તેઓ કહે છે કે આ ઘટનાએ આખા પરિવારને વીંખી નાંખ્યો છે. પરિવાર કહે છે હવે તેમનું જીવન જ વ્યર્થ છે.
બૌદ્ધ કહે છે કે એ દંપતની વેદના અને પીડાનું અનુમાન તમે નહીં લગાવી શકો. તેઓ ખૂબ આઘાતમાં છે.
બિનસરકારી સંગઠન ડેમૉક્રેટિક ઇંડિયાના મહેશ વર્મા પણ આ વિરોધમાં સામેલ છે.
વર્માએ કહ્યું કે પીડિત દંપતી જ્યારે આરોપીઓની ધમકી અને હરકતોથી તંગ આવી ગયું ત્યારે બીજી મેના રોજ પોલીસ કાર્યવાહીની માગ કરી. ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો પણ ધરપકડ ન કરાઈ.
તમે આ વાંચ્યું કે નહીં?
દલિતો સામે અત્યાચાર
મહેશ વર્માનો આરોપ છે કે પોલીસે ચૂંટણીને લક્ષમાં રાખીને કેસને રોકી રાખ્યો. જોકે, પોલીસ આ વાતનો ઇન્કાર કરે છે.
થાનાગાઝી વિસ્તારમાં રસ્તા પર ઉતરેલા લોકો વચ્ચે ભાજપના સાંસદ કિરોડીલાલ મીણા પણ પહોંચ્યા હતા અને આરોપીઓ સામે કડક કારવાઈની માગણી કરી હતી.
દલિત અધિકાર કેન્દ્રના પીએલ મીમરોઠ કહે છે કે દલિતો સામેના અત્યાચારોને મામલે રાજસ્થાન ક્યારેક દેશમાં પ્રથમ તો ક્યારેક બીજા સ્થાને હોય છે. અનેક કેસ તો સામે જ નથી આવતા.
દલિત અધિકાર કેન્દ્રએ ઘટનાસ્થળે પોતાની ટીમ મોકલવાની વાત જણાવી છે.
દલિત કાર્યકર્તા રામસ્વરૂપ બૌદ્ધ કહે છે ગત વર્ષે અલવરના ભિવાડીમાં હોળીને દિવસે એક દલિતની મારીમારીને હત્યા કરી દેવાઈ હતી.
બૌદ્ધ કહે છે આ ઘટનાઓએ દલિત સમાજને હલબલાવી દીધો છે. દલિત સંગઠનો આના વિરોધમાં અલવરમાં પ્રદર્શન કરશે.
બૌદ્ધ કહે છે તેઓ કાર્યવાહી ન કરનારા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની માગ કરશે.
પોલીસના કહેવા મુજબ આ ઘટનામાં ઈન્દ્રાજ ગુર્જરની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય છોટેલાલ, મહેશ ગુર્જર, હંસરાજ અને અશોક નામની વ્યકિતનું પણ કેસમાં નામ છે.
પોલીસે આ ચારેય આરોપીની ધરપકડ માટે 14 ટીમ બનાવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો