You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની આ બૅન્કમાં પ્રવેશતી વખતે બુરખા પર પ્રતિબંધ કેમ મુકાયો હતો? શું છે સમગ્ર કહાણી
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
સુરતની બૅન્ક ઑફ બરોડા અને દેના બૅન્કની મર્જરવાળી બૅન્ક તરફથી એવું ફરમાન આપવામાં આવ્યું હતું કે 'બુરખો કે હેલ્મેટ પહેરીને બૅન્ક તથા એટીએમમાં દાખલ થવું નહીં.'
મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં આવેલી બૅન્ક ઑફ બરોડા શાખા દ્વારા આ જાહેર સૂચના લગાવવામાં આવી હતી જે બાદ તેનો ખૂબ વિરોધ થયો.
એટલુ જ નહીં બૅન્કની આ સૂચના સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી જે બાદ બૅન્કના આ પગલાની લોકોએ ટીકા કરી હતી.
આખરે ચારેતરફથી સખત વિરોધને જોતા બૅન્ક દ્વારા સૂચનામાં સુધારો કરી બુરખાને બદલે સ્કાર્ફ લખવામાં આવ્યું હતું.
શું છે સમગ્ર ઘટના?
સુરતના અંબાજી રોડ પર આવેલી ચૌટા બજારમાં આવેલી બૅન્ક ઑફ બરોડાની શાખાએ એક સૂચના મૂકી હતી જેમાં લખ્યું હતું 'પ્લીઝ રિમૂવ યોર હેલ્મેટ/બુરખા', 'નો ઍડમિશન વિથ હેલ્મેટ/બુરખા.'
મતલબ કે બૅન્કમાં હેલ્મેટ કે બુરખો પહેરીને પ્રવેશ કરવો નહીં, કૃપા કરી હેલ્મેટ તથા બુરખો ઉતારો.
બૅન્કના આ ફરમાન બાદ આ મુ્દ્દો મીડિયામાં ચગ્યો હતો અને ચારેતરફ વિવાદનું કેન્દ્ર બન્યો હતો.
આ અંગે મહિલાઓના અધિકાર માટે લડતાં અને ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનનાં આગેવાન ઝકિયા સોમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે આ બાબત પુરુષપ્રધાન વર્ચસ્વની માનસિકતા દર્શાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "બૅન્ક દ્વારા આ સૂચના કોઈ એક સમુદાયને ટાર્ગેટ કરતી હોય તેવું લાગે છે."
તેમણે એવું પણ કહ્યું કે બૅન્ક દ્વારા એવું લખવું જોઈતું હતું કે બૅન્કમાં પ્રવેશતી વ્યક્તીએ પોતાનો ચહેરો સ્પષ્ટ દેખાય તેનું ધ્યાન રાખવું.
સુરતના ઍડ્વોકેટ અને આ મુદ્દાનો વિરોધ કરનારા બાબુ પઠાણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે સ્થાનિક અખબારમાં છપાયેલા સમાચાર બાદ આ મુદ્દો મારા ધ્યાને આવ્યો અને મેં આ બાબતનો વિરોધ કર્યો હતો.
તેમણે એમ પણ કહ્યું કે મારી જાણકારી મુજબ બૅન્ક ઑફ બરોડા અને દેના બૅન્ક એમ મર્જર કરેલી ત્રણ બૅન્કોમાં શહેર પોલીસ કમિશનરની સૂચનાથી આ પ્રકારનું પોસ્ટર મૂકવામાં આવ્યું હતું.
જોકે, પોલીસ કમિશનર સાથે વાતચીત કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે પ્રશાસન દ્વારા આ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી.
બુરખા મુદ્દે વાત કરતા તેમણે કહ્યું કે બુરખો સમગ્ર શરીરે પહેરવાનો હોય છે ન કે માત્ર ચહેરો ઢાંકવા. એટલા માટે આ ફરમાન તદ્દન ગેરકાયદેસર છે.
તેઓ કહે છે, "અમારા વિરોધ બાદ બૅન્કે પોતાની ભૂલ સુધારી અને બુરખાની જગ્યાએ સ્કાર્ફ શબ્દનો ઉપયોગ કર્યો હતો."
તમે આ વાંચ્યું કે નહીં?
શું કહે છે બૅન્ક?
ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં બૅન્ક ઑફ બરોડાના બ્રાન્ચ મૅનેજર નવીન ધોકિયાએ કહ્યું કે બૅન્ક દ્વારા ભૂલ થઈ છે જે સુધારવામાં આવશે.
ધોકિયા કહે છે, "અમારાથી શબ્દપ્રયોગમાં ભૂલ થઈ છે. પરંતુ અમે 'બુરખા'ની જગ્યાએ 'સ્કાર્ફ' વાપર્યું છે."
આ સૂચના મૂકવા પાછળનો હેતુ સમજાવતા તેમણે કહ્યું હતું કે બૅન્કમાં જો કોઈ સ્કાર્ફ પહેરીને આવે, તો જાણ ન રહે કે તે કોણ છે. એટલા માટે સુરક્ષાને ધ્યાને રાખી આ સૂચના મૂકવામાં આવી હતી.
બુરખા પર પ્રતિબંધ લગાવો, તો ઘૂંઘટ પર પણ લગાવો
હાલમાં જ થોડા દિવસો પહેલાં ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે કહ્યું હતું કે બુરખા સાથે ઘૂંઘટ ઉપર પણ પ્રતિબંધ લાગવો જોઈએ.
અખ્તરે કહ્યું હતું, "જો તમે બુરખા પર પ્રતિબંધ લગાવવા માગો છો તો મને કોઈ વાંધો નથી, પરંતુ વર્તમાન સરકારે ઘૂંઘટ ઉપર પણ પ્રતિબંધ લાદવો જોઈએ."
જાવેદ અખ્તરનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાસ્પદ બન્યું હતું.
ઉલ્લેખનીય છે કે બુરખાને લઈને અનેક દેશોએ કડક પ્રતિબંધોનું વલણ અપનાવ્યું છે.
થોડા સમય અગાઉ શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ ત્યાંની સરકારે બુરખા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપલા સિરીસેનાની ઑફિસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 'ચહેરાની ઓળખ છુપાવે' તેવાં તમામ પ્રકારનાં કપડાં પર પ્રતિબંધ લાદવામાં આવે છે.
વિશ્વનાં કયા-કયા દેશમાં બુરખો પહેરવો કે મોઢું ઢાંકવા પર પાબંદી છે?
આ અગાઉ ડેનમાર્ક અને યુરોપમાં બુરખા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના પગલે મુસ્લિમ મહિલાઓ ચહેરો ઢાંકીને ઘરની બહાર નહીં નીકળી શકે.
ફ્રાન્સ પહેલો એવો યુરોપીય દેશ છે જેણે જાહેરમાં સમગ્ર મુખને કવર કરતા ઇસ્લામિક પડદા પર વર્ષ 2011માં પ્રતિબંધ મૂક્યો હતો.
2011 પૂર્વે તેમણે સંસદમાં વોટિંગ કરી પ્રતિબંધ મૂક્યો હતો.
ઑગસ્ટ 2018માં આ પ્રતિબંધ ડેન્માર્કમાં અમલમાં આવતા તેનો વિરોધ થયો હતો.
આ કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિ જાહેરમાં મોઢું ઢાંકતું કપડું પહેરે તો તેણે 1,000 ક્રોન (£118; $157)નો દંડ ભરવો પડશે. ફરીથી આ કાયદાનો ભંગ કરવા બદલ દસ ગણો વધુ દંડ ચૂકવવો પડશે.
જર્મનીમાં ડ્રાઇવિંગ કરતી વખતે મોઢું ઢાંકવાની પરવાનગી નથી.
અહીં સંસદના નીચલા ગૃહે જજ, સિવિલ સર્વન્ટ અને સૈનિકો પર આંશિક પ્રતિબંધ મૂક્યો છે.
જે સ્ત્રીઓએ બુરખો કે મુખ ઢાંકતું આવરણ પહેર્યું હોય તેમણે ઓળખ દર્શાવવા માટે જરૂરી હોય ત્યારે મુખ પરથી આવરણ દૂર કરવું જરૂરી છે.
ઑક્ટોબર 2017માં ઑસ્ટ્રિયામાં પણ શાળા, કોર્ટ જેવાં જાહેર સ્થળોએ મોઢા પર કંઈ બાંધવા પર મનાઈ ફરમાવામાં આવી.
બેલ્જિયમમાં જુલાઈ 2011માં આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. ગાર્ડન, રસ્તાઓ પર કોઈ પણ પ્રકારનું કપડું જે તમારી ઓળખ/મુખ છુપાવતું હોય તે પહેરવાની મનાઈ ફરમાવાઈ હતી.
શું હોય છે બુરખો અને નકાબ?
ભારત સહિત વિશ્વભરમાં મહિલાઓ દ્વારા ચહેરા તથા શરીરને ઢાંકવા માટે અલગ-અલગ વસ્ત્રો પહેરવામાં આવે છે, જે હિજાબ, નકાબ, બુરખા જેવાં નામોથી ઓળખાય છે.
હિજાબ : હિજાબનો મતલબ ઢાંકવું એવો થાય છે. જોકે, મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા હેડસ્કાર્ફને પણ હિજાબ તરીકે ઓળખવામાં આવે છે.
આ સ્કાર્ફ અલગ-અલગ સ્ટાઇલ કે આકારના હોય છે. મોટાભાગે પ્રચલિત હિજાબમાં માથું ઢંકાય છે પરંતુ ચહેરો સ્પષ્ટ દેખાય છે.
નકાબ: તેમાં મહિલાનો ચહેરો ઢંકાય છે, પરંતુ તેની આંખો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તેને હેડસ્કાર્ફ સાથે કે અલગથી પણ પહેરવામાં આવે છે.
બુરખો: બુરખામાં મહિલા સૌથી વધુ ઢંકાય રહે છે. તે સિંગલ પીસ હોય છે અને તેમાં ચહેરો તથા શરીર ઢંકાય છે. તેમાં આંખો સ્પષ્ટ રીતે દેખાતી નથી.
અલ-અમીર: તે ટુ-પીસ પડદો છે. તેમાં એક ટોપી હોય છે, જે કોટન કે પૉલિયેસ્ટરની બનેલી હોય છે. તેની સાથે ટ્યૂબ જેવો સ્કાર્ફ હોય છે.
શાયલા : સ્કાર્ફનો આ પ્રકાર ખાડી દેશોમાં વ્યાપક રીતે પ્રચલિત છે. તેમાં લંબચોરસ સ્કાર્ફની મદદથી માથું ઢાંકવામાં આવે છે. બાદમાં તેને ખભ્ભા પર પીન કરી દેવામાં આવે છે. ક્યારેક હૂકનો પણ ઉપયોગ થાય છે.
ખીમાર : આ પ્રકારનો પડદો લાંબો અને ટોપી જેવો હોય છે. તેનાથી વાળ, ગરદન અને ખભ્ભો સંપૂર્ણપણે ઢંકાય જાય છે, તે કમરસુધીનો જ હોય છે અને ચહેરો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
ચદોર : આ પ્રકારનો પડદો મહદઅંશે ઈરાનની મહિલાઓ દ્વારા ઘરની બહાર નીકળતી વખતે પહેરવામાં આવે છે. તે સમગ્ર શરીરને ઢાંકે છે. તેની સાથે નાનકડો હેડસ્કાર્ફ પણ પહેરવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો