You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બૅન્ક ઑફ બરોડાનો ઇતિહાસ : જ્યારે પેઢીમાંથી બરોડાના રાજાએ બૅન્ક બનાવી
- લેેખક, જય મિશ્રા
- પદ, બીબીસી ગુજરાતી
જ્યારે બૅન્ક ઑફ બરોડાની ચર્ચા થાય ત્યારે બરોડા સ્ટેટના રાજવી દ્વારા સ્થાપાયેલી આ બૅન્કનો ઇતિહાસની રસપ્રદ કહાણી જાણવા જેવી છે.
રૂપિયા 10 લાખની કૅપિટલથી બૅન્ક શરૂ થઈ હતી
ગુજરાતના તત્કાલીન બરોડા સ્ટેટમાં સ્થપાયેલી બૅન્ક ઑફ બરોડાની શરૂઆત મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કરી હતી.
બૅન્ક ઓફ બરોડાની સ્થાપના સયાજીરાવ ગાયકવાડના હસ્તે વર્ષ 1908માં 20મી જુલાઇએ થઈ હતી.
બૅન્કની સ્થાપના માટે મહારાજા દ્વારા ભંડોળ આપવામાં આવ્યું હતું.
બૅન્ક ઑફ બરોડાની સ્થાપનામાં મહારાજા સયાજીરાવે નગરજનોનો પણ સહયોગ લીધો હતો.
બૅન્કમાં ગાયકવાડ સરકાર ઉપરાંત નાગરીકોનું પણ ભંડોળ હતું.
બરોડાના ઇતિહાસકાર રાજેન્દ્ર શાહ કહે છે "બરોડામાં બૅન્કિંગ પેઢી તરીકે વર્ષ 1884થી બરોડા પેઢી નામની કંપની કાર્યરત હતી."
"આ પેઢીનું વિસર્જન કરાવીને સયાજીરાવે બૅન્ક ઑફ બરોડાની સ્થાપના કરાવી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"બૅન્કની સ્થાપના સમયે મહારાજા ઉપરાંત બરોડાના સંપતરાવ ગાયકવાડ, વિઠ્ઠલદાસ ઠાકરજી, તુલસીદાસ કીલાચંદ અને એન.એમ. ચોક્સીનું મહત્ત્વનું યોગદાન હતું."
"સ્થાપના સમયે 10 લાખ રૂપિયાની કૅપિટલ હતી અને વર્ષ 1913 સુધીમાં બૅન્કની ચાર બ્રાન્ચ પણ શરૂ થઈ ગઈ હતી."
"બૅન્ક શરૂ કરવા પાછળ સયાજીરાવનો ઉદેશ બરોડા સ્ટેટના વેપાર ધંધાને સરળતાથી લૉન મળી રહે અને રાજ્યની આર્થિક પ્રગતિ થાય તે હતો."
પહેલાં શરાફી પેઢી હતી પછી બૅન્ક બની
બૅન્ક ઑફ બરોડાની સ્થાપના પહેલાં બરોડા સ્ટેટનાં જુદાંજુદાં ગામોમાં શરાફી પેઢી કાર્યરત હતી.
બરોડા સ્ટેટ વિશેના ઇતિહાસકાર જીતેન્દ્રસિંહ ગાયકવાડ કહે છે કે આ પેઢીના સફળ પ્રયોગ બાદ બૅન્કની સ્થાપના કરાઈ હતી.
તેમણે કહ્યું, "જ્યારે બરોડા સ્ટેટની ગાદી પર મહારાજા સયાજીરાવે સત્તા સંભાળી ત્યારે આર્થિક રીતે બરોડા સ્ટેટ મુશ્કેલીમાં હતું."
"સ્ટેટમાં આર્થિક કટોકટી દૂર કરવા માટે મહારાજાએ ફરજીયાત બચતનો કાયદો લાગુ કરાવ્યો હતો."
"સ્ટેટના જુદા જુદા વિસ્તારોમાં શરાફી પેઢીઓ કાર્યરત હતી જેના સફળ પ્રયોગ બાદ બૅન્કની સ્થાપના કરવાનો નિર્ણય સયાજીરાવ ગાયકવાડે કર્યો હતો."
"સયાજીરાવે પોતાનું વ્યક્તિગત 50,000 રૂપિયાનું ભંડોળ બૅન્ક માટે આપ્યું હતું."
"આ ઉપરાંત દુષ્કાળની સ્થિતિના કારણે સિલ્વર જ્યુબિલીની ઉજવણી ન કરીને તે નાણાંની બચત કરીને બૅન્કને આપ્યાં હતાં."
"બૅન્કની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે રાજ્યનું નાણું બહાર ન જાય, ડેવલપમૅન્ટના કામ માટે બીજા પર નિર્ભર રહેવું ન પડે અને બરોડા સ્ટેટમાં રોજગારીની તકો સર્જાય."
વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા બૅન્ક શરૂ કરાઈ હતી
બૅન્ક ઑફ બરોડાની સ્થાપનાનો હેતુ બરોડા સ્ટેટ અને આસપાસના વિસ્તારોમાં આવેલા વેપાર ઉદ્યોગો અને કળાના વિકાસ માટે આર્થિક સહાયતા આપવાનો હતો.
બૅન્કની સ્થાપના સમયે મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલા ભાષણમાં તેમણે આ બૅન્ક શા માટે શરૂ કરી તેના વિશે માહિતી આપી હતી.
'સયાજીરાવનાં ભાષણો' નામના પુસ્તકમાં મળતા ઉલ્લેખ પ્રમાણે બૅન્કની સ્થાપના સમયે આપેલા ભાષણમાં સયાજીરાવે કહ્યું હતું કે આ બૅન્ક બરોડા સ્ટેટ માટે ઉપયોગી થઈ શકશે.
તેમણે કહ્યું, "બૅન્કની સ્થાપના માટે સરકાર તરફથી જે સગવડો આપવામાં આવી હતી."
"તેનો ઉદ્શ્ય એક માત્ર એટલો હતો કે એ સમયે રાજ્યમાં એક બૅન્કની જરૂરીયાત હતી."
"આ બૅન્કનો સંપૂર્ણ વહીવટ બોર્ડ ઑફ ડિરેક્ટર અને તેના પ્રતિનિધીઓ કરશે અને બરોડા સ્ટેટની સરકાર તેમાં હસ્તક્ષેપ નહીં કરે."
આ ભાષણમાં તેમણે કહ્યું હતું, "આ બૅન્ક પોતાની જાતે સહકારના સિદ્ધાંત અનુસાર સાહસ ખેડવાના કામમાં એક શીખ આપનારી વ્યવસ્થા બનશે."
"આ યોજનાની સફળતા લોકોના ઉપર છે. સરકારે તો ફક્ત તેને મદદ જ કરી છે."
"આ બૅન્ક સરકારને નાણા ધીરનાર એજન્સી નથી. સરકારે તો તેને ફક્ત મદદ કરી છે આ બૅન્ક ખરેખર એક ખાનગી શરાફી પેઢી છે."
"જો આ બૅન્ક સફળ થશે તો આપણા રાજ્યમાં વેપાર અને ઉદ્યોગ ખિલશે."
1969માં રાષ્ટ્રીયકરણ થયું
દેશની આઝાદી બાદ વર્ષ 1969માં ભારત સરકાર દ્વારા બૅન્કને રાષ્ટ્રીયકૃત કરવામાં આવી હતી.
ત્યાર બાદ બૅન્કનો સમાવેશ પ્રૉફિટ મેકિંગ પબ્લિક સેક્ટર યુનિટ (પીએસયુ)માં કરવામાં આવ્યો હતો.
બૅન્ક ઓફ બરોડાની સાથે જ એ વખતે સરકારે અન્ય 13 બૅન્કોનું પણ રાષ્ટ્રીયકરણ કર્યું હતું.
બૅન્ક ઓફ બરોડાની સ્થાપના સમયે વડોદરામાં તેની મુખ્ય કચેરી શરૂ થઈ હતી.
હાલમાં પણ બૅન્કની વડી કચેરી વડોદરાના આર.સી.દત્ત માર્ગ પર આવેલી છે.
જ્યારે બૅન્ક વિવાદોમાં આવી
આઝાદી પહેલાં સ્થાયેલી બૅન્ક ઑફ બરોડા સાથે અનેક વિવાદો પણ જોડાયેલા છે. ભારત ઉપરાંત વિદેશમાં પણ બૅન્કે વિવાદનો સામનો કરવો પડ્યો છે.
ધી ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ બૅન્ક ઑફ બરોડાને આ વર્ષના એપ્રિલ મહિનામાં ધી ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનીટ દ્વારા 9 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ દંડ દિલ્હીની અશોક વિહાર બ્રાન્ચમાં વર્ષ 2015માં થયેલા 6000 કરોડ રૂપિયાના ફોરેક્સના વ્યવહારના કેસમાં અસરકાર રિપોર્ટિંગ સિસ્ટમ ન હોવાના કારણે ફટકારવામાં આવ્યો હતો.
ધ હિન્દુ બિઝનેસ લાઇનના અહેવાલ મુજબ બૅન્ક ઑફ બરોડાએ આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રીકામાંથી પોતાની સેવા બંધ કરી હતી.
સાઉથ આફ્રીકાના પૂર્વ પ્રમુખ જેકોબ ઝુમા સાથે સંકળાયેલા ગુપ્તા બ્રધર્સના આર્થિક વ્યવહારો સ્થાનિક બૅન્કોએ પ્રતિબંધિત કર્યા હોવા છતાં બૅન્ક ઑફ બરોડામાં તેમના વ્યવહારો ચાલતા હતા.
આ કૌભાંડ સાથે બૅન્કનું નામ જોડાતાં તેમને સાઉથ આફ્રીકામાંથી સેવા બંધ કરવાની ફરજ પડી હતી.
રોટોમેક કંપનીના પ્રમોટર વિક્રમ કોઠારીએ દેશની વિવિધ પબ્લિક સેક્ટર બૅન્ક્સ પાસેથી ફોરેન લેટર્સ ઑફ ક્રેડિટ મેળવીને કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થયો હતો.
ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આ કૌભાંડમાં રોટોમેકના પ્રમોટર કોઠારી દ્વારા સાત બૅન્ક પાસેથી આ પ્રકારના લેટર મેળવાયા હતા જેમાં બૅન્ક ઑફ બરોડા સાથે જ 456 કરોડની છેતરપીંડી કરી હોવાનો આક્ષેપ થયો હતો.
સરકારના આ પગલાથી શું ફાયદો થશે કે નુકસાન?
યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયામાંથી તાજેતરમાં જ રિટાયર થયેલા ચેરમેન અરુણ તિવારીએ જણાવ્યું હતું, "આ પગલું ભરવાનું આયોજન 4 વર્ષે પહેલાં શરૂ થઈ ગયું હતું પરંતુ તે ફક્ત કાગળ પર જ હતું."
"ત્રણ વર્ષ પહેલાં પુણેમાં જ્ઞાનસંગમ નામથી એક કાર્યક્રમ થયો હતો જેમાં સરકારે નક્કી કર્યું હતું કે કોઈ પણ બૅન્કના વિલયનો આધાર બૅન્કની ગુણવત્તા પર જ આધારીત રહેશે."
"જેમાં કર્મચારીઓની સંખ્યાથી લઈને તેમની આર્થિક હાલત વગેરે બાબતોનું વિશ્લેષણ કરવામાં આવશે."
અરુણ તિવારીના મતે આ વિલીનીકરણના કેટલાક ફાયદા છે, "પશ્વિમ અને ઉત્તર ભારત સિવાય બૅન્ક ઑફ બરોડાની આંતરાષ્ટ્રીય શાખાઓના ફેલાવનો ફાયદો અન્ય બૅન્કોને થશે."
"દક્ષિણ ભારતમાં વિજયા બૅન્કની મજબૂત પકડ છે આ તમામ બાબતોનો ફાયદો ખરાબ સ્થિતિમાં રહેલી દેના બૅન્કને થશે."
શેર માર્કેટની પ્રતિક્રિયા
આ નિર્ણયને કારણે બૅન્ક ઑફ બરોડાના શેર 18 સપ્ટેમ્બરના રોજ 17 ટકા ગગડ્યા હતા. જ્યારે અન્ય બન્ને બૅન્કના શેરમાં ઉછાળો નોંધાયો હતો.
જાણકારોના મતે આવું થવું સ્વાભાવિક છે કારણ કે આ વિલીનીકરણમાં બૅન્ક ઑફ બરોડા સૌથી વધુ મજબૂત બૅન્ક છે અને તેણે અન્ય બૅન્કોનો ભાર સહન કરવો પડશે.
આ નિર્ણય સામાન્ય નથી. ત્રણેય બૅન્ક મળીને કુલ કર્મચારીઓની સંખ્યા 85,000થી વધારે થશે અને નવા બૅન્કની કુલ મળીને દેશ વિદેશમાં 9,485 શાખાઓ તૈયાર થશે.
બૅન્ક ઑફ બરોડાના પૂર્વ જનરલ મેનેજર એન. રમણી મુજબ આ પ્રક્રિયા મોડા પણ મજબૂત જેવી છે.
તેમણે કહ્યું, "દેશમાં આટલી બધી બૅન્કોના અસ્તિત્વનો કોઈ અર્થ નથી કારણ કે સરકારે તમામ બૅન્કોને કૅપિટલ આપવી પડે છે."
"આ વિલીનીકરણ સમજવા માટે એ સમજવું જરૂરી છે કે બે મજબૂત અને એક નબળી બૅન્કના વિલીનીકરણનો કોઈ અર્થ નથી."
"દેશમાં વિજયા બૅન્ક અને દેના બૅન્કમાં સરકાર તરફથી વધારે કૅપિટલ જાય છે જે આ પ્રક્રિયા બાદ બંધ થઈ જશે."
"એ હકીકત છે કે દેના બૅન્કના ઋણની ટકાવારી વિજયા બૅન્ક અને બૅન્ક ઑફ બરોડાના કુલ ઋણ કરતાં ટકાવારીમાં વઘારે છે."
"જે ચિંતાનો વિષય છે પરંતુ સરકાર બૅન્કોને સમાપ્ત થતી પણ જોઈ શકે નહીં."
"આ બૅન્કોના વિલીનીકરણથી અન્ય બૅન્કોના વિલીનીકરણનો માર્ગ મોકળો થશે."
જોકે, આ નવી બૅન્કનું નામ શું હશે તે હજુ નક્કી નથી પરંતુ જાણકારોના મતે બૅન્ક ઑફ બરોડાની શાખને જોતા તેનું જ નામ રાખવામાં આવે તેવી શક્યતા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો