રાહુલ ગાંધીએ રફાલ મામલે સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માગી

કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ અદાલતની અવમાનનાના કેસમાં સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માગી છે.

રફાલ સોદામાં કથિત કૌભાંડને મુદ્દે કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ 'હવે તો સુપ્રીમ કોર્ટે પણ માન્યું કે ચોકીદાર ચોર હૈ' એવું નિવેદન કર્યુ હતું.

આ નિવેદન જ્યારે સુપ્રીમે રફાલ કેસની ફેરસુનાવણીની રજૂઆતમાં ગુપ્ત દસ્તાવેજનો સરકારનો પક્ષ માન્ય ન રાખ્યો તે સમયે કરવામાં આવ્યુ હતું.

એ નિવેદન પછી ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં અદાલતની અવગણનાની અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે અગાઉ નિવેદન બદલ ખેદ પ્રગટ કરતું સોગંદનામું ફગાવી દેતા હવે રાહુલ ગાંધીએ બિનશરતી માફી માગી છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અગાઉ એવું કહી ચૂક્યા છે કે તેઓ ચોકીદાર ચોર હૈની વાતને વળગી રહે છે પરંતુ સુપ્રીમ કોર્ટનો સંદર્ભ અયોગ્ય હતો અને તેઓ ચૂંટણીની ગરમીમાં એવું બોલી ગયા હતા.

અમેરિકા મલેશિયાને 20 અબજ ડૉલર આપશે

અમેરિકા મલેશિયાને લગભગ 20 કરોડ અમેરિકન ડૉલર આપવાનું છે. આ ધન મલેશિયાના સરકારી વિકાસ ફંડ 1એમબીડી સંલગ્ન સંપત્તિને જપ્ત કરાયા બાદ જમા કરવામાં આવી રહ્યું છે.

અમેરિકન અધિકારીઓ અત્યાર સુધી મલેશિયાને 5.7 કરોડ ડૉલર આપી ચૂક્યા છે.

આરોપ એવો છે કે હોલીવૂડની એક કંપનીએ 1એમબીડી ફંડમાંથી પૈસા લઈ ફિલ્મોમાં લગાવ્યા હતા.

કથિત રીતે 1એમબીડી ફંડથી પૈસા લઈને મૅનહેટ્ટનમાં ખરીદાયેલી એક સંપત્તિના વેચાણ બાદ અમેરિકા વધુ 13.9 કરોડ ડૉલર મલેશિયાને આપશે.

નોંધનીય છે કે મલેશિયાના સરકારી 1એમબીડી ફંડ એટલે કે 1મલેશિયા ડેવલપમૅન્ટ બૅહાર્ડ ફંડમાંથી અબજો રૂપિયા ગાયબ છે.

દેશના અર્થતંત્રના વિકાસ માટે અને કૂટનીતિક રીતે મહત્ત્વના રોકાણને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2009માં આ ફંડ બનાવાયું હતું.

મોદીને લોકશાહીનો સણસણતો તમાચો પડવો જોએ - મમતા બેનરજી

પશ્ચિમ બંગાળના બાંકુરાના બારજોરામાં એક ચૂંટણીસભાને સંબોધતાં પ્રદેશનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ચૂંટણીના સોગંદનામાના સંદર્ભે નિશાન તાક્યું.

તેમણે મોદીનાં પત્ની સંબંધીત જાણકારીનો પણ ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું, "મોદી ખુદ પોતાના નાના એવા પરિવારને સંભાળી ન શક્યા તો દેશને શું સંભાળશે? દેશ તો બહુ મોટો પરિવાર છે."

તેમણે મોદી પર ખોટા વચનો આપવા અને ખોટું બોલવા સંબંધિત આરોપો લગાવ્યા. તેમણે કહ્યું, "મોદીએ બંગાળમાં આવીને કહ્યું હતું કે બંગાળમાં મમતા બેનરજી દુર્ગાપૂજા કરવા નથી દેતાં. શું આ ખોટું નથી?"

તેમણે કહ્યું, "બાળક ખોટું બોલે તો તમે શું કરો? એને વઢો અને જરૂર પડ્યે તમાચો પણ ચોડી દો પણ જો વડા પ્રધાન ખોટું બોલે તો શું કરવું જોઈએ? શું તેમની પૂજા કરવી જોઈએ કે તેમને માટીના એવા લાડવા ખવડાવવા જોઈએ કે જેની અંદર કાંકરા હોય?"

મમતા બેનરજીએ એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદીને લોકશાહીનો સણસણતો તમાચો પડવો જોઈએ.

ઈરાન સાથેના તણાવ વચ્ચે યૂએસના સેક્રેટરી ઑફ સ્ટેટ પૉમ્પીયો ઇરાકની મુલાકાતે

ઈરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પૉમ્પીયોએ ઇરાકની અણનિર્ધારીત મુલાકાત લીધી છે.

રાજધાની બગદાદમાં ઇરાકી નેતાઓ સાથે ચાર કલાકની મુલાકાત માટે પૉમ્પીયોએ બર્લિનનો પ્રવાસ રદ કરી નાખ્યો.

અમેરિકા દ્વારા પ્રદેશમાં યુદ્ધજહાજ તહેનાત કરાયા બાદ આ મુલાકાત યોજવામાં આવી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર અમેરિકન સૈન્ય અને મિત્ર રાષ્ટ્રો પર ઈરાનના વધી રહેલા જોખમને પગલે આ જહાજ અહીં તહેનાત કરાયું છે

આ પહેલા મંગળવારે અમેરિકાએ અહીં બી-52 બૉમ્બર વિમાનો મોકલવાની પણ જાહેરાત કરી હતી.

જોકે, ઈરાન તરફથી કેવા પ્રકારનું જોખમ છે એ અંગે અમેરિકાએ ખાસ માહિતી નહોતી આપી તો ઈરાને આ આરોપને બકવાસ ગણાવી ફગાવી દીધો હતો.

ગુજરાતમાંથી 8 સિંહો ઉત્તર પ્રદેશ મોકલાવાશે

પ્રાણીઓની ફેરબદલી કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાંથી આઠ સિંહોને ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશના પ્રાણીસંગ્રહાલયમાં ખસેડવામાં આવશે એવી માહિતી વનવિભાગના અધિકારીએ આપી છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલા અહેવાલ અનુસાર હાલમાં આ સિંહોને જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે રાખવામાં આવ્યા છે.

જૂનાગઢ વાઇલ્ડલાઇફ સર્કલના મુખ્ય વનસંરક્ષક દુષ્યંત વસાવડાને ટાંકીને અખબારે જણાવ્યું, 'પ્રાણીઓની ફેરબદલી કાર્યક્રમ હેઠળ બે સિંહ અને છ સિંહણોને સક્કરબાગ ઝૂમાંથી ઉત્તર પ્રદેશના ગોરખપુરના પ્રાણીસંગ્રહાલયમાં ખસેડવામાં આવશે. આ સિંહોની બદલી માટે કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય ઑથૉરિટીએ મંજૂરી આપી દીધી છે.'

જોકે, ગોરખપુરમાંથી ગુજરાતમાં કયાં પ્રાણીઓ મોકલવામાં આવશે એ અંગે હજુ કોઈ જાણકારી મળી ન હોવાનું વસાવડાએ જણાવ્યું છે.

તેમણે એવું પણ જણાવ્યું કે સિંહોની બદલી માટે બન્ને રાજ્યો સહમત થયાં હતાં અને આ અંગેનો પ્રસ્તાવ કેન્દ્રીય ઝૂ ઑથોરિટીને મોકલવામાં આવ્યો હતો. જેને ઑથોરીટીએ સ્વીકારી લીધો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો