ગુજરાતમાં ખાતરના કથિત કૌભાંડની શું છે કહાણી?

મોડાસા નજીક રહેતા કેશોજી ઠાકોર પોતાના ભાઈઓ સાથે 30 વીઘા જમીનમાં ખેતી કરે છે.

જોકે, છેલ્લાં ત્રણ વર્ષથી કેશાજીને દર પાકે ખાતરની વધુ એક બોરીની જરૂર પડતી હતી.

અચાનક આવેલી આ ઘટની તપાસ કરાવવા માટે કેશાજીએ મોડાસાની સહકારી મંડળીમાં બોરીનું વજન કરાવ્યું તો 500 ગ્રામ જેટલું ખાતર ઓછું નીકળ્યું.

જે બાદ કેશાજીએ અન્ય ખેડૂતો સાથે મળીને જનતારેડ પાડી તો બોરીમાં ઓછું ખાતર આપવાનું કથિત કૌભાંડ સામે આવ્યું.

વિવિધ વિસ્તારોમાંથી ફરિયાદ ઊઠી

જે બાદ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ખાતરની બોરીમાં ઓછા વજનના સમાચારો સ્થાનિક મીડિયામાં ચમકવા લાગ્યા હતા.

ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "સામાન્ય રીતે એક વીઘામાં એક બોરી ખાતર વપરાતું હોય છે. જોકે, ઑગસ્ટ 2017 બાદથી કેટલાક ખેડૂતોને પાક લેવામાં વધારે ખાતરની જરૂર પડતી હોવાથી ફરિયાદ ઊઠી હતી. આખરે આ મામલે તપાસ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું."

પાલભાઈના જણાવ્યા અનુસાર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આ રીતે ખાતરનો વધુ ખપ પડતો હોવાની ફરિયાદ ઊઠી છે.

પાલભાઈ જણાવે છે, "ખેડૂતો મિત્રો સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાંથી પણ આવી જ ફરિયાદો સામે આવી છે."

"1400 રૂપિયાની ખાતરની બોરીમાં ખાતર ઓછું આપવામાં આવે છે. ઓછા વજનની બોરીઓ પધરાવીને ખેડૂતોને છેતરવામાં આવે છે."

અધિકારીઓ શું કહે છે?

રાજ્યમાં ખેડૂતોને સહકારી રાહે સસ્તું ખાતર મળી રહે એ માટે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કૉર્પોરેશન ( જી. એફ. એસ. સી.) દ્વારા ખાતર વેચવામાં આવે છે.

જી. એફ. એસ. સી.ના લોકસંપર્ક અધિકારી કે. આર. યાદવે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "કદાચ મશીનમાં ખામી સર્જાવાને કારણે આ સમસ્યા સર્જાઈ હોઈ શકે. આ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ. જો ક્યાંય કચાશ જણાશે તો ગુનેગાર સામે કડક પગલાં લેવાશે."

જોકે, કૉર્પોરેશન દ્વારા ગુજરાત અને ગુજરાત બહાર વાર્ષિક કેટલું ખાતર વેચવામાં આવે છે, એની વિગતો આપવાનો યાદવે ઇન્કાર કરી દીધો હતો.

આપને આ પણ વાચવું ગમશે

વિવિધ વિસ્તારોમાંથી આવા કિસ્સા સામે આવ્યા બાદ સરકાર દ્વારા હાલ પૂરતું ખાતરનું વેચાણ અટકાવી દેવાયું છે.

જોકે, કથિત કૌભાંડ સરકારની રહેમનજર હેઠળ ચાલતું હોવાનો કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે.

ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "સરકારની રહેમનજર હેઠળ ખેડૂતોને લૂંટવાનું આ એક કાવતરું છે. ખેડૂત વજન કર્યા વગર સરકારના ભરોસે ખાતર ખરીદે છે અને બાદમાં એને રોવાનો વારો આવે છે."

સરકારની બાંયધરી

આ દરમિયાન સરકારે ખેડૂતોનું નુકસાન અટકાવી, કાળજી રાખવાની ખાતરી ઉચ્ચારી છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં રાજ્યના કૃષિ મંત્રી આર. સી. ફળદુએ જણાવ્યું, "ખાતરમાં ઓછા વજનની ફરિયાદ અમારી સમક્ષ આવી છે. આ મામલો ગંભીર છે અને તપાસના આદેશ આપી દેવાયા છે."

"સમગ્ર કૌભાંડની ઊંડી તપાસ હાથ ધરાશે અને કસૂરવાર સામે કડક પગલાં ભરવામાં આવશે. આ અંગે તપાસ કરી રિપોર્ટ એક સપ્તાહમાં રજૂ કરવાનો આદેશ પણ આપી દેવાયો છે."

(અમદાવાદથી ભાર્ગવ પરીખના ઇનપુટ સાથે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો