પોલીસે વીરમગામમાં મુસલમાનોને મત ન આપવા દેવા માર માર્યાની વાતનું સત્ય - ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક
    • પદ, બીબીસી ન્યૂઝ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ શૅર થઈ રહ્યો છે કે જેમાં દાવો કરાયો છે કે પોલીસકર્મીઓ કેટલાંક મુસ્લિમોને મત આપવાથી રોકવા માટે મારપીટ કરી રહ્યાં છે.

આ વીડિયોને કૅપ્શન આપવામાં આવ્યું છે, "મોદી સરકાર, RSS અને શિવસેના મુસ્લિમોને મત આપવાથી રોકી રહ્યા છે. મીડિયા તેને બતાવશે નહીં એટલે કૃપા કરીને તેને શૅર કરો અને મોદી તેમજ RSS પર કાર્યવાહી ખૂબ જરૂરી છે."

ટ્વિટર અને ફેસબુક પર આ વીડિયો હજારો વખત શૅર કરવામાં આવ્યો છે.

ઓસિક્સ મીડિયા નામના ફેસબુક પેજે આ વીડિયોને એક કૅપ્શન સાથે શૅર કર્યો હતો.

તેમાં લખવામાં આવ્યું છે, "હારના ડરથી એનડીએ ટ્રિકનો ઉપયોગ કરી રહી છે અને પોલીસ મુસ્લિમોને મત આપવાથી રોકી રહી છે. મોદી સરકાર, RSS અને શિવસેનાના લોકો દ્વારા મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને મારવામાં આવી રહ્યા છે. આગામી ચૂંટણીઓમાં ભાગ લો."

અમારા વાચકોએ આ વીડિયોને વૉટ્સએપના માધ્યમથી અમને મોકલીને તેની સત્યતા અંગે પૂછ્યું છે.

અમને જાણવા મળ્યું છે કે વીડિયો સાથે જે દાવો કરવામાં આવ્યો છે તે ખોટો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

વીડિયોનું સત્ય

રિવર્સ ઇમેજ સર્ચમાં આ વીડિયો સાથે જોડાયેલા સમાચાર મળ્યા.

એક એપ્રિલ 2019ના રોજ પ્રકાશિત એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વીડિયો ગુજરાતના વીરમગામનો છે.

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વીડિયો વીરમગામના ભાથીપુર વિસ્તારનો છે.

આ ઘટના ત્યારે ઘટી હતી જ્યારે એક મહિલા કબ્રસ્તાનની દિવાલ પર કપડાં સૂકવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં અને તે જ સમયે કેટલાંક લોકોએ તેનો વિરોધ કર્યો.

આ ઘટનાની જાણકારી માટે બીબીસીએ અમદાવાદ ગ્રામીણ ક્ષેત્રના એસપી આર.વી. અંસારીને ફોન કર્યો.

અંસારીએ જણાવ્યું, "આ વીડિયો વીરમગામમાં 31 માર્ચ 2019ના રોજ ઘટેલી ઘટનાનો છે. જેમાં ઠાકોર અને મુસ્લિમ સમાજના લોકો વચ્ચે અથડામણ થઈ હતી. એક મહિલા કબ્રસ્તાનની દિવાલ પર કપડાં સૂકવી રહી હતી. જ્યારે એક સમુદાયના લોકોએ બીજા સમુદાયના લોકો પર હુમલો કર્યો ત્યારે આ ઘટનાએ હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું."

તેમણે કહ્યું, "પોલીસ ત્યાં પહોંચી તો કેટલાંક લોકોના એક ગ્રૂપે પોલીસ પર હુમલો કર્યો અને પથ્થર મારવાનું શરૂ કર્યું. જોકે, પોલીસ આરોપીની ધરપકડ કરવામાં સફળ રહી. ખોટા દાવા સાથે આ વીડિયો ફેલાવનારા સુધી પહોંચવા માટે અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. આ વીડિયોનો ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી."

મત આપવાથી રોકવા માટે પોલીસકર્મી મુસ્લિમોને મારી રહ્યા છે, એ દાવો ખોટો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો