નીરવ મોદીની જામીન અરજી લંડનની કોર્ટે ત્રીજી વખત ફગાવી

    • લેેખક, ગગન સબરવાલ
    • પદ, બીબીસી સંવાદદાતા, લંડન

લંડનની એક કોર્ટે હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી છે.

આ ત્રીજી વખત છે કે કોર્ટે નીરવ મોદીની જામીન અરજીને નકારી દીધી છે. આ પહેલાં પણ બે વખત કોર્ટ જામીન અરજી નકારી ચૂકી છે.

નીરવ મોદી જાન્યુઆરી 2018થી લંડનમાં રહે છે અને ગત માર્ચ મહિનામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદથી તેઓ લંડનમાં જેલમાં છે.

ભારત સરકાર નાણાકીય છેતરપિંડી મામલે તેમને ભારતમાં પ્રત્યાર્પિત કરવા માગે છે.

નીરવ મોદી પર પંજાબ નેશલન બૅન્કમાં 13 હજાર કરોડોનું કૌભાંડનું કરવાનો આરોપ છે.

કોર્ટમાં શું થયું?

ભારત સરકારના વકીલે કોર્ટમાં જામીન અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે ગત જામીન અરજીની સુનાવણી બાદ નીરવ મોદીના કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી. જેથી તેઓ જામીનનો વિરોધ કરે છે.

ઉપરાંત ભારત સરકારના વકીલે કહ્યું કે ભારત સરકારને એવું લાગે છે કે જો નીરવ મોદીને જામીન મળશે તો તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરશે.

નીરવ મોદીના વકીલે કોર્ટને કહ્યું કે નીરવ મોદી જામીન સિક્યૉરિટી તરીકે 2 મિલિયન પાઉન્ડ(અંદાજે 18 કરોડ) જેટલી રકમ આપવા માટે તૈયાર છે.

તેમણે કોર્ટમાં કહ્યું, "નીરવ મોદી ક્યાંય પણ પ્રવાસ નહીં કરે. તેમનો ઇરાદો માત્ર યુકેમાં રહેવાનો છે. યુકેમાં તેમના નામે ફ્લેટ પણ છે."

"તેઓ અહીં ટૅક્સ ભરે છે અને અહીં જ કામ કરે છે. તેમણે લોકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને ઇલેક્ટ્રોલ રોલમાં પણ તેમનું નામ છે."

"નીરવ મોદી માને છે કે તેઓ વિશ્વમાં કોઈ પણ દેશ કરતાં યુકેમાં વધારે સલામત છે."

કોણ છે આ ગુજરાતી નીરવ મોદી?

અંગ્રેજી વેબસાઇટ લાઇવમિન્ટ.કૉમના અહેવાલ અનુસાર નીરવ મોદીનો જન્મ હીરાના વેપારીઓ, ફૂલોના અત્તર અને ગુજરાતી શાયરી માટે જાણીતા પાલનપુરના એક જૈન પરિવારમાં થયો હતો.

તેમના દાદા ઉત્તર ભારતમાં 1930-40ના સમયગાળા દરમિયાન હીરાનો વેપાર કરતા હતા. ત્યારબાદ તેઓ સિંગાપુર જતા રહ્યા હતા.

બેલ્જિયમના એન્ટવર્પમાં તેમના પિતા દીપક મોદીએ આ વ્યવસાયની સ્થાપ્યો હતો. નીરવ મોદીનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ તેમનો ઉછેર બેલ્જિયમમાં થયો છે.

એમ કહેવાય છે કે યુવા ઉંમરથી જ તેમની રુચિ આર્ટ અને ડિઝાઇનમાં હતી અને તે યૂરોપના અલગ અલગ મ્યૂઝિયમ્સની મુલાકાતો લેતા હતા.

ભારતમાં વસી જવા અને ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસની ટ્રેનિંગ લીધા બાદ 1999માં તેમણે ફાયરસ્ટારનો પાયો નાખ્યો હતો.

આ કંપનીને પ્રખ્યાત બનાવવા માટે તેમણે યોગ્ય હીરાની પસંદગી અને તે પ્રમાણે દાગીના ડિઝાઇન કરવા અનેક મહિનાઓ પસાર કર્યા હતા.

એ સમયે તેમને અનુભવ થયો કે જ્વેલરીને લઈને ઝનૂન અને કલા બંને તેમનામાં રહેલી છે ત્યારે તેમણે બ્રાંડ બનાવવા તરફ એક પગલું આગળ ભર્યુ હતું.

2010માં તેઓ ક્રિસ્ટી અને સદબીના કેટલોગમાં સ્થાન પામનારા પ્રથમ ભારતીય જ્વેલર બન્યા હતા.

2013માં તેમને ફોર્બ્સ લિસ્ટ ઓફ ઇન્ડિયન બિલિયનર્સમાં સ્થાન મળ્યું અને ત્યારથી તેમણે આ યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો