You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માયાવતીએ મોદી પર જસોદાબહેનના નામે હુમલો કર્યો
બહુજન સમાજ પક્ષનાં પ્રમુખ અને ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્ય મંત્રી માયાવતીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર તેમનાં પત્નીને લઈને નિશાન સાધ્યું છે.
માયાવતીએ આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદીએ રાજકીય સ્વાર્થને કારણે તેમનાં પત્નીથી છેડો ફાડી લીધો છે.
એક પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કહ્યું, "તેઓ બીજાની બહેન-દીકરીઓની ઇજ્જત કરવાનું શું જાણે, જેમણે પોતાના રાજકીય સ્વાર્થ ખાતર બેકસૂર પત્નીને પણ છોડી દીધાં છે."
બીએસપીનાં સુપ્રીમોએ પૂરા દેશની મહિલાઓને અપીલ કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે મત ના કરે.
અલવર ગૅંગરેપને લઈને પણ હુમલો
શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અલવરમાં એક દલિત મહિલા સાથે થયેલા સામૂહિક બળાત્કારની નિંદા કરી હતી.
મોદીએ કહ્યું હતું કે રાજસ્થાનમાં કૉંગ્રેસ શાસનમાં છે અને તેણે અલવરમાં એક દલિત મહિલા સાથે ગૅંગરેપના મામલાને ચૂંટણી સુધી દબાવી રાખવાની કોશિશ કરી.
જેને લઈને મોદીએ કહ્યું હતું કે માયાવતીએ કૉંગ્રેસની સરકારને આપેલું સમર્થન પરત લેવું જોઈએ.
માયાવતીએ આ મામલાને લઈને નરેન્દ્ર મોદીને નિશાને લીધા હતા અને કહ્યું, "તેમને, કોઈ પણ પક્ષ કે નેતાને અલવરમાં દલિત મહિલાના સાથે થયેલા દુષ્કર્મની અતિશરમજનક અને અતિઘૃણીત ઘટનાને લઈને કોઈ પણ સલાહ આપવાનો નૈતિક અધિકાર નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માયાવતીની આ ટિપ્પણીનો ભાજપ તરફથી પણ જલદી જવાબ આવી ગયો.
કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ ટ્વિટર પર લખ્યું, "બહેન માયાવતી- જેઓ વડાં પ્રધાન બનવા માગે છે. તેમની શાસનપ્રણાલી, નૈતિકતા અને ભાષણ હંમેશાં નિમ્ન સ્તરનાં રહ્યાં છે."
"વડા પ્રધાન મોદી પર આજનો વ્યક્તિગત હુમલો દર્શાવે છે કે તેઓ સાર્વજનિક જીવન માટે અયોગ્ય છે."
આ પહેલાં ફેબ્રુઆરીમાં આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ વડા પ્રધાનનાં પત્નીનો ઉલ્લેખ કરતાં મોદી પર નિશાન સાધ્યું હતું.
નાયડુએ વડા પ્રધાન પર હુમલો કરતા કહ્યું હતું, "તમે તમારાં પત્નીથી અલગ રહો છો. શું પરિવારનાં મૂલ્યો પ્રત્યે તમારા મનમાં કોઈ આદર છે?"
નાયડુએ કહ્યું હતું કે વડા પ્રધાનનો ન તો પરિવાર છે ન તો કોઈ પુત્ર.
નાયડુએ કહ્યું હતું, "તમે મારા પુત્રનો હવાલો આપ્યો તો હું તમારાં પત્નીનો ઉલ્લેખ કરું છું. શું લોકોને જાણ છે કે નરેન્દ્ર મોદીને પત્ની પણ છે. તેમનું નામ જસોદાબહેન છે."
નાયડુએ આ વાત વિજયવાડામાં એક જનસભાને સંબોધિત કરતા કહી હતી.
નાયડુએ વડા પ્રધાનની એ ટિપ્પણીનો જવાબ આપ્યો હતો જેમાં તેમણે ચંદ્રબાબુ નાયડુને 'લોકેશના પિતા' કહીને સંબોધ્યા હતા.
નાયડુએ કહ્યું હતું કે વડા પ્રધાને વ્યક્તિગત હુમલો કર્યો તો તેનો જવાબ પણ એ રૂપમાં જ મળશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો