ગુજરાતમાં દલિતોના વરઘોડાને શા માટે રોકવામાં આવ્યા?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં તાજેતરમાં જ દલિતોને ગામમાં વરઘોડો ના કાઢવા દેવાની કેટલીક ઘટનાઓ સામે આવી છે.

મહેસાણા જિલ્લાના લ્હોર ગામમાં દલિતોએ વરઘોડો કાઢતાં લગ્નના બે દિવસ બાદ ગામની અન્ય જ્ઞાતિઓએ તેમનો સામાજિક બહિષ્કાર કર્યો હતો. જેમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ પણ કરી હતી.

આ ઘટના બાદ હવે અરવલ્લી જિલ્લાના મોડાસાના ખંભીસર ગામે દલિતો અને સવર્ણો વચ્ચે વરઘોડાને લઈને સંઘર્ષ થયો હતો.

અહીં દલિત વરરાજાએ વરઘોડો કાઢતા ગામના અન્ય લોકોએ રસ્તો રોકી લીધો હતો અને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

વણસતી સ્થિતિને જોતા સમગ્ર ગામને જાણે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.

ખંભીસર ગામમાં શું બન્યું હતું?

ખંભીસર ગામના દલિત વરરાજા જયેશ રાઠોડે પોતાના લગ્ન પહેલાં ડી. જે. સાથે વરઘોડો કાઢવાનું નક્કી કર્યું હતું.

તેમના કહેવા પ્રમાણે વરઘોડાની ખબર પડતા જ ગામ લોકો તરફથી તેમને ધમકીઓ મળવા લાગી હતી.

જે બાદ જયેશના પરિવારે વરઘોડો નીકળી શકે તે માટે સ્થાનિક પોલીસની મદદ માગી હતી.

જયેશના પિતા ડાહ્યાભાઈએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે વરઘોડો નીકળી શકે એ માટે અમે પહેલાં જ પોલીસને જાણ કરી હતી.

તેમણે કહ્યું, "જેથી પોલીસ અમારા ગામમાં આવી, પોલીસને જોઈને ગામ લોકોએ રસ્તા પર હવન અને રામધૂન શરૂ કરી દીધી હતી."

"અમે વરઘોડો લઈને આગળ ન જઈ શકીએ એ માટે ગામના લોકોએ આ રીતે અમારો રસ્તો રોકી લીધો હતો."

"પોલીસે સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ માન્યા નહીં, દલિતોને હેરાન કર્યા અને વરઘોડોના કાઢવા દીધો."

જોકે, આ જે પોલીસ બંદોબસ્ત સાથે ગામમાં જયેશની જાન નીકળી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ મામલે પોલીસ શું કહે છે?

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા અરવલ્લીના પોલીસ વડા મયુર પાટીલે કહ્યું કે અમે લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વાતાવરણ ઉગ્ર બની ગયું હતું.

તેમણે કહ્યું, "સામસામે સંઘર્ષ થયા બાદ પથ્થરમારો થયો, જે બાદ પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી."

"આ ઝઘડામાં પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા જેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોની આ મામલે અટકાયત પણ કરવામાં આવી હતી."

"ગામમાં સ્થિતિને જોતાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી."

હાલ ગામમાં ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે જાન નીકળી છે અને પોલીસ સમગ્ર મામલા પર નજર રાખી રહી છે.

સાબરકાંઠામાં પણ દલિતોના વરઘોડા સમયે બબાલ

સાબરકાંઠાના પ્રાંતીજ તાલુકાના સીતવાળા ગામે અનિલ રાઠોડ નામના દલિત યુવકના વરઘોડા સમયે ગામના કેટલાક લોકો જોડે બબાલ થઈ હતી.

અનિલના પિતા રમેશભાઈ રાઠોડે કહ્યું કે અમને ચોક્કસ સમાજના લોકો દ્વારા મંદિરે દર્શન કરવા જતા રોકવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું, "મંદિરે દર્શન કરી જાન જવાની હતી પરંતુ ચોક્કસ સમાજના લોકોએ વરઘોડામાં ડીજે નહીં વગાડવાની વાત કરી હતી."

"અમને ડર હતો એટલે પહેલાં જ પોલીસની મદદ લીધી હતી, મામલો વણસતા મારા પુત્રની જાનને ત્રણ કલાક રોકી રાખવી પડી હતી."

"ડરના માર્યા અમારા ડીજેવાળા અને ફોટોગ્રાફરો ભાગી ગયા, મંદિરનાં તાળાં તોડી અમે દર્શન કરવા ગયાં અને અંતે જાન નીકળી."

ગામના અગ્રણી મનુભાઈ ઠાકોર દલિતોની વાત સાથે સંમત થતા નથી અને તેઓ બબાલ પાછળ ડીજેને મૂળ મુદ્દો ગણાવે છે.

મનુભાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે બપોરના સમયે આ લોકો ખૂબ જોરજોરથી ડીજે વગાડતા હતા.

તેમણે કહ્યું, "અમારે ફળિયામાં બે લોકો બીમાર હતા એટલે અમે તેમને ડીજે ધીમેથી વગાડવાનું કહ્યું. તેમણે સમજ્યા વિના ઝઘડો શરૂ કરી દીધો. મંદિરમાં દર્શન કરવા કે વરઘોડો નહીં કાઢવા માટે કોઈ દબાણ કરવામાં આવ્યું ન હતું."

દલિત સામે ઠાકોર?

તાજેતરમાં બનેલી ઘટનાઓ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા દલિત આગેવાન કેવલસિંહ રાઠોડ કહે છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દલિત અને ઠાકોર સમાજને લડાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.

તેઓ કહે છે, "લગ્નની કંકોત્રીમાં સિંહ લખવાની વાત હોય, દલિતને મૂછ રાખવાની વાત હોય કે ઘોડે ચઢવાની વાત હોય દલિતોને હેરાન કરવામાં આવી રહ્યા છે."

"હવે ગામમાં દલિતોને લગ્નમાં પરેશાન કરવામાં આવી રહ્યા છે જે દર્શાવે છે કે ગુજરાતમાં દલિતોને અલગ પાડવાની કોશિશો થઈ રહી છે."

ઠાકોર સેનાના અગ્રણી અને તાજેતરમાં જ કૉંગ્રેસથી છૂટા પડેલા અલ્પેશ ઠાકોરે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ગુજરાતમાં તાજેતરમાં જે બનાવો બન્યા છે તેમાં ઠાકોર સેનાના કાર્યકર હોવાની વાત ઉછાળીને મને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

તેમણે કહ્યું, "આ પહેલાં પરપ્રાંતિયોના મામલે મને બદનામ કરવાની કોશિશો થઈ હતી."

"હું મારા મતવિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી દલિત ભાઈઓનાં લગ્નમાં ઠાકોર કાર્યકર્તા સાથે જાઉં છું અને જય ભીમના નારા પણ લગાવું છું. "

"હું માનવતાવાદમાં માનનારો માણસ છું મને સુનિયોજિત રીતે બદનામ કરવામાં આવી રહ્યો છું."

સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે દલિતોની ગંભીર સ્થિતિ અંગે અધિકારીઓ સાથે મંત્રણા કરતા હોવાનું કહીને વાત કરવાનું ટાળ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો