ભારતમાં દલિતો વિરુદ્ધ વધી રહેલી હિંસા માટે જવાબદાર કોણ?

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

'ઍમ્નેસ્ટી ઇન્ડિયા'ના જણાવ્યા અનુસાર વર્ષ 2018માં ભારતમાં નોંધાયેલા 'હૅટ ક્રાઇમ' (ઘૃણા આધારિત હિંસા)ના કિસ્સા પૈકી 65 ટકા કેસ દલિતો પર હિંસાના નોંધાયા છે. ઉત્તર પ્રદેશ બાદ ગુજરાતમાં સૌથી વધુ ઘૃણા આધારિત હિંસાના કિસ્સા નોંધાયા હોવાનું પણ સંસ્થાના ડેટા જણાવે છે.

મીડિયાના અહેવાલોના આધારે તૈયાર કરાયેલા આ ડેટાને સંસ્થાની સંવાદાત્મક વેબસાઇટ 'હૉલ્ટ ધી હૅટ' પર રજૂ કરાયા છે. તેમાં જણાવાયું છે કે ગત વર્ષે આવા કુલ 218 કિસ્સા નોંધાયા હતા.

જેમાંથી 142 દલિત વિરુદ્ધ આચરવામાં આવ્યા હતા. જ્યારે મુસ્લિમો વિરુદ્ધ 50 બનાવો બન્યા હતા. આ ઉપરાંત ખ્રિસ્તી, આદિવાસી અને ટ્રાન્સજૅન્ડર વિરુદ્ધ પણ આઠ-આઠ આવી ઘટનાઓ નોંધાઈ હતી.

'ઍમ્નેસ્ટી ઇન્ડિયા'ના ઍક્ઝિક્યૂટિવ ડિરેક્ટર આકાર પટેલે આ અંગે જણાવ્યું છે, "એક ચોક્કસ જૂથ સાથે સંકળાયેલા લોકોને નિશાન બનાવતી આવી ઘટનાઓમાં ન્યાયની ખાતરી અપાવવા અને સજામાંથી બચી જવાની ઘટનાઓને અટકાવા માટે સૌ પહેલાં આવી ઘટનાઓને ઉજાગર કરવાનું પગલું ભરાવવું જોઈએ."

પટેલ ઉમેરે છે, "આગામી ચૂંટણી બાદ જે પણ સરકાર આવે તેની પ્રાથમિકતા એવા કાયદાકીય સુધારાની હોવી જોઈએ કે જ્યાં હૅટ ક્રાઇમની ઘટનાઓ નોંધાવામાં આવે અને જવાબદારી નક્કી કરવામાં આવે."

વર્ષ 2015ના સપ્ટેમ્બર માસમાં ઉત્તર પ્રદેશમાં અખલાકની હત્યા કરાઈ ત્યારથી 'હૉલ્ટ ધી હૅટ' દ્વારા ઘૃણા આધારિત હિંસા પર નજર રખાઈ રહી હતી.

જે અનુસાર અત્યારસુધી આવી કુલ 721 ઘટનાઓ નોંધાઈ હોવાનું પણ જણાવાયું છે.

આ ડેટા અનુસાર સતત ત્રીજા વર્ષે ઉત્તર પ્રદેશમાં ઘૃણા આધારિત હિંસાની સૌથી વધુ 57 ઘટના બની છે. જ્યારે ગુજરાતમાં આવી કુલ 22 ઘટના નોંધાઈ છે.

'ક્ષુલ્લક કારણમાં અધમ હિંસા'

દલિત કર્મશીલ ચંદુ મહેરિયા સાથે બીબીસી ગુજરાતીએ આ અંગે વાત કરી.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં મહેરિયાએ જણાવ્યું, "દલિતો વિરુદ્ધ ઘૃણા આધારિત હિંસાની આવી ઘટનાઓ હાલમાં જ બની હોય એવું નથી."

છેલ્લા થોડા સમય દરમિયાન દલિતો વિરુદ્ધ ઘટેલી અત્યાચારની ઘટનાઓનું ઉદાહરણ આપતા મહેરિયા જણાવે છે, "પાંચ હજાર વર્ષથી દલિતો આવી ઘટનાનો ભોગ બનતા રહ્યા છે. દલિતો વિરુદ્ધની આવી હિંસાની પૅટર્ન જોતાં જણાશે કે અત્યંત ક્ષુલ્લક કારણમાં અધમ હિંસા આચરવામાં આવી હોય."

ભારતીય બંધારણમાં રહેલી બંધુત્વની ભાવનાને આગળ ધરતા મહેરિયા ઉમેરે છે, "ભારતીય બંધારણમાં મુખ્ય ત્રણ આદર્શોનો સમાવેશ કરાયો છે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ."

"આપણને સ્વતંત્રતા મળી ગઈ અને સમાનતા પણ આવી ગઈ. જોકે, ભાતૃભાવ હજી સુધી આપણામાં વિકસી શક્યો નથી."

"બંધુત્વની ભાવના કાયદાથી ના વિકસી શકે. એ માટે માણસે જાતે જ પ્રયત્નો કરવા ઘટે અને એવા પ્રત્યનો સમાજમાં નથી થઈ રહ્યા."

'મુખ્ય ત્રણ કારણ જવાબાદાર'

દલિત કર્મશીલ માર્ટિન મૅકવાન દલિતો વિરુદ્ધ 'હૅટ ક્રાઈમ'ની ઘટના માટે મુખ્ય ત્રણ કારણો જવાબદાર ગણાવે છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "એક તો દલિતોની પ્રગતિ અન્ય સમાજને ખટકી રહી છે."

"બીજું દલિત વિરુદ્ધ હિંસાની ઘટનાઓમાં કાયદો અને વ્યવસ્થાને જાળવવાની જવાબદારી જેમના માથે છે એ લોકો નિષ્પક્ષ રહી શકતા નથી."

"ત્રીજું કારણ એ કે દલિતોમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જ્યોતીબા ફૂલેને કારણે જે વૈચારિક ક્રાંતિ સર્જાઈ એવી સામાજિક સુધારણાની ક્રાંતિ બિનદલિતોમાં થઈ નથી."

બિનદલિતોમાં જૂની માનસિક્તા વધુ દૃઢ બની હોવાનું જણાવતા મૅકવાન ઉમેરે છે, "આપણે એક દેશ નહીં પણ વિભાજિત દેશ છીએ."

"એક જ ગામમાં તમને બે દેશો જોવા મળશે. રહેઠાણ અલગ, કૂવો અલગ, સ્મશાન અલગ."

તમે આ વાંચ્યું કે નહીં?

એમ.એસ. યુનિવર્સિટીના અધ્યાપક ડૉ.ભરત મહેતા આવી ઘટના પાછળ રાજકારણને જવાબદાર ગણે છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "દેશમાં કટ્ટરવાદ જેટલો વધશે, આવી ઘટનાઓમાં એટલો જ વધારો થશે."

"નફરત આધારિત આવી ઘટનાઓના દોષીતોને રાજકીય લાભ મળવા લાગ્યા છે."

"જ્ઞાતિ આધારિત ગુનાઓને રોકવા માટે શાસનમાં જે નિષ્પક્ષતા જોઈએ એ જમણેરી પરીબળો સરકારમાં આવતાં ઘટી છે. એટલે આવા ગુનાઓનું પ્રમાણ વધ્યું છે."

મહેતા જણાવે છે, "દેશનું બિનસાંપ્રદાયિક માળખું તૂટી રહ્યું છે, એટલે જ્ઞાતિ આધારિત, લિંગભેદ આધારિત અને લઘુમતી વિરુદ્ધના ગુનાઓનું પ્રમાણ વધવા લાગ્યું છે."

ગુજરાતમાં દલિતોની સ્થિતિ

(છેલ્લાં 17 વર્ષ દરમિયાન ગુજરાતમાં નોંધાયેલા દલિત અત્યાચારના કિસ્સા, સ્રોત: પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગુજરાત રાજ્ય )એક આરટીઆઈમાં આવેલી માહિતી અનુસાર વર્ષ 2018માં ગુજરાતમાં દલિતો વિરુદ્ધ અત્ચાચારની કુલ 1,545 ઘટનાઓ નોંધાઈ હતી. જેમાં 22 હત્યા, 104 દુષ્કર્મ તેમજ 81 ગંભીર ઈજાની ઘટનાઓ સામેલ છે. આમાં સૌથી વધુ કિસ્સા અમદાવાદમાં નોંધાયા હતા.

  • ગત વર્ષે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક દલિત પરિવારે લગ્નની આમંત્રણ પત્રિકામાં નામની સાથે 'સિંહ' લખાવતાં પરિવારને ધમકીઓ મળી હતી.
  • જુલાઈ-2016માં ઉનામાં કથિત ગોરક્ષકોના હુમલાનો ભોગ બનેલા ઉનાના સરવૈયા પરિવારના સભ્યોએ એપ્રિલ-2018માં બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો.
  • માર્ચ-2018માં ભાવનગર જિલ્લાના ટીંબી ગામ ખાતે ઘોડો રાખવાના કારણસર દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી. પરિવારે રાજપૂતો સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તપાસ બાદ દાવો કર્યો હતો કે છેડતીના મામલે હત્યા થઈ હતી.
  • ઑક્ટોબર-2017માં મૂછો રાખવાના કારણસર ગાંધીનગરમાં દલિત યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આવી કેટલીક ઘટનાઓ બાદ દલિત યુવકોએ વૉટ્સઍપ તથા ફેસબુકના પ્રોફાઇલ ફોટોઝ તશા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર #MrDalit અને #DalitWithMoustache સાથે મૂછને તાવ દેતી તસવીરો પોસ્ટ કરી હતી. પોલીસે એ તેના રિપોર્ટમાં આ વિગતો ખોટી હોવાનું જણાવ્યું હતું.
  • ઑક્ટોબર-2017માં નવરાત્રી દરમિયાન આણંદમાં ગરબા જોવા ગયેલા દલિત યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. આ સંદર્ભે આઠ પાટીદારોની ધરપકડ કરવામાં આવી હતી.
  • સપ્ટેમ્બર-2016માં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કરજા ગામે દલિતો સાથે મારઝૂડ કરવામાં આવી હતી. આ પરિવારે મૃત ઢોર ઉપાડી જવાનો ઇન્કાર કર્યો હતો.
  • જુલાઈ-2016માં ઉનામાં મૃત પશુઓનું ચામડું ઉતારવાના કામ સાથે સંકળાયેલા દલિતો સાથે મારઝૂડ કરવામાં આવી હતી. એ વીડિયોએ ગુજરાત સહિત દેશભરના લોકોની સંવેદનાને ઝંઝોળી હતી.એ ઘટના બાદ અનેક દલિત પરિવારોએ ચામડું ઉતારવાનું પરંપરાગત કામ છોડવાની પ્રતિજ્ઞા લીધી હતી.
  • 2012માં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે પોલીસ ફાયરિંગમાં ત્રણ દલિત યુવકોનાં મૃત્યુ થયાં હતાં. એ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ઘટનાની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની સમિતિ નીમવામાં આવી હતી. જોકે, તેનો અહેવાલ હજુ પણ જાહેર કરવામાં નથી આવ્યો.

આખરે શો ઉકેલ?

આજે પણ ગુજરાતનાં અનેક ગામડાંઓમાં દલિતોને મંદિરમાં પ્રવેશવા દેવામાં નથી આવતા. મૃત્યુ બાદ પણ ભેદભાવ ચાલુ રહે છે અને કેટલાંક ગામડાંઓમાં દલિતોને માટે અલગ સ્મશાનગૃહ હોય છે.'નેશનલ ક્રાઈમ રૅકૉર્ડ બ્યુરો'ના વર્ષ 2016ના રિપોર્ટ અનુસાર દલિતો પર અત્યાચારના મામલે (પ્રતિ લાખ દીઠ) ગુજરાતનો સમાવેશ દેશના 'સૌથી ખરાબ પાંચ રાજ્યો'માં થાય છે.

અગાઉ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વર પરમારે રાજ્યમાં વધી રહેલી દલિતો વિરુદ્ધ હિંસાની ઘટના પાછળ વિપક્ષનું રાજકારણ જવાબદાર ઠેરવ્યું હતું.

ભાજપ સરકાર દલિતો મુદ્દે અત્યંત ગંભીર અને સંવેદનશીલ હોવાની વાત પણ પરમારે કરી હતી. ચંદુ મહેરિયા જણાવે છે, "આવી ઘટનાઓ પાછળ જાતિનું ગુમાન જવાબદાર હોય છે. જ્યાં સુધી સમાજની માનસિકતામાં પરિવર્તન નહીં આવે આવી ઘટનાઓ નહીં અટકે."

માર્ટિન મૅકવાનનું માનવું છે, "આ પ્રકારનું દૂષણ શિક્ષણથી દૂર થઈ શકે પણ મુશ્કેલી એ છે કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં તેને દૂર કરવા ખાસ મહત્ત્વ નથી અપાતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો