નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર લાગ્યું ગોડસેનું ગ્રહણ - દૃષ્ટિકોણ

    • લેેખક, રાજેશ જોશી
    • પદ, રેડિયો સંપાદક, બીબીસી હિંદી

શું તમે કદી નરેન્દ્ર મોદી અને અમિત શાહને લાચાર સ્થિતિમાં જોયા છે? તેઓ જે કરે છે છાતી ઠોકીને કરે છે અને એના પર કદી અફસોસ નથી કરતા. કોઈ મુદ્દે સ્પષ્ટીકરણ આપવાની જરૂર પણ ભાગ્યે જ અનુભવે છે.

ગુજરાતમાં થયેલાં 2002ના રમખાણો હોય, સોહરાબુદ્દિન ફેક ઍન્કાઉન્ટર હોય, જજ લોયાની હત્યા હોય, અમિત શાહ સામે લાગેલા તમામ પ્રકારના આરોપ હોય, નોટબંધી હોય, ટોળા દ્વારા થયેલી ઘાતકી હત્યાઓ હોય કે પછી બૉમ્બ વિસ્ફોટ કેસના આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડાવવાનો નિર્ણય હોય-તમે કદીયે મોદી અને શાહને બૅકફૂટ પર નહીં જોયા હોય.

નાથુરામ ગોડસે કદાચ એકલું એવું ઐતિહાસિક ચરિત્ર છે જેમણે ઉગ્ર અને આક્રમક રાજનીતિ કરનારા મોદી અને અમિત શાહ જેવા નેતાઓને બૅકફૂટ પર ધકેલી દીધા છે.

મોદી-શાહે કહ્યું હતું કે પ્રજ્ઞા સિંહ ઠાકુરને ચૂંટણી લડાવવાનો નિર્ણય ભગવા આતંકવાદની વાત કરીને હિંદુ સંસ્કૃતિને બદનામ કરનારા સામે સાંકેતિક જવાબ આપવા માટે લેવાયો હતો.

પ્રજ્ઞા સિંહ ઠાકુર અત્યારે પણ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે અને જામીન પર જેલની બહાર છે. આ ટીકાની એમની પર કોઈ અસર નહોતી પડી.

હવે એ જ પ્રજ્ઞા સિંહ ઠાકુરને લીધે નરેન્દ્ર મોદી અને અમિત શાહને વારંવાર શરમ અનુભવવી પડે છે.

પહેલા પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે મુંબઈ હુમલામાં માર્યા ગયેલા પોલીસ અધિકારી હેમંત કરકરેને મેં શ્રાપ આપ્યો હતો.

ગુરૂવારે એમણે ગાંધીની હત્યા કરનાર વિશે કહ્યું કે ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે અને દેશભક્ત રહેશે.

માફી મંગાવવી મજબૂરી

જે પાર્ટી દેશભકિત પર કૉપીરાઇટનો દાવો કરતી હોય, જેના નેતાઓ હાલતા-ચાલતા ગમે તેને દેશદ્રોહીનું સર્ટિફિકેટ પકડાવીને પાકિસ્તાનમાં વસવાની સલાહ આપી દેતા હોય એમના એક હાઇ-પ્રોફાઇલ ઉમેદવાર મહાત્મા ગાંધીની હત્યા કરનારને દેશભક્ત કહે તો એ સવાલ ઊભો થાય જ કે શું ભાજપ અને સંઘ પરિવારનો રાષ્ટ્રવાદ અને નાથુરામ ગોડસેનો રાષ્ટ્રવાદ એકસરખો છે?

સવાલ એ પણ છે કે શું ગોડસેની દેશભકિત અને નરેન્દ્ર મોદીની દેશભકિત એકસરખી છે?

પ્રજ્ઞા સિંહના નિવેદનથી એક વાત સ્પષ્ટ હતી કે એમાં કોઈ હા-નાની ગુંજાશ નહોતી બચી.

સવાલોથી બચવા માટે મોદીને ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં કહેવું પડ્યું કે ગાંધીના નિવેદન અંગે એમણે માફી માગી લીધી છે એ અલગ વાત છે પરંતુ હું એમને કદી મનથી માફ નહીં કરી શકું.

એમણે એ જ ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં કહ્યું આ ખૂબ ખરાબ છે. દરેક રીતે નફરતને લાયક છે, ટીકાને લાયક છે. કોઈ પણ સભ્ય સમાજમાં આવો વિચાર અને ભાષા સ્વીકાર ન કરી શકાય.

પરંતુ ભાષાને મામલે ખુદ નરેન્દ્ર મોદીનો રૅકોર્ડ કંઈ ખાસ ઉજ્જવળ નથી રહ્યો.

ચૂંટણી દરમિયાન સંવાદી ભાષાનું સ્તર નીચે પાડવાનો એમના પર પણ આરોપ છે.

આખરે જ્યારે તેઓ એમનાં ભાષણોમાં કૉંગ્રેસની વિધવાનો ઉલ્લેખ કરતાં હતા તો કોના તરફ ઇશારો કરતા હતા?

ડિસ્લેક્સિયાવાળાં બાળકો વિશે પૂછાયેલા સવાલમાં જ્યારે તેઓ 40-50 વર્ષના બાળકોના ઇલાજની વાત કરીને મશ્કરી કરતા હતા ત્યારે ઇશારો કોની તરફ હતો?

ગુજરાતના મુખ્ય મંત્રીપદે હતા ત્યારે 'અમે બે અમારા પાંચ કે પછી રસ્તા પર પંચર કરનારાઓ પર ટોણાંઓ મારતા હતા ત્યારે એમના નિશાના પર કયો ગરીબ પંચર કરનારો હતો?

જ્યારે તેઓ એમની ચૂંટણી સભાઓમાં મિયાં શબ્દ પર ભાર આપીને પાકિસ્તાનના મુર્શરફને લલકારતા હતા કે પછી એ વખતના મુખ્ય ચૂંટણી અધિકારી જે. એમ. લિંગ્દોહ પર હુમલો કરતી વખતે વારંવાર એમનું આખુ ખ્રિસ્તી નામ જૅમ્સ માઇકલ લિંગ્દોહ બોલતા હતા, એ શું બાળકોનું સામાન્ય જ્ઞાન વધારવા માટે હતું?

આને લીધે પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને નફરત લાયક બતાવવું અને એમને મનથી માફ ન કરવાનું એલાન એ નરેન્દ્ર મોદીના વ્યકિતત્વ અને એમની બ્રાન્ડની રાજનીતિની વિરુદ્ધ જાય છે.

નામ લીધા વગર નરેન્દ્ર મોદીએ કેટલીક વાર ભાજપના સુબ્રમ્ણ્ય સ્વામી જેવા નેતાઓની નરમ ટીકા જરૂર કરેલી છે પરંતુ એમણે કદી ભાજપના ઉગ્ર નિવેદનબાજોને માફી માગવા માટે મજબૂર નથી કર્યા.

કાં તો તેઓ વિવાદાસ્પદ નિવેદનો પર મૌન સાધી લે છે અથવા તો સામાન્યીકરણ દ્વારા સાંકેતિક ભાષામાં પોતાને આવા નિવેદનોથી અસહમત દર્શાવવાની કોશિશ કરે છે.

પરંતુ ઉગ્ર હિંદુત્વના આઇકન બનેલાં પ્રજ્ઞા સિંહ ઠાકુર પાસેથી માફી મંગાવવી એ એમની મજબૂરી બની ગઈ હતી.

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જે રીતે સામ પિત્રોડાને જાહેરમાં આડા હાથે લીધા અને એમના 1984ના શીખ રમખાણોના નિવેદન પર માફી માગવાનું કહ્યું એ પછી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદન પર ઢાંકપિછોડો કરવાની ગુંજાશ નહોતી બચી.

ભગવો આતંક

લોકસભાની ચૂંટણી સમયે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસેને દેશભક્ત કહીને પ્રજ્ઞા ઠાકુરે મોદીના કરેલા પર લગભગ પાણી જ ફેરવી દીધું હતું.

મોદી અને શાહ કદી સ્વીકાર નહીં કરે પરંતુ પ્રજ્ઞા ઠાકુરના આવા નિવેદન પછી એમને ચૂંટણીમાં ઉતારવાના નિર્ણય પર એમને પસ્તાવો જરૂર થયો હશે.

આ આખો વિવાદ એવા સમયે થયો છે જ્યારે છેલ્લા તબક્કાનું મતદાન બાકી છે અને ભાજપ પ્રજ્ઞા ઠાકુરની ઉમેદવારીનો નિર્ણય ખોટો હતો એમ દર્શાવવા નથી માગતું.

એથી જ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થયેલી પત્રકાર પરિષદમાં જ્યારે પત્રકારોએ આ સવાલ કર્યો તો અમિત શાહે પ્રજ્ઞા ઠાકુરની ઉમેદવારીને ભગવા આતંક પર આરોપ લગાવનારા સામેનો સત્યાગ્રહ કહ્યો.

જેમના બળ પર મોદી અને અમિત શાહ આ સત્યાગ્રહ કરી રહ્યા છે એ શસ્ત્રવિહિન ગાંધીની હત્યા કરનારને દેશભક્ત માને છે.

જોકે, પ્રજ્ઞા ઠાકુર જ નહીં કેન્દ્રિય મંત્રી અનંત કુમાર હેગડે અને મધ્ય પ્રદેશના મીડિયા સંયોજક નલિન કતીલે પણ ગોડસે વિશે એવા વિવાદસ્પદ નિવેદનો આપ્યા છે જેને અમિત શાહ નજરઅંદાજ નહીં કરી શકે.

એમને ખબર છે કે ગાંધીના હત્યારાનું મહિમામંડન કરનાર આ દેશની જનતાની નજરમાં કેટલી ઝડપથી ફેંકાઈ જાય છે.

એટલે જ એમણે તરત જ ત્રણે નેતાઓ પાસેથી જવાબ માગ્યો છે અને દસ દિવસમાં સ્પષ્ટીકણ આપવાનું કહ્યું છે.

ભાજપના નેતા અનંત કુમાર હેગડે પણ ગાંધી વિશેનો દષ્ટિકોણ બદલવાની વકીલાત કરી રહ્યા હતા.

એમનું કહેવું હતું કે આ ચર્ચા પર ગોડસે ખુશ થશે. પાછળથી એમણે ટ્ટીટ ડિલીટ કરી દીધી અને કહ્યું કે એમનું ટ્ટિટર અકાઉન્ટ હૅક કરી લેવામાં આવ્યું હતું. પ્રજ્ઞા ઠાકુરે પણ માફી માગી લીધી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ગોડસે પર અસમંજસ

ગોડસેના ગુણ ગાઈને પાછળથી માફી માગી લેવાનો આ સિલસિલો નવો નથી.

ભાજપના સંસદસભ્ય સાક્ષી મહારાજે મોદી સરકાર બની તેના થોડા જ મહિનામાં સંસદભવનની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે જો ગાંધી દેશભક્ત હતા તો ગોડસે પણ દેશભક્ત હતા. આ નિવેદન પર વિવાદ થતાં સાક્ષી મહારાજે માફી માગી હતી.

એના થોડા સમય પછી હરિયાણાની ભાજપ સરકારમાં મંત્રી અનિલ વિજે નરેન્દ્ર મોદીને ગાંધી કરતા પણ મોટી બ્રાન્ડ ગણાવ્યા અને કહ્યું કે અત્યારે ગાંધીને ખાદી ગ્રામોદ્યોગના કેલેન્ડર પરથી હટાવ્યા છે, ધીમેધીમે ચલણી નોટ પરથી પણ હટાવી દઈશું.

પાછળથી એમણે એવું કહ્યું કે એમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું.

અનિલ વિજને સંઘે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી ભાજપમાં મોકલેલા છે અને તેમની સમગ્ર રાજકીય દીક્ષા સંઘની શાખાઓમાં થઈ છે.

ભાજપના નેતાઓ જ નહીં આરએસએસના દિવંગત સરસંઘચાલક પ્રોફેસર રાજેન્દ્ર સિંહ ઉર્ફ રજ્જૂ ભૈયા પણ માનતા કે ગોડસે અખંડ ભારતના વિચારથી પ્રભાવિત હતા. એમની માન્યતા ખોટી નહોતી પણ એમની રીત ખોટી હતી.

ભાજપ સહિત સમગ્ર આરએસએસ અને તેમની સાથે સંકળાયેલાં સંગઠનો મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને લઈને કાયમ અસમંજસની સ્થિતિમાં રહે છે. ના તો તેઓ ખુલીને ગોડસેની પૂજા કરી શકે છે કે ન તો ખુલીને ટીકા.

મોદી અને શાહના નિવેદનો પર ધ્યાન આપો તો એમાં પણ મહાત્મા ગાંધીની પ્રશંસા અને ભકિતભર્યા શબ્દો મળી આવશે પરંતુ નાથુરામ ગોડસે અને ગાંધીહત્યાની પ્રેરણા આપનાર વિચારો સામેની ટીકામાં કડક શબ્દો ભાગ્યે જ મળે.

ગોડસે પ્રેમ

સંઘ, ભાજપ અને નરેન્દ્ર મોદીના ઘણા સમર્થકો સોશિયલ મીડિયામાં ખુલીને ગોડસેના પક્ષમાં જોવા મળે છે. આમાંથી ઘણા લોકોને તો ખુદ વડા પ્રધાન મોદી ટ્ટિટર પર ફોલો કરે છે.

ગોડસે અને એમની વિચારધારાની ખુલીને ટીકા કરીને મોદી અને શાહ પોતાના આ સમર્થકોને ગુમાવવા નથી માગતા.

એટલે જ એમની વાતોમાં ગાંધીભકિત તો દેખાય છે પણ ગોડસેના વિચાર સામે સાફ વલણ જોવા નથી મળતું.

સંઘ પરિવારનો એક પક્ષ ગોડસેની સામે નતમસ્તક થવા માગે છે પણ ગાંધીનું વિરાટ વ્યક્તિત્વ એમને એવું કરવા નથી દેતું.

આમ છતાં ભાજપના નેતાઓ અનેકવાર એમનો ગોડસે પ્રેમ છુપાવી નથી શકતા અને તેને લીધે આખા પક્ષને બદનામી વહોરવી પડે છે.

આખરે ફાંસી થયાના 70 વર્ષે પણ ગોડસેને લઈને ભાજપ આટલો લાચાર અને મજબૂર કેમ છે?

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો