સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગથી ક્રિકેટ અને ક્રિકેટર્સને કઈ રીતે અને કેટલો લાભ?

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ક્રિકેટ નિષ્ણાતો અવારનવાર ફરિયાદ કરતા રહે છે કે મૅચ પ્રૅક્ટિસ અગત્યની છે.

ભારતીય ટીમ ટૂંક સમયમાં આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં રમવા માટે ઇંગ્લૅન્ડ જવાની છે.

વર્લ્ડ કપ અગાઉ ભારતીય ટીમ કેટલીક વૉર્મ-અપ મૅચો પણ રમવાની છે, પરંતુ ભારતીય ટીમ જ્યારે પણ આ પ્રકારના વિદેશપ્રવાસ કરે છે, ત્યારે એમ કહેવાય છે કે સિરીઝ અગાઉ વૉર્મ-અપ મૅચનું આયોજન જરૂરી હોય છે.

માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના તમામ ક્રિકેટ બોર્ડ ધીમે ધીમે આ પ્રકારની વૉર્મ-અપ મૅચથી દૂર થતા રહે છે, કેમ કે તેમને ખરી કમાણી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એટલે કે ટેસ્ટ કે વન-ડે કે આવી મેગા ઇવેન્ટમાંથી થતી હોય છે, પણ ખરેખર જોઈએ તો વૉર્મ-અપ મૅચ કે સ્થાનિક ક્રિકેટને કારણે જ આ રમત ધમધમતી રહી છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશને આ મામલે નવી પહેલી કરી છે.

અત્યારે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ (SPL)નું આયોજન કરવામાં આવ્યું છે.

ક્રિકેટને ધમધમતી રાખવી હશે તો ઇન્ટરનેશનલ ક્રિકેટ નહીં, પરંતુ સ્થાનિક ક્રિકેટની જરૂર પડશે એ બાબત સાથે તો સૌ કોઈ સહમત હશે, પણ ભાગ્યે જ કોઈ આ પ્રકારની પહેલ કરે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

દરેક શહેરમાં લીગ ક્રિકેટ

હવે તો મુંબઈ લીગ પણ શરૂ થઈ છે અને ધીમેધીમે સમગ્ર દેશમાં ટી-20 ક્રિકેટ લીગ રમાશે પણ તેનો યશ સૌરાષ્ટ્રને આપવો ઘટે.

રાજકોટમાં 14મી મેથી એસપીએલનો પ્રારંભ થયો અને તેની તમામ મૅચ રાજકોટના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.

હકીકતમાં આ પ્રકારના ક્રિકેટને કારણે જ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમાય છે તેમ કહીએ તો અતિશયોક્તિ નહીં લેખાય.

દરેક શહેરમાં લીગ ક્રિકેટ રમાતી જ હોય છે, પરંતુ તેના આયોજનની સ્ટાઇલ અલગ હોય છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) લોકપ્રિયતાના શિખર પર છે અને તે જ સ્ટાઇલથી એસપીએલનું આયોજન કરાયું છે.

મનોરંજન અને વૉર્મ-અપ

રંગીન યુનિફૉર્મ, ખેલાડીઓનું ડ્રાફ્ટિંગ અને લાઇવ ટેલિકાસ્ટ- આ તમામ પાસાંને આ લીગમાં આવરી લેવામાં આવ્યાં છે.

આ ઉપરાંત તમામ ટીમને બૅલેન્સ કરવા માટે પણ ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે તો તેને નામ પણ સૌરાષ્ટ્રના ઇતિહાસને છાજે તે રીતે આપવામાં આવ્યા છે.

એક સમયે સૌરાષ્ટ્ર અલગઅલગ રજવાડાંઓનું બનેલું હતું, જેમાં સોરઠ, હાલાર, ગોહિલવાડ, કચ્છનો સમાવેશ થતો. હવે એસપીએલમાં આ પ્રાંતની ટીમોનાં નામ આપવામાં આવ્યાં છે.

જેથી રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, ગાંધીધામ-ભુજ, જામનગર તમામનું પ્રતિનિધિત્વ આ લીગમાં રહેશે.

અમદાવાદ કે રાજકોટ કે ગુજરાતનો અત્યારે એવો કોઈ ક્રિકેટર નહીં હોય જે સ્થાનિક ક્રિકેટમાં રમ્યો ન હોય.

તમામ શહેરમાં એક મેજર ટુર્નામેન્ટ હોય છે.

આ ઉપરાંત કૉર્પોરેટ લીગ ટી-20 ટુર્નામેન્ટની સંખ્યા પણ ધીમેધીમે વધી રહી છે.

જોકે, આ ટુર્નામેન્ટ ખેલાડીને આગળ લાવવા માટે નહીં, પરંતુ મનોરંજનની સાથે સાથે વૉર્મ-અપનું કામ કરે છે.

જિલ્લા કે સ્ટેટની ટીમમાં સ્થાન હાંસલ કર્યા બાદ ખેલાડી દરરોજ કોઈને કોઈ ટુર્નામેન્ટમાં હિસ્સો લેતા થયા છે તેની પાછળ આ કૉર્પોરેટ લીગનું ઘણું મોટું યોગદાન છે.

કેમ ઉચ્ચ દરજ્જાની મૅચોમાં સફળતા મળતી નથી?

અત્યારે ગુજરાત-સૌરાષ્ટ્ર કે બરોડાની ટીમમાંથી રમી રહેલા ખેલાડી રણજી ટ્રૉફી બાદ તેમને બીસીસીઆઈની કોઈ ટુર્નામેન્ટમાં રમવાનું ન હોય ત્યારે આવી કૉર્પોરેટ લીગમાં રમીને પ્રૅક્ટિસ કરી લેતા હોય છે.

વળી આ પ્રકારની લીગ પ્રૉફેશનલ બની ગઈ છે એટલે તેમાંથી તેમને મબલક પુરસ્કાર પણ મળી રહેતા હોય છે.

રાજ્યના જે શહેરમાંથી ખેલાડીઓ આવતા નથી ત્યાં તપાસ કરીએ તો ખ્યાલ આવશે કે જે તે શહેરના ક્રિકેટ સત્તાવાળાઓનું માળખું જ એ પ્રકારનું હોય છે જ્યાં લીગને કોઈ અવકાશ રહેતો નથી.

આમ થાય ત્યારે ખેલાડીને વર્ષમાં માત્ર સત્તાવાર ટુર્નામેન્ટ સિવાય ક્યાંય રમવા મળતું નથી અને એ સંજોગોમાં તેમને મૅચ પ્રૅક્ટિસ મળતી નથી.

આમ ઉચ્ચ દરજ્જાની સ્પર્ધામાં તેઓ રમવા જાય ત્યારે નિષ્ફળ રહેવાની શક્યતા વધી જતી હોય છે અને અંતે ટીકા એવી થાય છે કે નાનાં શહેરોમાંથી ખેલાડી મળતા નથી.

લીગ ટુર્નામેન્ટનું સારું પરિણામ

હવે એવું રહ્યું નથી. ભારતીય ટીમમાં પણ હવે માત્ર મુંબઈ કે દિલ્હી કે બેંગલુરુના ખેલાડીઓનો ઇજારો રહ્યો નથી.

મહેન્દ્ર સિંહ ધોની રાંચીથી આવ્યા તો અક્ષર પટેલ નડિયાદથી, જસપ્રિત બુમરાહ અમદાવાદથી તો રવીન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારા જામનગર-રાજકોટથી આવ્યા અને આજે વિશ્વભરમાં છવાઈ ગયા છે તે માટે આ પ્રકારની લીગ ટુર્નામેન્ટ અને તેના પ્રસારનો આભાર માનવો જોઈએ.

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનું જીવંત પ્રસારણ સ્ટાર ક્રિકેટ પરથી થઈ રહ્યું છે તેનો અર્થ એ થયો કે સમગ્ર દેશ અને વિશ્વના અન્ય દેશોમાં આ ટુર્નામેન્ટની મૅચો નિહાળવા મળશે.

ક્રિકેટ નિષ્ણાતો અને પસંદગીકારો પણ આ મૅચ અને તેમાં રમી રહેલા ખેલાડીઓની રમત નિહાળશે.

સમજી-વિચારીને કર્યું એસપીએલનું આયોજન

અગાઉ મુંબઈથી ઘણા ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલે આવતા હતા તેનું કારણ એ હતું કે મુંબઈમાં બારે માસ ક્રિકેટ રમાય છે. આઝાદ મેદાન કે ક્રોસ મેદાન પર એકસાથે સંખ્યાબંધ મૅચો રમાતી હોય છે.

યુવાન ખેલાડી ક્રિકેટમાંથી નવરા જ પડતા નથી અને તેથી જ મુંબઈ પાસે હંમેશાં ઉચ્ચ દરજ્જાના ક્રિકેટર મળી રહે છે.

જેમાં સુનીલ ગાવસ્કર, સચીન તેંડુલકર, વિનોદ કાંબલી, સંજય માંજરેકર, રોહિત શર્મા કે અમોલ મજુમદાર, સૂર્યકુમાર યાદવ, અજિંક્યા રહાણે, આદિત્ય તરે કે શ્રેયસ ઐય્યર પણ તેમાંથી બાકાત નથી.

આમ, મૂળ પાયામાં લીગ ક્રિકેટ છે જે આ રમતને ધમધમતી રાખે છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશને આ લીગનું સમજી-વિચારીને આ લીગનું આયોજન કર્યું છે.

તેમાં રાજ્યમાં રમતા રણજી ક્રિકેટર, અંડર-23 ક્રિકેટર અને જુનિયર ક્રિકેટર માટે અલગઅલગ ગ્રૂપ બનાવી દેવાયાં અને ત્યારબાદ ટીમના માલિકોને આ તમામમાંથી ખેલાડીને પસંદ કરવાનું કહેવામાં આવ્યું.

આપને આ પણ વાંચવું ગમશે

ગ્રૂપ-એમાં રણજી ટ્રોફી કે વિજય હઝારે અને સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં રમ્યા હોય તેવા ખેલાડી, જ્યારે બીજા ગ્રૂપમાં સૌરાષ્ટ્ર માટે અંડર-23 રમ્યા હોય અથવા તો આ સિઝન અગાઉ સિનિયર ટીમમાં રમ્યા હોય તેવા ખેલાડી અને ગ્રૂપ-સીમાં અંડર-19 કે વિવિધ ડિસ્ટ્રિક્ટ માટે રમેલા ખેલાડીને સામેલ કરાયા.

ટીમને બૅલેન્સ કરવા માટે તમામ ટીમમાલિકોએ આ તમામ ગ્રૂપમાંથી ખેલાડીની પસંદગી કરવાની રહે.

દરેક ખેલાડીને મૅચ ફી મળશે અને એકદમ આઈપીએલની માફક તેમની ખરીદી થઈ નથી, પરંતુ વિવિધ ફ્રેન્ચાઇઝી તરફથી મળેલી ફીમાંથી આ ખેલાડીઓને રકમ ચૂકવાશે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન પણ તેમાં આર્થિક રીતે સિંહફાળો આપશે.

વળી, ટીમના સુપરસ્ટાર ખેલાડી ચેતેશ્વર પૂજારા અને જયદેવ ઉનડકટને અલગઅલગ ટીમમાં પસંદ કરવામાં આવે તેવી પણ જોગવાઈ કરવામાં આવી હતી.

જેમ કે દરેક ટીમે 17 પ્લેયર્સની જ પસંદગી કરવાની અને તેમાં ગ્રૂપ-એમાંથી ચાર, બી-માંથી છે કે સાત અને સી-ગ્રૂપમાંથી બાકીના ખેલાડીએ ફરજિયાતપણે લેવાના રહે.

આમ, તમામ ટીમમાં સિનિયર અને જુનિયર ખેલાડી આપોઆપ આવી જાય.

ક્રિકેટ રહેશેમધમતી

સૌરાષ્ટ્રની જ વિવિધ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને કોચિંગનો અનુભવ ધરાવતા હોય તેમને આ તમામ ટીમના કોચ તરીકે નિયુક્ત કરાયા હતા.

હાલમાં આઈપીએલ કે અન્ય કોઈ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ નથી રમાતી.

બીસીસીઆઇની વિવિધ ટુર્નામેન્ટ પણ રમાતી નથી તે સંજોગોમાં તમામ ખેલાડી ઉપલબ્ધ છે તેની ખાસ તકેદારી લેવાઈ હોવાને કારણે લીગ વધુને વધુ બહેતર ખેલાડીઓથી રમાશે.

આ ઉપરાંત આ લીગ પ્રૉફેશનલ ઢબે યોજાઈ હોવાથી ખેલાડીઓને પણ નુકસાન નથી.

સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે ક્રિકેટ ધમધમતી રહેશે.

જામ રણજી, વિનુ માંકડ, સલીમ દુરાનીથી લઈને ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટ જેવા ઇન્ટરનેશનલ સ્ટાર આપનારી સૌરાષ્ટ્રની ભૂમિ પર આઈપીએલની કક્ષાની આ લીગ રમાતી હોવાનો ભવિષ્યમાં ભારતીય ક્રિકેટને પણ મોટો લાભ થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો