JDUએ બિહાર માટે વિશેષ રાજ્યના દરજ્જાની માગ ફરી ઉઠાવી તેની પાછળનું કારણ શું?

    • લેેખક, અભિમન્યુ કુમાર સાહા
    • પદ, બીબીસી સંવાદદાતા

માર્ચ 2014 : "અમારું અભિયાન સ્પષ્ટ છે, બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ."

ઑગસ્ટ 2015 : "બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવો એ મોદી સરકારનો દગો."

ઑગસ્ટ 2016 : "જ્યાં સુધી બિહાર જેવા પછાત રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી રાજ્યનો યોગ્ય વિકાસ શક્ય નથી."

ઑગસ્ટ 2017 : "પીએમ મોદી જેવું કોઈ નહીં, પાર્ટીનું વિશેષ દરજ્જા મુદ્દે મૌન."

મે 2019 : "ઓડિશા સાથે બિહાર અને આંધ્ર પ્રદેશને પણ વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ."

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા મુદ્દે નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યૂનાઇટેડનું સ્ટૅન્ડ છેલ્લાં પાંચ વર્ષમાં કંઈક આ રીતે બદલાયું છે.

આ દરમિયાન કેન્દ્રની સરકાર અને રાજ્યમાં તેમના સહયોગીઓ તો બદલાયા છે, પણ બિહારની સત્તા પર નીતીશકુમાર જ યથાવત્ રહ્યા છે.

સંયોગની વાત એ રહી કે જ્યારે જ્યારે જેડીયૂ વિશેષ દરજ્જા મુદ્દે આક્રમક થયું, ત્યારે કેન્દ્ર અને રાજ્યમાં અલગઅલગ ગઠબંધનની સરકારો હતી.

જેવી બંને જગ્યાએ એનડીએની સરકાર બની કે પાર્ટીએ આ મુદ્દે મૌન સેવી લીધું.

હવે લોકસભા ચૂંટણીનાં છ તબક્કા પૂરાં થયાં બાદ પાર્ટીએ ફરી એક વખત રાજ્યને વિશેષ દરજ્જો આપવાનો રાગ આલાપવાનો શરૂ કરી દીધો છે.

જેડીયૂના મહાસચિવ અને પ્રવક્તા કે. સી. ત્યાગીએ આ વખતે બિહાર સાથે ઓડિશા અને આંધ્ર પ્રદેશને પણ વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી છે.

તેમણે તાજેતરમાં એક નિવેદન જાહેર કરીને કહ્યું, "વર્ષ 2000માં બિહારના વિભાજન બાદ રાજ્યમાંથી પ્રાકૃતિક સંસાધનોના ભંડાર અને ઉદ્યોગ છીનવાઈ ગયા છે."

"રાજ્યનો વિકાસ જેવો થવો જોઈતો હતો એવો થયો નહીં. હવે સમય આવી ગયો છે કે કેન્દ્રનું નાણાપંચ આ અંગે ફરી વિચાર કરે."

હાલ કેન્દ્ર અને રાજ્ય બંનેમાં એકસરખા ગઠબંધનની સરકાર છે અને લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. ત્યારે જેડીયૂના આ નિવેદનથી રાજકીય માહોલમાં હલચલ મચી ગઈ છે.

અલગઅલગ પ્રકારનાં અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે.

19 મેના રોજ અંતિમ તબક્કાનું મતદાન થશે અને નીતીશ કુમારના વિરોધીઓનું કહેવું છે કે તેઓ વધુ એક વખત પલટી મારવાની તૈયારીઓ કરી રહ્યા છે. સાથે જ જાણકારો તેને 'સગવડનું રાજકારણ' પણ કહે છે.

જોકે, જેડીયૂ આ દરેક આરોપોને નકારે છે અને ભાજપ સાથેના સંબંધોમાં પોતાની પ્રતિબદ્ધતા દાખવી રહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ભાજપનો સાથ છોડશે જેડીયૂ?

કે. સી. ત્યાગીએ બીબીસીને કહ્યું કે તેઓ ઓડિશા સાથે સાથે આંધ્ર પ્રદેશને પણ વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના સમર્થનમાં છે, કારણ કે તેની સ્થિતિ પણ ભાગલા પછી ખરાબ થઈ છે અને જગમોહન રેડ્ડીની વિશેષ રાજ્યની માગનું સમર્થન કરે છે.

તાજેતરમાં જ ફોની તોફાનના કારણે ઓડિશાને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે. ત્યારબાદ ત્યાંના મુખ્ય મંત્રી નવીન પટનાયકે કેન્દ્ર પાસે રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માગ ઉઠાવી છે.

ઉપરાંત આંધ્ર પ્રદેશમાં સત્તાધારી પક્ષ તેલુગૂ દેશમ પાર્ટી અને વિપક્ષ નેતા જગમોહન રેડ્ડી પણ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરતા રહ્યા છે.

છેક અટલ બિહારી વાજપેયીના સમયથી એનડીએ સાથે રહ્યા પછી આ જ મુદ્દે ગયા વર્ષે માર્ચ મહિનામાં તેલુગુ દેશમ પાર્ટી કેન્દ્રની એનડીએના ગઠબંધનમાંથી અલગ થઈ ગઈ હતી.

કે. સી. ત્યાગીના આ નિવેદનથી રાષ્ટ્રીય જનતા દળે નીતીશ કુમાર પર નિશાન સાધતા ફરી એક વખત તેમની પલટી મારવાની શક્યતા વ્યક્ત કરી છે.

પાર્ટી પ્રવક્તા શક્તિસિંહ યાદવે બીબીસીને કહ્યું, "જનતાના મનમાં જે સંશય છે, તેની પૃષ્ઠભૂમિ તૈયાર થઈ રહી છે."

"પલટી મારવી એ નીતીશ કુમારનો સ્વભાવ છે, તેમને એ વાતનો અનુભવ છે. જેડીયૂને લાગે છે કે દેશમાં ભાજપની સરકાર નહીં બને. તેથી જ તેઓ હવે આ મુદ્દો ઉઠાવી રહ્યા છે."

નવેમ્બર 2015માં બિહારમાં જેડીયૂએ આરજેડી અને કૉંગ્રેસ સાથે મળીને રાજ્યમાં ત્રીજી વખત સરકાર બનાવી હતી.

જુલાઈ 2017માં જેડીયૂએ આરજેડીનો સાથ છોડ્યો અને એનડીએમાં ફરી જોડાવવાનો નિર્ણય કર્યો, ત્યારથી તેઓ આ માગ બાબતે મૌન થઈ ગયા હતા.

ચૂંટણીના અંતિમ ચરણમાં જેડીયૂની આ માગને નીતીશ કુમારની દબાણ વધારવાની રણનીતિ તરીકે જોવામાં આવે છે.

જાણકારો માને છે કે વિશેષ રાજ્યના દરજ્જાનો મુદ્દો ફરી ઉઠાવવો એ ભાજપને અસહજ સ્થિતિમાં મૂકી શકે છે, કારણ કે દેશના નાણા મંત્રી અને પાર્ટીના મોટા નેતા અરુણ જેટલી અગાઉ જ આ માગને ફગાવીને કહી ચૂક્યા છે કે હવે માગણીઓનો દોર સમાપ્ત થઈ ચૂક્યો છે.

ત્યારે હવે એ સવાલ ઊઠે છે કે આરજેડીનો આક્ષેપ સાચો સાબિત થશે અને જેડીયૂ પણ ટીડીપીના રસ્તે ચાલશે. આ અંગે ત્યાગી કહે છે:

"અમે ભાજપ સાથે ગઠંબંધન પણ રાખીશું અને માગ પણ મૂકીશું. આ માગ બહુ જૂની છે. 2004થી અમે આ માગ કરી રહ્યા છીએ."

"નવું પ્રકરણ તો નવીન પટનાયકની માગથી શરૂ થયું છે, અમે તો માત્ર અમારી માગ દોહરાવી છે."

પરંતુ ભાજપ તમારો સહયોગી છે, તો પછી વિશેષ રાજ્યનો દરજ્જો કેમ ન મળ્યો, આ સવાલના જવાબમાં કે. સી. ત્યાગી થોડા ગુસ્સા સાથે કહે છે:

"હાલ ચૂંટણી ચાલે છે. તમે તો એવી વાત કરો છો જાણે અમે આજે માગ કરી અને અમને કાલે દરજ્જો મળી જશે."

"જરૂરી નથી કે દરેક માગ માની લેવાય, જરૂરી નથી કે અમે દરેક માગ ઉઠાવવાનું બંધ કરી દઈએ."

બંને પક્ષો વચ્ચે મતભેદ?

જરૂરી નથી કે દરેક માગ માની લેવાય... ત્યાગીના આ નિવેદનને જેડીયૂના ભાજપ પરના ઘટતા વિશ્વાસરૂપે લેવામાં આવે છે.

પ્રદેશ ભાજપના પ્રવક્તા નિખિલ આનંદ આ શંકાને નકારે છે અને બંને પક્ષના સંબંધોને મજબૂત ગણાવે છે.

નિખિલ આનંદે બીબીસીને કહ્યું, "બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે, બિહારને વિશેષ સુવિધા મળે અને તેના વિકાસ માટે જે પણ પ્રકારની સહાયતા મળે તેનું અમે સમર્થન કરીએ છીએ. આ બાબતે એનડીએમાં કોઈ જ કન્ફ્યૂઝન નથી."

તેઓ બિહારને અલગ દરજ્જો નહીં આપવાના નાણા મંત્રી અરુણ જેટલીના નિવેદનને દોહરાવતા કહે છે કે નીતિ આયોગ પાસે માત્ર બિહારનો જ મુદ્દો નથી, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને અન્ય રાજ્યોના મુદ્દા પણ છે.

"કૉંગ્રેસના કાર્યકાળમાં પણ વિશેષ દરજ્જો મળ્યો નહોતો. જોકે, મોદી સરકારમાં ઘણા ઉદ્યોગ-ધંધા વિકસ્યા છે. રાજ્યને કેન્દ્રની ઘણી યોજનાઓનો લાભ મળ્યો છે."

વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની ટેકનિકલ બાબતો

વર્ષ 2011માં સરકારે સંસદને જણાવ્યું કે દેશનાં કુલ 11 રાજ્યોને વિશેષ દરજ્જાની શ્રેણીમાં મૂકવામાં આવ્યાં છે.

તે વખતે સરકારે પણ કહ્યું હતું કે ચાર રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો આગ્રહ કર્યો છે, જેમાં બિહાર, ઓડિશા, રાજસ્થાન અને ગોવા સામેલ હતાં. તેના પછી આંધ્ર પ્રદેશે માગ કરી.

અરુણાચલ પ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, સિક્કિમ, મણિપુર, મેઘાલય, નાગાલૅન્ડ, ત્રિપુરા, ઉત્તરાખંડ અને મિઝોરમને વિશેષ રાજ્યનો પ્રાપ્ત છે.

એ માપદંડો, જેના આધારે રાષ્ટ્રીય વિકાસ પરિષદ રાજ્યોને વિશેષ દરજ્જો આપે છે

  • સંસાધનોનો અભાવ
  • વ્યક્તિ દીઠ આવક ઓછી હોવી
  • રાજ્યની આવક ઓછી હોવી
  • જનજાતીય વસતીનો મોટો ભાગ હોય
  • પહાડી અને દુર્ગમ વિસ્તાર હોય
  • વસતીગીચતા ઓછી હોય
  • પ્રતિકૂળ વિસ્તાર
  • આંતરરાષ્ટ્રીય સીમા પર રાજ્યની સીમા લાગતી હોય

બિહાર મુદ્દે કેન્દ્રની ભાજપ સરકાર આટલી ટેકનિકલ બાબતો અગાઉ જ સમજાવી ચૂકી છે. ભાજપ પ્રદેશ એકમ પણ આ જ કારણો રજૂ કરે છે.

પરંતુ આર્થિક રીતે દસ ટકા અનામત આપવી પણ ટેકનિકલ રીતે શક્ય નહોતી. તેના માટે કેન્દ્ર સરકાર ત્રણ દિવસમાં કાયદામાં ફેરફાર કરી શકે છે. તો પછી જેડીયૂની 15 વર્ષ જૂની માગ પૂરી કેમ ન કરી શકે?

આ પ્રશ્નના જવાબમાં પ્રદેશ ભાજપ પ્રવક્તા નિખિલ આનંદ જણાવે છે, "જુઓ, આ મુદ્દો સંપૂર્ણપણે આર્થિક અભ્યાસનો છે."

"સ્થાનિક અસમાનતાનો મુદ્દો છે, જ્યારે અનામતનો મુદ્દો સામાજિક ઉત્થાનનો છે. આ વિષયોને એકબીજા સાથે જોડીને ન જોવા જોઈએ."

જેડીયૂની માગનો રાજકીય મતલબ

છ ચરણના મતદાન બાદ ભાજપનો માર્ગ સરળ નથી જણાતો. ત્યારે જેડીયૂની માગનો રાજકીય મતલબ શું છે?

આ સવાલ પર વરિષ્ઠ પત્રકાર મણિકાંત ઠાકુર કહે છે, "લાંબા સમય સુધી જેડીયૂના મૌન પછી વિશેષ રાજ્યના દરજ્જાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે."

"તેથી સ્વાભાવિક છે કે લોકોને આશ્ચર્ય થાય કે આવું કેમ થઈ રહ્યું છે."

"મને લાગે છે કે નીતીશ કુમારને પોતાનું અને પક્ષનું ભવિષ્ય જોખમમાં લાગે છે. તેથી તેમણે આવું નિવેદન આપ્યું છે."

"જો જેડીયૂ કોઈ મુશ્કેલીમાં મુકાય તો આગળની ચાલ શું હશે, આ તેની પૃષ્ઠભૂમિ તૈયાર કરવાના પ્રયત્નો લાગી રહ્યા છે."

રાજ્યમાં બીજી વખત ભાજપ સાથે આવ્યા બાદ વિશેષ રાજ્ય મુદ્દે જેડીયૂના નેતાઓ કહેતા હતા કે તેમણે આ માગને બિલકુલ છોડી નથી.

કેન્દ્ર તરફથી જે પૅકેજ મળ્યું છે તેનાથી અમારી ઘણી માગો સંતોષાઈ ગઈ છે. માત્ર વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો નથી.

વરિષ્ઠ પત્રકાર મણિકાંત ઠાકુર કહે છે કે નીતીશ કુમાર પોતાની રાજનૈતિક સગવડના આધારે પોતાની માગ ઉઠાવે છે. "

જ્યારે તમે મોદીની વિરુદ્ધમાં હતા ત્યારે તમે તમારી માગ ઉગ્ર બનાવી. જ્યારે સાથે આવ્યા તો માગ છોડી દીધી, તેના પર ચર્ચા પણ કરી નહીં. તો સ્વાભાવિક છે કે સગવડની રાજનીતિ આને જ કહે છે."

જોકે, અંતે મણિકાંત ઠાકુર જેડીયૂના નિવેદનનાં હકારાત્મક પાસાં પણ ગણાવે છે અને કહે છે, "બની શકે કે ભાજપ તેના માટે તૈયાર હોય, જેડીયૂ સાથે ભાજપનો જે સંબંધ બન્યો છે તે જળવાઈ રહે તો બંને પક્ષોને તેમાં કોઈ જ વાંધો નહીં હોય અને જો મોદી સરકાર ફરી વખત બની તો બંને મળીને વિશેષ રાજ્યના દરજ્જા માટેનો કોઈ રસ્તો કાઢે."

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો