હરિયાણામાં કૉંગ્રેસને મત આપ્યો તો ભાજપ સમર્થક ભાઈએ ગોળી મારી દીધી

લોકસભાની ચૂંટણીમાં રાજકીય ગોળીબારની ઘટના સામે આવી છે જેમાં હરિયાણામાં કૉંગ્રેસને મત આપવા બદલ ભાઈએ તેના પિતરાઈ પર ગોળીબાર કર્યો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ હરિયાણાના જાઝર જિલ્લામાં આ ઘટના બની છે. ધર્મેન્દ્ર સિલાની જેઓ ભાજપના તાલુકા સ્તરના નેતા છે તેમણે કૉંગ્રેસને મત આપવા બદલ એમના પિતરાઈ રાજા સિંહ પર ગોળીબાર કર્યો છે.

ધર્મેન્દ્ર સિલાનીએ ગેરકાયદે પિસ્તોલથી બે ગોળી પગમાં અને એક ગોળી પેટમાં મારી હતી અને તેઓ ફરાર થઈ ગયા હતા.

આ ઘટનામાં ભોગ બનનાર રાજા સિંહ હાલત હાલ ઠીક છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ધર્મેન્દ્ર સિલાની બહાદુરગઢ સુધરાઈના સભ્ય છે અને ભાજપના તાલુકા ઑફિસ અધિકારી છે.

એમણે રાજા સિંહ અને એમના પરિવારને ભાજપને મત આપવાનો આગ્રહ કર્યો હતો અને પરિવારે એ માનવાનો ઇન્કાર કરી દીધો હતો.

આ અંગે રવિવારે મતદાન પછી રાતે પણ એમની વચ્ચે વિવાદ થયો હતો અને સોમવારે આ ઘટના બની હતી.

ઓછી ગુણવત્તાના દારૂગોળાથી થતી દુર્ઘટનાઓથી સૈનિકો પરેશાન

ઓછી ગુણવત્તાના દારૂગોળા અને યુદ્ધ ઉપકરણોના કારણે સર્જાતી દુર્ઘટના અંગે ભારતીય સેનાએ ચિંતા વ્યક્ત કરી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ સેનાનું કહેવું છે કે આ પ્રકારની દુર્ઘટનામાં સૈનિકો જાન ગુમાવી રહ્યા છે અને ઘાયલ થઈ રહ્યા છે.

તેમનું કહેવું છે કે હલકી કક્ષાના દારૂગોળાના કારણે સાધનો અને ઉપકરણોને પણ નુકસાન થઈ રહ્યું છે. સેનાની ટૅન્ક, તોપ, ઍર ડિફેન્સ ગન અને અન્ય સાધનો માટે ઑર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ કામ કરે છે. તેમની ખામી અને બેજવાબદારીના પરિણામ લગભગ 12 લાખ સૈનિકો ભોગવે છે.

તેના કારણે સેનાનો પોતાના જ ઉપકરણો પરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે. સેનાએ આ અંગે સંરક્ષણ મંત્રાલયને એક પત્ર લખ્યો છે. જેના મુજબ 105એમએમની ઇન્ડિયન ફિલ્ડ ગન, 130 એમએમ, એમએમ મીડિયમ ગન, 40 એમએમએલ - 70 ઍર ડિફેન્સ ગન અને ટી-72, ટી-90 અને અર્જુન ટૅન્ક સાથે વારંવાર આ પ્રકારની દુર્ઘટનાઓ થતી રહી છે.

મારા ભાજપ છોડવાના નિર્ણયથી અડવાણીજીની આંખોમાં આસુ હતાં - શત્રુઘ્ન સિંહા

શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે જ્યારે મેં મારી રાજકીય કારકિર્દીની નવી શરૂઆત કરી હતી ત્યારે સૌથી પહેલાં અડવાણીજીના આશીર્વાદ લીધા હતા.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને જાણીતા પૂર્વ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ એનીડીટીવી સાથેની વાતચીતમાં કહ્યું કે ભાજપ છોડવાના તેમના નિર્ણયની જાણ જ્યારે એલ કે અડવાણીજીને થઈ ત્યારે તેમની આંખોમાં આંસુ હતાં. પરંતુ તેમણે મને આવું કરતાં અટકાવ્યો નહીં. તેમણે મને શુભેચ્છા આપી, તેઓ ભાવુક હતા, તેમની આંખોમાં આંસુ હતાં પણ મને રોક્યો નહીં. અડવાણીજીએ કહ્યું, ઠીક છે, હું તને પ્રેમ કરું છું.

શત્રુઘ્ન સિંહાએ અટલ બિહારી વાજપેયી અને આજના સમય વચ્ચે ફરક અંગે વાત કરતાં કહ્યું કે ત્યારે દેશમાં લોકશાહી હતી અને આજે સરમુખત્યારશાહી છે.

રાજસ્થાનના પાઠ્યપુસ્તકમાંથી નોટબંધીનું પ્રકરણ હઠાવાશે - મંત્રી

રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ દોતાસરાએ કહ્યું કે રાજ્યના પાઠ્યપુસ્તકોમાંથી નોટબંધીનું પ્રકરણ હઠાવાશે.

ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ જણાવે છે કે અગાઉની ભાજપ સરકારે 2017માં આ પ્રકરણને ધોરણ 12ના રાજકીય વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાં સામેલ કર્યું હતું અને તેને કાળાંનાણાંને નાથવા માટેના ઐતિહાસિક ઑપરેશન તરીકે રજૂ કરવામાં આવ્યુ હતું.

મંત્રીએ કહ્યું કે નોટબંધીએ સૌથી અસફળ પ્રયોગ હતો. વડા પ્રધાને કાળુંનાણું પાછું લાવવાનો, ભ્રષ્ટાચાર અને ઉગ્રવાદનો અંત આણવાનો જે દાવો કર્યો હતો તે એક પણ સફળ નીવડ્યો નથી. આને લીધે દેશ પર 10,000 કરોડનો બોજ પડ્યો.

એમણે પાઠ્યપુસ્તકમાંથી જૌહરનું ચિત્ર પણ દૂર કરાશે એમ કહ્યું છે.

અમે ઈરાન સાથે યુદ્ધ ઇચ્છતા નથી - અમેરિકા

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલાં તણાવની સ્થિતિમાં અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું કે તેમનો દેશ ઈરાન સાથે યુદ્ધ ઇચ્છતો નથી.

રશિયામાં એક ભાષણ દરમિયાન પોમ્પિયોએ કહ્યું કે અમેરિકા ઇચ્છે છે કે ઈરાન તેની સાથે સામાન્ય દેશ જેવો જ વ્યવહાર કરે, પણ જો અમેરિકાનાં હિતો પર હુમલો થયો તો અમેરિકા તેનો જવાબ આપશે.

આ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખાનમેઈએ પણ કહ્યું કે અમેરિકા સાથે કોઈ યુદ્ધ નહીં થાય.

ગયા અઠવાડિયે અમેરિકાએ યુદ્ધજહાજો અને વિમાનવાહક જહાજોનો કાફલો મધ્ય પૂર્વમાં તહેનાત કરી દીધો છે.

સંયુક્ત આરબ અમિરાતે તેમના વેપારી જહાજો સાથે છેડછાડની ફરિયાદ કરતા સ્થિતિ વધુ ગંભીર બની હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો