You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા-ઈરાન તણાવ : અખાતમાં યુદ્ધજહાજો અને મિસાઇલો તહેનાત
ઈરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકા મધ્યપૂર્વમાં પૅટ્રિયટ મિસાઇલ સીસ્ટમ મોકલી રહ્યું છે.
યુદ્ધજહાજ 'યૂએસએસ આર્લિંગ્ટન'ને અખાતમાં યૂએસએસ અબ્રાહમ લિંકન ફાઇટર ગ્રૂપમાં સામેલ કરવામાં આવશે. તેમાં તહેનાત વિમાનો જમીન અને પાણી એમ બન્ને પર નિશાન સાધી શકે છે.
અમેરિકાના સુરક્ષા વિભાગ પૅન્ટાગોનનું કહેવું છે કે કતારની એક સૈન્ય છાવણી પર બૉમ્બ વરસાવનારાં યૂએસ બી-52 વિમાનો પણ મોકલી દેવાયાં છે.
વિભાગનું કહેવું છે કે મધ્યપૂર્વમાં અમેરિકાની સેનાને ઈરાનના સંભવિત ખતરામાંથી બચાવવા માટે આ પગલાં લેવાયાં છે. જોકે, જોખમના પ્રકાર અંગે તે હાલ કંઈ કહી શકે એમ નથી.
ઈરાને આ દરેક બાબતોને બકવાસ ગણાવી છે. ઈરાને અમેરિકાની આ તૈયારીને 'મનોવૈજ્ઞાનિક યુદ્ધ' ગણાવ્યું છે, જેનો હેતુ તેમના દેશને ડરાવવાનો છે.
કેવા છે અમેરિકા અને ઈરાનના સંબંધો?
આ પહેલાં, અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયોએ પોતાની યૂરોપ મુલાકાત દરમિયાન પત્રકારોને કહ્યું હતું કે, "અમે ઈરાન તરફથી ઉશ્કેરણીજનક પગલાં જોયાં છે. અમારા પર થનારા કોઈ પણ પ્રકારના હુમલા માટે અમે તેને જ જવાબદાર ગણીએ છીએ."
જોકે, પૉમ્પિયોએ એ સ્પષ્ટ નથી કર્યું કે તેઓ કયા 'ઉશ્કેરણીજનક પગલાં' વિશે વાત કરી રહ્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકા પોતાના સહયોગી દેશોને ઈરાન પાસેથી તેલ ન ખરીદવા મજબૂર કરીને ઈરાનના અર્થતંત્રને ધરાશાયી કરવા માગે છે, જેની સામે કોઈ પણ પરિસ્થિતિમાં નહીં નમવાની વાત ઈરાને કરી છે.
અમેરિકા ગયા વર્ષે ઈરાન સહીત છ દેશો સાથે થયેલી પરમાણુ સંધિમાંથી બહાર નીકળી ગયું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ સમજૂતી રદ કરતા કારણ આપ્યું કે 2015માં થયેલી આ સંધિથી ત્યારના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ખુશ નહોતા.
આ સાથે જ અમેરિકાએ યમન અને સીરિયામાં ચાલી રહેલા યુદ્ધમાં ઈરાનની ભૂમિકાની પણ ટીકા કરી હતી.
ટ્રમ્પ સરકારને આશા છે કે તે ઈરાન સરકારને નવી સમજૂતી કરવા માટે મજબૂર કરી શકશે અને તેની મર્યાદામાં ઈરાનની માત્ર પરમાણુ યોજના જ નહીં બલકે બૅલિસ્ટિક મિસાઇલ યોજના પણ સામેલ હશે.
અમેરિકાનું કહેવું છે કે આવું કરવાથી મધ્યપૂર્વમાં ઈરાનનો 'અશિષ્ટ વ્યવહાર' પણ નિયંત્રણમાં આવશે.
આ પ્રતિબંધોને ઈરાને ગેરકાયદેસર ગણાવ્યા છે.
ઈરાની મીડિયા મુજબ અમેરિકાની જાહેરાતના જવાબમાં ઈરાનના વિદેશમંત્રી મોહમ્મદ જવાદ ઝરીફે કહ્યું છે કે તેમની પાસે અમેરિકાના પ્રતિબંધોનો જવાબ આવવા માટે ઘણા વિકલ્પો છે.
જવાદ ઝરીફે કહ્યું કે ઈરાન આ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે અને તેમાં પરમાણુ અપ્રસાર સંધિમાંથી અલગ થવાનો પણ એક વિકલ્પ સામેલ છે.
તેમણે કહ્યું કે જો ઈરાનને તેનું તેલ વેચતા અટકાવાયું તો તેના ગંભીર પરિણામ આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો