You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીએ કહ્યું કોલકાતામાં ફરીથી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની વિશાળ પ્રતિમા બનાવાશે
લોકસભા ચૂંટણીમાં અંતિમ તબક્કાના મતદાન પહેલાં પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં લક્ષ્મીકાંતપુર અને દમદમમાં સભાને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાને અહીં મમતા બેનરજી સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે કોલકાતામાં રોડ શો દરમિયાન નફરતના રાજકારણને જનતાએ જોયું છે.
તેમણે કહ્યું કે નફરત ફેલાવનારા લોકોએ સમાજસુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને પણ ન છોડી અને તેને ધ્વસ્ત કરી દીધી. પણ વર્તમાન સરકાર મહાન સમાજસેવકના દ્રષ્ટિકોણને સમજે છે.
નરેન્દ્ર મોદીએ એ જ સ્થળ પર સમાજસુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની નવી વિશાળ પ્રતિમાના નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
એમણે પશ્ચિમ બંગાળની મુલાકાત પહેલાં જ મમતા બેનરજી પર આરોપ લગાવ્યા કે મેદિનીપુરમાં ટીએમસી કાર્યકર્તાઓએ અરાજકતા ફેલાવી હતી. જ્યારે ઠાકુરનગર વિસ્તારમાં તો સ્થિતિ એટલી ખરાબ કરી હતી કે મારે ત્યાં સંબોધન રોકી દઈ મંચથી દૂર જવું પડ્યું. મોદીએ મમતા બેનરજીને પડકાર ફેંક્યો કે આજે વધુ એક વાર પશ્ચિમ બંગાળમાં દમદમમાં મારી રેલી છે, જોઈએ કે દીદી આ રેલી થવા દે છે કે નહીં.
વિંગ કમાંડર અભિનંદનના સ્કૉડ્રનને મળ્યું સન્માન
ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ભારતીય વાયુ સેનાના વિંગ કમાંડર અભિનંદન વર્થમાનના યુનિટ મિગ-21 બાઇસન સ્કૉડ્રનને 'ફાલ્કન સ્લેયર્સ' અને 'એમ્રામ ડૉઝર્સ' શીર્ષકો સાથેના પૅચથી નવાજવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું કે 27 ફેબ્રુઆરીએ થયેલા હવાઈ હુમલામાં પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડવાની બહાદુરી બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.
ભારતીય વાયુસેનાના 51 સ્કૉડ્રનને આપવામાં આવેલા પૅચમાં આગળની તરફ એક મિગ-2 સાથે લાલ રંગનું એફ-16 દર્શાવાયું છે, જ્યાં સૌથી ઉપર 'ફાલ્કન સ્લેયર્સ' અને નીચે 'એમ્રામ ડૉઝરસ' લખેલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જળસંકટની સ્થિતિ વચ્ચે વરસાદમાં વિલંબની જાહેરાત
ગુજરાતમાં જળસંકટની સ્થિતિ છે ત્યારે ભારતમાં આ વર્ષે ચોમાસું મોડું શરૂ થશે એવી જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હાલ કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના પ્રદેશોમાં સિંચાઈ તથા પીવા માટે પાણીની અછત છે. કચ્છમાંથી માલધારીઓ પોતાના પશુધન સાથે હિજરત કરી રહ્યા છે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે હવામાન વિભાગે જાહેરાત કરી છે કે ચોમાસું પાંચ દિવસ મોડું શરૂ થઈ શકે છે.
સામાન્ય સંજોગોમાં કેરળમાં 1 જૂને મોસમનો પહેલો વરસાદ નોંધાય છે, જે આ વખતે 6 જૂને આવે એવી શક્યતા છે.
અહેવાલમાં એવું પણ નોંધ્યું છે કે વર્ષ 2017 અને 2018માં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વહેલો શરૂ થયો હતો.
2017માં 30 મે અને 2018માં 29 મેના રોજ મોસમનો પહેલો વરસાદ નોંધાયો હતો.
ન્યૂઝીલૅન્ડ હુમલા બાદ ફેસબુકની નવી લાઇવ સ્ટ્રીમિંગ પૉલિસી
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ફેસબુકનું કહેવું છે કે જો કોઈ લાઇવ સ્ટ્રીમિંગનો ઉપયોગ હિંસા માટે કરશે તો તે યૂઝરના એકાઉન્ટ પર બૅન લગાવાશે.
ફેસબુકે આ માટે વન સ્ટ્રાઇક પૉલિસી તૈયારી કરી છે. આ પગલું ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં મસ્જિદ પર થયેલા હુમલા પછી ઉઠાવવામાં આવ્યું છે.
કંપનીએ એક બ્લૉગમાં લખ્યું છે કે નુકસાન પહોંચાડવા તથા નફરત ફેલાવવાના ઉદ્દેશથી થતો સેવાઓનો ઉપયોગને કઈ રીતે રોકી શકાય એ વાતની વાતની સમીક્ષા કરાઈ રહી છે.
મનમોહન સિંહનો કાર્યકાળ પૂર્ણ થતા 7 જૂને રાજ્યસભાની ચૂંટણી
'ધ હિંદુ'ના અહેવાલ પ્રમાણે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનો રાજ્યસભાના સભ્ય તરીકેનો કાર્યકાળ આગામી 14 જૂને પૂર્ણ થવા જઈ રહ્યો છે.
ચૂંટણીપંચે આ પદ માટે 7 જૂને ચૂંટણીની જાહેરાત કરી છે, જે માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 28 મે રહેશે.
વર્ષ 1991થી મનમોહન સિંહ રાજ્યસભામાં આસામનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે.
અહેવાલમાં નોંધ્યું છે એ પ્રમાણે આ વખતે આસામ વિધાનસભામાં કૉંગ્રેસ પાસે 25 ધારાસભ્યો જ છે, જેથી રાજ્યસભાના સભ્ય માટે આસામથી કૉંગ્રેસના ઉમેદવારની જીત મુશ્કેલ છે.
આસામમાં બ્લાસ્ટની જવાબદારી ઉલ્ફાએ સ્વીકારી
એનડીટીવી ઇન્ડિયાની વેબસાઇટ પ્રમાણે આસામની રાજધાની ગુવાહાટીમાં ગીચ વસતિવાળા શૉપિંગ મૉલ બહાર બુધવારે સાંજે થયેલા ગ્રૅનેડ બ્લાસ્ટમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ હુમલાની જવાબદારી પરેશ બરુઆના નેતૃત્વવાળા ઉગ્રવાદી સંગઠન ઉલ્ફાએ સ્વીકારી છે.
આ હુમલો બુધવારે આશરે રાત્રે 8 વાગ્યે થયો હતો.
ઈજાગ્રસ્તો પૈકી બેની સ્થિતિ ગંભીર હોવાનું પણ અહેવાલમાં નોંધ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો