IPL : પગમાંથી લોહી વહેતું રહ્યું છતાં શેન વૉટ્સન બૅટિંગ કરતા રહ્યા

ગત રવિવારે આઈપીએલની 12મી સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ રહેલી ફાઇનલ મૅચમાં જીતનો તાજ મુંબઈના ભાગે રહ્યો.

મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બૅટિંગ કરતાં ચેન્નઈની સામે 150 રનનું લક્ષ્ય રાખ્યું હતું. આ ટાર્ગેટનો પીછો કરતાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 148 રન બનાવી શકી હતી.

આ ટાર્ગેટ સુધી પહોંચવા અને મૅચને જીતની નજીક પહોંચાડવાનો શ્રેય ચેન્નઈના બૅટ્સમૅન શેન વૉટસનને જાય છે જેમણે સૌથી વધારે 80 રન કર્યા હતા.

આ બધાની વચ્ચે લોકો મૅચનો રોમાંચ અને સમયના કાંટા સાથે ધબકારાને પણ વધારી દેતી મૅચની ઘડીઓ માણવામાં મશગૂલ હતા ત્યારે કોઈને જાણ નહોતી કે વિકેટ પર ચેન્નઈ માટે રમી રહેલા વૉટસન ગંભીર રીતે ઘાયલ છે.

મૅચ દરમિયાન વૉટસન એટલા ઘાયલ હતા કે તેમના ડાબા પગના ઘૂંટણમાંથી લોહી નીકળતું હતું જે સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું.

તેમ છતાં તેઓ મેદાનમાં ટકી રહ્યા અને રમતને આગળ વધારતા રહ્યા.

ભારતીય ક્રિકેટર અને ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડી હરભજન સિંઘે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી દ્વારા લોકોને જણાવ્યું હતું કે વૉટ્સને પગમાં 6 ટાંકા આવ્યા છે.

પોસ્ટમાં તેમણે વૉટ્સનના ઘૂંટણમાંથી લોહી નીકળતું હોય તેવી તસવીર પોસ્ટ કરી હતી.

તેમણે લખ્યું હતું કે 'શું તમે પગમાંથી લોહી નીકળતું જોઈ શકો છો. રમત બાદ તેને છ ટાંકા આવ્યા. ડાઇવ મારતી વખતે તેમને ઈજા થઈ હતી પરંતુ તેમણે કોઈને જાણ કર્યા વિના રમવાનું ચાલુ રાખ્યું.'

હરભજન સિંઘની આ પોસ્ટ સોશિયલ મીડિયા છવાઈ ગઈ છે અને અનેક લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

પઠાન યુસીફ નામના ટ્વિટર યુઝરે વૉટસનનો એક વીડિયો પોસ્ટ કરી લખ્યું છે કે 'શું ખરેખર તે લોહી છે?'

તેમણે એવું પણ લખ્યું કે શા માટે મેદાનમાંથી અથવા કો કૉમેન્ટેટરોમાંથી તેમને આ અંગે પૂછ્યું નહીં?

પ્રિન્સ ફેન નામના ટ્વિટર યુઝરે લખ્યું છે કે 'નો વર્ડ્સ.'

ચેન્નઈના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વૉટસનની આ તસવીર પોસ્ટ કરવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે શું સમર્પણ છે. જોરદાર યોગદાન.

કૌશિક નામના ટ્વિટર યુઝરે લખ્યું છે, "મને શંકા છે. તમે આ પ્રકારની ઈજા સાથે બૅટિંગ ના કરી શકો. અમ્પાયર બૅટ્સમૅનને આ પરિસ્થિતિમાં રમવા જ ન દે."

ચેન્નઈ આઈપીએલ-2019ના ફાઇનલમાં લગભગ જીતની નજીક પહોંચી ગયું હતું પરંતુ મુંબઈ ઇન્ડિયન્સના લસિથ મલિંગાએ અંતિમ ઓવરમાં 8 રન થવા દીધા ન હતા.

મલિંગાનો અંતિમ બૉલ, ધોનીનું રન આઉટ, પોલાર્ડનું વાઇડ બૉલ ન આપવાને લીધે ક્રિઝની બહાર ઊભવું અને વૉટ્સનની રન આઉટ વખતેની ડાઇવ ફેન્સને લાંબા સમય સુધી યાદ રહેશે.

વૉટસને ગત વર્ષ 2018માં પણ હૈદરાબાદ વિરુદ્ધ અણનમ સદી ફટકારીને એકલાહાથે ચેન્નઈને ત્રીજી વખત ચૅમ્પિયન બનાવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો