You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભા ચૂંટણી 2019 : દક્ષિણ ભારત આ વખતે દિલ્હીમાં સરકાર બનાવશે?
- લેેખક, કિંગશૂક નાગ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ચૂંટણીના પરિણામનો દિવસ 23 મે નજીક આવી રહ્યો છે, તે સાથે જ રાજકીય પક્ષોએ અત્યારથી જ સોગઠાં ગોઠવવાંનું શરૂ કરી દીધું છે.
આ વખતે કોઈ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે એવો મોટા ભાગના લોકોનો અંદાજ છે અને એટલે જ આ સોગઠાબાજી શરૂ કરાઈ છે.
આવી અસ્પષ્ટ સ્થિતિમાં નાના રાજકીય પક્ષો પરિણામ પછીની પોતાની ભૂમિકાની શોધ અત્યારથી કરવા લાગ્યા છે.
પરિણામો પછી પોતાનું મહત્ત્વ સ્થાપવા માટે અત્યારથી જ સક્રિય થયેલામાં એક છે તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના વડા અને તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર).
લોકસભાની 543 બેઠકોમાં તેલંગણાની માત્ર 19 જ છે, તેમ છતાં ચંદ્રશેખર રાવ દક્ષિણ ભારતના રાજકીય પક્ષોનો ફેડરલ ફ્રન્ટ ઊભો કરવા કોશિશ કરી રહ્યા છે.
આવું સંગઠન ઊભું થઈ શકે તો આગામી પાંચ વર્ષોમાં દક્ષિણ ભારતનાં રાજ્યો સંયુક્ત રીતે વધારે માગણીઓ મૂકી શકે.
કેસીઆર માને છે કે દિલ્હીમાં આવેલી એક પછી એક સરકારે દક્ષિણનાં રાજ્યો સાથે હંમેશાં અન્યાય જ કર્યો છે.
નવી દિલ્હીમાં બેસતી સરકાર પર ઉત્તર ભારતનું જ, ખાસ કરીને ઉત્તર પ્રદેશનું જ વધારે દબાણ રહેતું હોય છે. તે સ્થિતિ બદલવા માટે દક્ષિણ ભારતનું જોડાણ હોવું જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટીઆરએસ તેલંગણાની મોટા ભાગની બેઠકો જીતી જાય તેવું મનાઈ રહ્યું છે.
કેસીઆરની મુલાકાતો
આ પ્રકારના વિચાર સાથે જ કેસીઆરે દક્ષિણ ભારતનાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે મુલાકાતો શરૂ કરી છે.
તેઓ સૌપ્રથમ કેરળના મુખ્ય મંત્રી પિનરાયી વિજયનને મળ્યા હતા.
વિજયન કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ના હોવા છતાં તેમની સાથે સારી ચર્ચા થઈ શકી હતી.
જોકે, તે પછી તરત જ તેમના પ્રયાસોમાં અવરોધ આવ્યો, કેમ કે તામિલનાડુના ડીએમકેના વડા એમ. કે. સ્ટાલીને તેમને મળવાની આનાકાની કરી હતી.
વારંવાર વિનવણી પછી આખરે સ્ટાલીન મળવા તો તૈયાર થયા, પણ મુલાકાતમાં કંઈ ભલી વાર નહોતી.
કેસીઆરના વિચાર સાથે તેઓ સહમત હોય તેવું લાગતું નહોતું. દેખીતી રીતે જ સ્ટાલીને કેસીઆરને ઊલટાનું સૂચન કર્યું કે તમે કૉંગ્રેસ સાથે જોડાણ કરવાનું વિચારો.
આવો ફ્રન્ટ ઊભો કરીને કેન્દ્રમાં ભાજપની સરકારને બેસાડવા માટેની કેસીઆરની દાનત છે એવી છાપ ઊભી થઈ હોવાનો ખ્યાલ કેસીઆરને આવી ગયો.
જોકે, ભાજપ અને એનડીએને પોતાની રીતે બહુમતી ના મળે તેવા સંજોગોમાં જ આવો ટેકો આપવાની વાત લાગતી હતી.
મોટા ભાગના લોકોની ધારણા એવી જ છે કે એનડીએની બેઠકો બહુમતી કરતાં થોડી ઓછી રહી શકે છે.
કૉંગ્રેસ સાથે જવા પણ તૈયાર
પોતે ભાજપ તરફી છે એવી છાપ દૂર કરવા માટે જ કેસીઆરે હવે એ પ્રકારના અણસાર આપવાનું શરૂ કર્યું છે કે જરૂર પડ્યે તેઓ કૉંગ્રેસ સાથે મળીને પણ કામ કરી શકે છે.
પરિણામો પછીની સ્થિતિમાં કેસીઆર ટેકો આપે તે પ્રકારની વાત કૉંગ્રેસ તરફથી પણ થઈ છે.
વિશ્લેષકો માને છે કે કેસીઆર દિલ્હીમાં પોતાના માટે કોઈ ભૂમિકા શોધી રહ્યા છે.
તેમની મહત્ત્વાકાંક્ષા કદાચ નાયબ વડા પ્રધાન અને મહત્ત્વનાં મંત્રાલયો મેળવવાની હોઈ શકે.
પોતે દિલ્હી જાય અને પાછળ તેલંગણામાં પોતાના પુત્ર કે. ટી. રામરાવને મુખ્ય મંત્રી બનાવવા. પુત્રને ટીઆરએસના પ્રમુખનો હોદ્દો તો આપી જ દેવાયો છે.
કેસીઆર ઉપરાંત દક્ષિણના બીજા નેતાઓ પણ આ દિશામાં સક્રિય થયા છે.
ચંદ્રબાબુ નાયડુ પણ તૈયારીમાં
આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી અને તેલુગુ દેશમ પક્ષ (ટીડીપી)ના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ મહિનાઓ અગાઉથી જ આ પ્રકારનો મોરચો ઊભો કરવા માટે કોશિશ કરી રહ્યા છે.
આંધ્ર પ્રદેશમાં ભાજપનું ખાસ કોઈ સ્થાન નથી અને તેથી જ નાયડુએ અચાનક એનડીએ છોડી દેવાનું નક્કી કર્યું હતું અને નરેન્દ્ર મોદીને વિચારતા કરી દીધા હતા.
જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર નાયડુને ચીત કરવા માટે નરેન્દ્ર મોદીએ ત્યારબાદ કેસીઆર અને વાયએસઆર કૉંગ્રેસના વડા જગનમોહન રેડ્ડીને સાધ્યા હતા.
જગનમોહનનું સમર્થન મળવું સહજ હતું, કેમ કે આંધ્ર પ્રદેશમાં સત્તા માટે તેઓ નાયડુની સામે જ સ્પર્ધામાં છે.
નાયડુની જગ્યાએ જગનમોહન એનડીએમાં સહેલાઈથી ગોઠવાઈ શકે તેમ છે.
બીજું તેમની સામે સીબીઆઈના ઘણા કેસ પણ થયેલા છે એટલે જગનમોહનને દિલ્હીમાં બેઠેલા સત્તાધીશોની વધારે જરૂર છે.
વળી, કેસીઆરને પણ મનાવી લેવાનું મોદી માટે અઘરું નહોતું, કેમ કે તેમની પણ ચંદ્રબાબુ નાયડુ સાથે જૂની દુશ્મનાવટ છે.
અહીં એ યાદ અપાવી દઈએ કે ભૂતકાળમાં કેસીઆર ટીડીપીમાં જ હતા. 1999માં તેમને મંત્રી બનવાની ઇચ્છા હતી પણ તેમને ડેપ્યુટી સ્પીકર બનાવી કોરાણે કરી દેવાયા હતા.
તેથી નારાજ થયેલા કેસીઆરે ટીડીપી છોડીને તેલંગણા રાષ્ટ્ર સમિતિની સ્થાપના કરી હતી.
નવા પક્ષની રચના સાથે તેમણે અલગ તેલંગણા રાજ્યની રચના માટેની ઝુંબેશને જોરશોરથી ઉપાડી હતી.
ચંદ્રબાબુ નાયડુએ એનડીએ છોડી દીધું, તે પછી તેમને કૉંગ્રેસ સાથે જોડાવામાં વાંધો નહી હોય તેમ માની લેવાયું હતું.
નાયડુ માટે પણ તેમ કરવામાં ખાસ મુશ્કેલી નહોતી, કેમ કે આંધ્ર પ્રદેશમાં કૉંગ્રેસનું પણ ખાસ અસ્તિત્વ બચ્યું નથી.
તેના કારણે રાજ્યમાં કૉંગ્રેસ સાથે તેમને કોઈ પ્રકારની ટક્કર નથી.
નાયડુ એવું પણ માને છે કે કદાચ રાહુલ ગાંધી પોતે વડા પ્રધાન બનવા તૈયાર નહીં થાય.
તેઓ યૂપીએના ચૅરમૅન બનવાનું પસંદ કરશે અને વડા પ્રધાનપદ માટે પોતાના જેવા કોઈ નેતાને પસંદ કરે એવી પણ નાયડુની માન્યતા છે.
નાયડુ કર્ણાટકના મુખ્ય મંત્રી એચ. ડી. કુમારસ્વામીને મળ્યા હતા. તેઓ તામિલનાડુમાં એમ. કે. સ્ટાલીનને પણ મળ્યા હતા અને તેમની સાથે દક્ષિણ ભારતના મોરચાની ચર્ચા કરી હતી. એવું માનવામાં આવે છે કે બંને નેતાઓએ આ વિચાર પર સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો.
નાયડુની સ્થિતિ નબળી પાડવા માટે નરેન્દ્ર મોદીએ (ટીઆરએસ અને વાયઆરએસ કૉંગ્રેસ મારફત) કરેલા પ્રયાસોને કારણે તેઓ મુશ્કેલીમાં પણ મુકાયા છે. આંધ્ર પ્રદેશમાં તેમના માટે સ્થિતિ કફોડી બની હોવાનું ધારવામાં આવે છે.
'પીએમના પદ માટે નાયડુની પસંદ મમતા'
આંધ્ર પ્રદેશની સ્થિતિ વિશે આવી રહેલા સર્વેને સ્વીકારવા શરૂઆતમાં નાયડુ તૈયાર નહોતા, પરંતુ ચૂંટણી નજીક આવતી ગઈ તેમતેમ નાયડુને ખ્યાલ આવતો ગયો કે સ્થિતિ ગંભીર છે.
આથી તેમણે નવેસરથી પ્રયાસો શરૂ કર્યા અને પોતાને બંને હરીફો સામે ઓછું નુકસાન થાય તેવા પ્રયત્નો કર્યા હોવાનું જાણકારોનું કહેવું છે.
જોકે, વિશ્લેષકો કહે છે કે હજી પણ ટીડીપી અને વાયઆરએસ કૉંગ્રેસ વચ્ચે નાનકડો ગૅપ રહેલો છે અને જગનમોહન ફાયદામાં જ રહ્યા છે.
પરિણામ જે પણ આવે તે નાયડુ પણ હવે દરેક સ્થિતિને પહોંચી વળવાની તૈયારીમાં લાગ્યા છે.
તેઓ હાલમાં જ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીને પણ મળ્યા છે. નાયડુ તેમને કદાચ વડાં પ્રધાન તરીકે આગળ કરવાની કોશિશ કરશે.
નાયડુ મમતા બેનરજીને વડાં પ્રધાન તરીકે પસંદ કરે છે તેનું એક કારણ તેમની મોદીવિરોધી મક્કમ નીતિઓ છે.
ચંદ્રબાબુ નાયડુને ખ્યાલ આવી ગયો છે કે પોતાના જ રાજ્યમાં નુકસાન થવાનું હોવાથી તેમની દાવેદારી નબળી પડી રહી છે.
તેથી તેમણે પોતાના સસરા એન. ટી. રામરાવ જેવી ભૂમિકા ભજવવાનું નક્કી કર્યું છે.
1989માં એનટીઆરે નેશનલ ફ્રન્ટ ઊભો કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
તેમણે માત્ર ફ્રન્ટને ચૅરમૅન તરીકેની ભૂમિકા જ સ્વીકારી હતી, કેમ કે 1989માં તે વખતના સંયુક્ત આંધ્ર પ્રદેશમાં તેમના પક્ષ ટીડીપીએ સત્તા ગુમાવી દીધી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો