90 ટકા લોકો એ વસ્તુ ખાતા નથી જે તેમનું જીવન બચાવી શકે છે

    • લેેખક, જેમ્સ ગેલેઘર
    • પદ, હેલ્થ ઍન્ડ સાયન્સ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ

જો તમને એક એવો ખાદ્યપદાર્થ આપવામાં આવે કે જેનાથી તમે લાંબુ જીવન વિતાવી શકો, તો શું તમને તે ખોરાકમાં રસ પડશે?

આ વસ્તુ એવી છે કે જે હૃદય રોગના હુમલાનું જોખમ ઓછું કરે છે અને સાથે જ ટાઇપ-2 ડાયાબિટીસથી પણ તમને દૂર રાખે છે.

આ વસ્તુ તમારું વજન, બીપી (બ્લડપ્રેશર) અને કૉલેસ્ટ્રોલ જાળવી રાખવામાં મદદ કરે છે.

એ વાત ઉલ્લેખનીય છે કે આ વસ્તુ ખૂબ સસ્તી છે અને દુનિયાભરની બજારોમાં સહેલાઈથી મળી શકે છે.

પણ આ વસ્તુ છે શું?

આ વસ્તુ છે ફાઇબર. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ફાઇબરના કેટલા પ્રકારના સ્વાસ્થ્ય લાભ મળી શકે છે.

સંશોધનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આપણે કેટલું ફાઇબર ખાવાની જરુર છે.

આ સંશોધનના એક સંશોધક પ્રોફેસર જૉન કમિંગ્સે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું :

"આ પુરાવા ખૂબ વધારે છે અને લોકોએ આ અંગે કંઈક કરવાની જરુર છે."

ફાઇબર કબજિયાત દૂર કરવા માટે મદદરૂપ છે, પણ તેના સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા ખૂબ વધારે છે.

કેટલું ફાઇબર જરૂરી હોય છે?

ન્યૂઝીલૅન્ડની યુનિવર્સિટી ઑફ એટેગો અને યુનિવર્સિટી ઑફ ડુંડીના સંશોધકો કહે છે કે એક વ્યક્તિએ દિવસ દરમિયાન 25 ગ્રામ ફાઇબર લેવું જોઈએ.

જોકે, આ સંખ્યા પર્યાપ્ત છે, પરંતુ જો સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય તો એક વ્યક્તિ દરરોજ 30 ગ્રામ ફાઇબર લઈ શકે છે.

એક કેળું 120 ગ્રામનું હોય છે. પણ તે બધું જ ફાઇબર હોતું નથી.

શુગર અને પાણીને જો તેમાંથી કાઢી નાખવામાં આવે તો તેમાં માત્ર ત્રણ ગ્રામ ફાઇબર બચે છે.

દુનિયાભરના લોકો દિવસ દરમિયાન માત્ર 20 ગ્રામ ફાઇબર લે છે.

તો યુકેમાં 10માંથી માત્ર એક વ્યક્તિ દરરોજ 30 ગ્રામ ફાઇબર લે છે. સરેરાશ એક મહિલા 17 ગ્રામ અને પુરુષ 21 ગ્રામ ફાઇબર દરરોજ લે છે.

કયા ખોરાકમાં વધારે ફાઇબર હોય છે?

ફાઇબર ફળ તેમજ શાકભાજીમાં મળી રહે છે. કેટલાક નાસ્તા, બ્રેડ અને પાસ્તા કે જે માત્ર અનાજમાંથી બન્યા હોય, કઠોણ જેમ કે દાળ અને ચણામાં ખૂબ ફાઇબર હોય છે.

આ સિવાય અખરોટમાં પણ ફાઇબર મળી રહે છે.

30 ગ્રામ ફાઇબર માટે શું ખાવું?

ઑકલેન્ડ યુનિવર્સિટી ઑફ ટેકનૉલૉજીનાં પ્રોફેસર એલેઇન રશે 25-30 ગ્રામ ફાઇબર મેળવવા માટે ઉદાહરણ આપ્યું છે.

  • અડધા કપ ઑટ્સ- 9 ગ્રામ ફાઇબર
  • કોર્ન ફ્લેક્સ જેવા સિરિઅલ- 3 ગ્રામ ફાઇબર
  • બ્રાઉન બ્રેડની એક સ્લાઇસ - 2 ગ્રામ ફાઇબર
  • પાકેલી દાળ- 4 ગ્રામ ફાઇબર
  • છાલ સાથે પાકેલું બટાટું- 2 ગ્રામ ફાઇબર
  • એક ગાજર- 3 ગ્રામ ફાઇબર
  • છાલ સાથે સફરજન - 4 ગ્રામ ફાઇબર

જોકે, તેઓ કહે છે કે રોજીંદા ખોરાકમાંથી વધારે ફાઇબર મેળવવું સહેલું નથી.

પ્રોફેસર કમિંગ પણ આ વાત પર સહમતી વ્યક્ત કરે છે.

ફાઇબરથી શું ફાયદો મળી શકે?

185 સંશોધન અને 58 ટ્રાયલ કર્યા બાદ પરિણામ જાહેર કરાયા હતા.

પરિણામ જણાવે છે કે 1000 લોકોને ઓછા ફાઇબર ધરાવતી ડાયટ (15 ગ્રામ કરતા ઓછું) કરતા વધારે ફાઇબર (25-29 ગ્રામ) ડાયટ લેવાનું શરૂ કરાવવામાં આવે, તો તે 13 મૃત્યુ અને 6 હૃદયરોગના કેસ અટકાવી શકે છે.

સંશોધનમાં જાણવા મળ્યું કે તેનાથી ટાઇપ-2 ડાયાબિટીસ, કૅન્સરની સાથે સાથે વજનની સમસ્યા, બ્લડ પ્રેશર અને વધતા કૉલેસ્ટ્રોલથી પણ દૂર રાખે છે.

ફાઇબર અને અનાજ, ફળ તેમજ શાકભાજી સ્વાસ્થ્યવર્ધક છે તે વાત કોઈ નવી નથી.

ચિંતા એ વાતની છે કે લોકો ફાઇબર ગ્રહણ કરતા નથી.

યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજનાં પ્રોફેસર નીતા કહે છે, "આપણે આ સંશોધનને ગંભીરતાથી લેવાની જરૂર છે."

"આ સંશોધન એ વાતને સુનિશ્ચિત કરે છે કે ફાઇબર અને અનાજ લાંબા જીવન માટે ખૂબ જરૂરી છે."

આ સંશોધન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને મદદ કરવા માટે કરવામાં આવ્યું છે.

જેથી તે ઔપચારિક રૂપે ગાઇડલાઇન જાહેર કરીને લોકોને જણાવી શકે કે તેમણે દિવસ દરમિયાન કેટલું ફાઇબર લેવું જોઈએ જેથી લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો