You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું તમારા ખોરાક અને ખીલ વચ્ચે કોઈ સંબંધ છે?
- લેેખક, અંજલિ મહતો
- પદ, બીબીસી ફ્યૂચર
ખીલ ચહેરા પર ડાઘ તો છોડી જ જાય છે પણ તમારા માનસ પર પણ મોટો પ્રભાવ પાડે છે. ઘણી વાર તો લોકો ખીલને કારણે એટલા પરેશાન થઈ જાય છે કે તણાવ અને હતાશાનો ભોગ બને છે.
ખીલથી પરેશાન લોકો એનાથી બચવા માટે પોતાના ભોજનમાં ઘણી પરેજી રાખતા હોય છે.
જ્યારથી લોકોમાં તંદુરસ્તી અંગે જાગરૂકતા વધી છે, ત્યારથી આનું ચલણ વધ્યું છે અને લોકો ખીલથી બચવા માટે ઘણા પ્રકારનું ભોજન છોડી દે છે.
હું લંડનમાં લાંબા સમયથી સ્કિન ડૉક્ટર તરીકે ખીલના દર્દીઓનો ઇલાજ કરતી આવી છું. આમાં મોટે ભાગે મહિલાઓ વધારે હોય છે. જે ખીલને સુંદરતા પરના ડાઘ તરીકે ગણાવે છે.ખાસ કરીને સંપન્ન ઘરની મહિલાઓ ખીલથી છૂટકારો મેળવવા માટે મારી પાસે આવે છે.
આ ભણેલાં મહિલાઓ પોતાની ત્વચા જ નહીં, પણ સંપૂર્ણ શરીર બાબતે જાગૃત હોય છે.
ઘણાં એવાં મહિલાઓ મારી પાસે આવે છે જે પહેલાં તમામ નુસખા અજમાવી ચૂક્યાં હોય છે.
એમાં સ્કિન-કૅર પ્રોડક્ટમાં જાત-જાતના પ્રયોગથી માંડીને ખાન-પાનામાં ફેરફાર જેવા બદલાવનો સમાવેશ થાય છે.
ખાવા સાથે શું લાગે વળગે છે?
આજે સ્કિન-કૅરમાં જે પ્રકારનાં ખાન-પાન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે તે અકળાવે તેવું છે. એને અવગણી શકાય તેમ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણા દર્દીઓ મને જણાવે છે કે તેમણે ત્વચાની સંભાળ માટે ગ્લૂટેન, ડેરી ઉત્પાદન અને ખાંડ ત્યજી છે. આ દર્દીઓને આશા હતી કે આનાથી તેમની ત્વચા પરના ડાઘ દૂર થઈ જશે.
આવા લોકો પોતાના મિત્રો સાથે બહાર જમવા જવાનું પણ છોડી દે છે, પાર્ટીઓમાં કૅક ખાવાની પણ ના પાડી દે છે.
ભોજન છોડી દે છે. કૉફી પીવા માટે પણ 'સ્વચ્છ-સુઘડ' કાફેની શોધમાં રહેતા હોય છે. ત્યાં પણ તે ગણીગાંઠી વસ્તુઓ જ ખાય છે.
આવા લોકોને લાગે છે કે કેટલીક ખાસ વસ્તુઓને ખાવાથી તેમની ખીલની સમસ્યા વધારે વકરશે.
શું આ વાતનો કોઈ પુરાવો છે કે ખાન-પાન અને ખીલને કોઈ સીધો સંબંધ છે?
આ સંબંધ અંગે છેલ્લા કેટલાક દાયકાથી પ્રયાસો થઈ રહ્યા છે, પણ વાત સ્પષ્ટ થઈ શકી નથી.
મોટે ભાગે આ રિસર્ચ લોકોની યાદશક્તિ પર આધારિત હોય છે કે છેલ્લે તેમણે શું ખાધું હતું.
શું કરવું જોઈએ?
આપણને એ તો ખબર છે કે ખીલનો સંબંધ વધુ ખાંડવાળી ખાવા-પીવાની એટલે કે ઉચ્ચ ગ્લાઈસેમિક ઇન્ડેક્સ વાળી વસ્તુઓ સાથે છે.
એનો અર્થ એ નથી કે આપણે ખાંડ ખાવાની એકદમ બંધ કરી દેવી જોઈએ, પણ મારી તો એ સલાહ રહેશે કે મીઠો ખોરાક ખાવામાં સંયમ રાખવો જોઈએ.
તમારી ત્વચા માટે આ સારું રહેશે. તમારી તંદુરસ્તી માટે પણ આ યોગ્ય રહેશે.
ડેરી ઉત્પાદનો અને ખીલ સાથે સંબંધની દલીલ પણ નબળી છે.
જોકે, કેટલાક લોકોને ડેરી ઉત્પાદનો આહારમાં લેવાથી ખીલ થતા હોય છે, પણ બધા સાથે આમ જ બને એવું જરૂરી નથી. ખાસ કરીને લો-ફૅટ ડેરી ઉત્પાદનો તો ફુલ ક્રીમ કરતાં પણ વધુ જોખમી હોય છે.
બ્રિટન કે અમેરિકામાં એવી કોઈ માર્ગદર્શિકા નથી કે ખીલથી બચવા માટે ડેરી ઉત્પાદનો ના ખાવા જઈએ.
મેં ઘણા એવા લોકોને જોયાં છે કે જેઓ સંપૂર્ણ શાકાહારી ભોજન લેતા હોય અને તેમ છતાં ખીલનો ભોગ બન્યા હોય.
ખીલને જિનેટિક્સ સાથે પણ સંબંધ છે
ઘણા લોકોને ઘણી પરેજી રાખવા છતાં પણ ખીલ થતા હોય છે. કોઈ બીમારી માટે કોઈ ખાસ વસ્તુને જવાબદાર ગણવી યોગ્ય નથી.
ખીલ થવા માટેનાં ઘણાં કારણો હોય છે. એમાં હૉર્મોન્સથી માંડી પરિવારના જિનેટિક્સ પણ સામેલ છે.
ખાવામાં પરેજી સિવાય પણ આજ કાલ એક બાબત ચલણમાં છે જે અકળાવનારું છે.
કોઈને ટિક્કી ચાટ કે આઇસક્રીમ ખાતાં અટકાવવાનું ચલણ વધ્યું છે.
લોકો વણમાગી સલાહ આપ્યા કરતા હોય છે કે આ ખાઓ અને આ ના ખાઓ.
સોશિયલ મીડિયા પર પિત્ઝા સાથેની તમારી તસવીર જોઈ લોકો ટોકે છે કે પિત્ઝા ખાશો તો ખીલ થશે કે પછી ચૉકલેટ હાથમાં લેતા જ ટોકવામાં આવે છે જે બરાબર નથી.
વાસ્તવમાં આપણે આજે જે યુગમાં જીવી રહ્યા છીએ તેમાં જાણકારીઓનો મારો છે.
સોશિયલ મીડિયાથી સમાચારપત્રો સુધી માધ્યમો સલાહ સૂચનો આપવામાં લાગ્યાં છે.
આજથી 20 વર્ષ પહેલાં સ્થિતિ આવી નહોતી.
પણ સલાહ કોણ આપી રહ્યું છે એ પણ જોવું જોઈએ.
શું સલાહ આપનાર દરેક માણસ વૈદ્ય, હકીમ કે ત્વચાનો નિષ્ણાત છે, જે આવી સલાહ આપી રહ્યા છે?
જો તમે મોઢા પરના ડાઘથી પરેશાન છો તો કોઈ ત્વચાના નિષ્ણાત કે તમારા ડૉક્ટરને મળો.
તમને વાંચવા-સાંભળવા મળતી બધી વાતો પર ધ્યાન ના આપો. એક વાત કોઈ માટે અસરકારક હોય તો જરૂરી નથી કે તે દરેક માટે કારગત હોય.
આપણે બધા અલગ અલગ ડીએનએ, વાતાવરણ અને વારસાવાળા લોકો છીએ. આપણાં બધાની સંરચના અલગ અલગ છે.
ખીલને કારણે લોકોના માનસ પર ખરાબ અસર પડતી હોય છે. લોકો હતાશા, ચિંતા અને સમાજથી અલગાવનો ભોગ બની જતા હોય છે.
આવા લોકોને ખાતાં-પીતાં રોકવા એ એમની મુશ્કેલીને વધારવા જેવું કામ છે, પણ સોશિયલ મીડિયાથી માંડી મુખ્ય પ્રવાહ મીડિયામાં આ જ થઈ રહ્યું છે.
વણમાગી સલાહ અપાઈ રહી છે. સમસ્યાને જડમાંથી દૂર કરવાની વાતો થઈ રહી છે.
એમાં કોઈ શંકાને સ્થાન નથી કે સારી ત્વચાનો સંબંધ સારી ખાણી પાણી સાથે છે, પણ કોઈ કોઈ વખતે આઇસક્રીમ,ચૉકલેટ કે તળેલું ખાવું ખોટું નથી.
લોકોને આ રીતે શરમમાં નાખવાથી તેમની માનસિક સ્વસ્થતા પર પ્રભાવ પડે છે. લોકો સાર્વજનિક રીતે ગળ્યું ખાતા બંધ થઈ જાય છે. ખાવા-પીવા બાબતે વધુ ચિંતા કરવા માંડે છે.
સમસ્યાનું સમાધાન શું છે?
જો તમે ખીલથી પરેશાન છો તો તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ.
જો તમારા પ્રિયજનો કોઈ વસ્તુ ખાવામાં સંકોચ અનુભવતા હોય તો એમની સાથે વાત કરો અને એમને નિષ્ણાત પાસે મોકલો.
તમે ડૉક્ટરને ખાનપાન સાથે જોડાયેલી વાત જણાવો. જરૂર જણાય તો ડાયટિશિયન અને મનોવૈજ્ઞાનિકને મળો.
ભોજન સારું કે ખરાબ નથી હોતું. સારું ભોજન તમારી ત્વચા માટે જરૂરી હોય છે.
આ ખાનપાન લાંબા સમય સુધી ચાલે તો જ એની અસર દેખાય છે. કોઈ કોઈ વખતે ચૉકલેટ ખાઈ લેવાથી કોઈ ખાસ ફરક પડતો નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો