You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સૂકા મેવા ખાવાથી શક્તિશાળી થાય છે શુક્રાણુ
એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સૂકા મેવા ખાવાથી પુરુષોમાં શુક્રાણુની ગુણવત્તામાં વધારો થાય છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે પુરુષોએ 14 અઠવાડિયા સુધી બે મુઠ્ઠી અખરોટ, બદામ અને હેઝલનટ ખાધા તેમની શુક્રાણુની શક્તિમાં તો વધારો થયો જ સાથેસાથે તેમની તરવાની ઝડપ પણ વધી ગઈ.
આ સંશોધન એવા સમયે કરાયું છે કે જ્યારે પશ્ચિમના દેશોના પુરુષોમાં શુક્રાણુની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની પાછળ પ્રદૂષણ, ધ્રૂમ્રપાન અને આરોગ્યને નુકસાન પહોંચાડતો ખોરાક જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સારા અને સંતુલિત ખોરાક વડે આ સમસ્યા પર કાબૂ મેળવી શકાય છે.
દર સાતમાંથી એક દંપતિને બાળક પેદા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જે પૈકી આશરે અડધા દંપતિઓમાં થતી આ સમસ્યા માટે પુરુષો જવાબદાર હોય છે.
વૈજ્ઞાનિકોએ 119 તંદુરસ્ત પુરુષો પર પ્રયોગો કર્યાં હતા. એમની ઉંમર 18 થી 35 વર્ષ વચ્ચેની હતી. આ પુરુષોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમાંથી એક જૂથને દરરોજ 60 ગ્રામ સૂકો મેવો ખાવા માટે આપવામાં આવ્યો હતો.
જ્યારે બીજા સમૂહને પહેલા જેવો જ ખોરાક આપવામાં આવ્યો હતો.
આ સંશોધન દ્વારા વૈજ્ઞાનિકોને જાણ થઈ હતી કે સૂકા મેવા ખાનારા પુરુષોનાં શુક્રાણુમાં 14 ટકાનો વધારો થયો હતો.
એમની તંદુરસ્તી પહેલાં કરતાં ચાર ટકા વધી હતી. એટલું જ નહીં શુક્રાણુની તરવાની શક્તિમાં 6 ટકાનો વધારો થયો હતો.
નિષ્ણાતો જણાવે છે કે આ સંશોધન વડે અન્ય સંશોધનોને પણ સમર્થન મળ્યું છે.
ઓમેગા-3, ફેટી એસિડ અને એન્ટી ઑક્સીડેન્ટ યુક્ત ભોજન લેવાથી પ્રજનન ક્ષમતામાં સુધારો થાય છે.
સૂકા મેવામાં આ તમામ તત્ત્વો અને અન્ય પોષક તત્ત્વો પણ હોય છે.
સંશોધન કરનારી સ્પેનની રોવીરા યુનિવર્સિટીનાં ડૉક્ટર અલ્બર્ટ સાલાસ હ્યૂતોસ જણાવે છે, ''વૈજ્ઞાનિકો પુરાવા ભેગા કરી રહ્યા છે કે સારા ખોરાકથી પ્રજનન ક્ષમતા સુધારવામાં મદદ મળે છે.''
જોકે, વૈજ્ઞાનિકોનું એવું પણ કહેવું છે કે જે પુરુષો પર પ્રયોગ કરવામાં આવ્યા તે તંદુરસ્ત જ હતા.
એ જોવાનું હજુ બાકી છે કે નબળા પુરુષો પર આની કેવી અસર થાય છે.
યુનિવર્સિટી ઑફ શેફીલ્ડનાં પુરુષવિજ્ઞાનના નિષ્ણાત પ્રોફેસર એલન એસી જણાવે છે કે એવું પણ બની શકે છે કે મેવા ખાનારા પુરુષોએ એમના જીવનમાં એવા કોઈ સકારાત્મક ફેરફાર કર્યાં હોય કે જેનો આ શોધમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય.
પ્રોફેસર એલન સંશોધકોમાં સામેલ નહોતા.
લંડનની એક પુરુષ હૉસ્પિટલમાં ક્લિનિકલ એમ્બ્રાયોલૉજિસ્ટ રહેલાં ડૉ. વર્જીનિયા બૉલ્ટન જણાવે છે કે સંશોધનનાં પરિણામો સૈદ્ધાંતિક રીતે તો રોચક છે પણ એ કહેવું મુશ્કેલ છે કે આનાથી ગર્ભાધાનની સંભાવના વધારવામાં કેટલો ફાયદો થશે.
તેઓ જણાવે છે, ''જ્યાં સુધી આપણને બધા જ સવાલના જવાબ મળી જતા નથી ત્યાં સુધી આપણા તમામ દર્દીઓને ધ્રૂમ્રપાન અને શરાબ છોડી દેવા, સારું ભોજન લેવા અને તંદુરસ્ત જીવન જીવવા માટે જણાવવું જોઈએ.''
સંશોધનનાં આ પરિણામો બાર્સીલોનામાં યુરોપિયન સોસાયટી ઑફ હ્યૂમન રિપ્રોડ્કશન એન્ડ એબ્રાયોલૉજીની એક બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો