તમારી પ્રજનનશક્તિ ઓછી છે કે વધુ જણાવશે આ સંશોધન!

    • લેેખક, મિશેલ રોબર્ટ્સ
    • પદ, હેલ્થ એડિટર, બીબીસી ન્યૂઝ ઑનલાઇન

ડચ વૈજ્ઞાનિકોએ સંશોધન ક્ષેત્રે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં ઉંદરનાં શુક્રાણુ તેમજ ઇંડામાંથી નહીં, પણ કોષિકાઓમાંથી ભ્રૂણનું નિર્માણ કર્યું છે.

નેચર જર્નલમાં જણાવ્યા અનુસાર સ્ટેમ સેલ્સમાંથી મળેલી આ સફળતા મનુષ્યો તેમજ પ્રાણીઓને ક્લોન કરવા માટે નથી. પણ એ સમજવા માટે છે કે ગર્ભધારણના શરૂઆતના તબક્કામાં જ સગર્ભાવસ્થા નિષ્ફળ કેમ નિવડે છે.

ડિશમાં વિકસાવવામાં આવેલા ભ્રૂણને માદા ઉંદરનાં ગર્ભાશય સાથે જોડવામાં આવ્યાં અને કેટલાક દિવસ સુધી તેનો વિકાસ કરવામાં આવ્યો.

નિષ્ણાતો માને છે કે આ પદ્ધતિને સમજવાથી મનુષ્યોની પ્રજનનશક્તિ વિશે જાણવામાં મદદ મળી રહેશે.

શરૂઆતી સમયમાં થઈ જાય છે કસુવાવડ

ઘણી વખત કસુવાવડ ત્યારે થઈ જાય છે, જ્યારે મહિલાને ખબર પણ હોતી નથી કે તે ગર્ભવતી છે.

આવું ત્યારે થાય છે જ્યારે ફલિત અંડકોષ ગર્ભાશયમાં સ્થાપિત થઈ શકતું નથી.

નિષ્ણાતો હજુ સુધી એ સમજી શક્યા નથી કે આવું શા માટે થાય છે.

જોકે, તેને વિકાસ પામતા ભ્રૂણમાં કેટલીક અસાધારતાઓ સાથે જોડીને જોવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ભ્રૂણ પ્રાથમિક તબક્કે કેવી રીતે વિકાસ પામે છે તે જાણવું અને સમજવું થોડું અઘરું છે.

હવે મૉડલ ભ્રૂણ બનાવવા માટે અંડકોષ અને શુક્રાણુનો ઉપયોગ ન કરી સ્ટેમ સેલ્સનો ઉપયોગ કરવો, એ વૈજ્ઞાનિક સંશોધન માટે ઘણા અવસર લઈને આવી શકે છે.

કેવી રીતે થયો પ્રયોગ?

સ્ટેમ સેલ્સ અવિકસિત સેલ્સ હોય છે કે જે પ્રાથમિક જીવન અને વિકાસ દરમિયાન અલગ અલગ રૂપ ધારણ કરે છે.

મર્લિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ્ટ્રિક્ટ યુનિવર્સિટીના ડૉ. નિકોલસ રિવરન અને તેમની ટીમે માદા ઉંદરનાં બે પ્રકારનાં સ્ટેમ સેલ્સને મિક્સ કરી ભ્રૂણ જેવી રચના કરી હતી.

માઇક્રોસ્કોપમાં આ ભ્રૂણ અસલી ભ્રૂણ જેવાં જ લાગતાં હતાં. ત્યારબાદ સંશોધકોએ તેને ઉંદરના ગર્ભાશયમાં પ્રસ્થાપિત કર્યાં હતાં.

ઘણા વૈજ્ઞાનિકોએ સ્ટેમ સેલ્સથી ભ્રૂણ બનાવ્યાં છે, પણ ક્યારેય તેને ગર્ભાશયમાં પ્રસ્થાપિત કર્યાં નથી.

ડૉ. રિવરને બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "અમે હવે તેનાં જેવાં બીજાં ઘણાં બધાં ભ્રૂણનું નિર્માણ કરી શકીએ છીએ કે જેનાથી અમે વધારે સંશોધન કરી શકીએ. તેનાથી અમને એ જાણવામાં મદદ મળશે કે કેટલાંક ભ્રૂણ ગર્ભાશયમાં કેમ સ્થાપિત થઈ શકતાં નથી. તેનાથી અમે પ્રજનનશક્તિ સાથે જોડાયેલી કોઈ દવા પણ બનાવી શકીશું."

તેમણે વધુમાં જણાવ્યું કે મનુષ્યના સ્ટેમ સેલ્સમાંથી ભ્રૂણ બનાવવું હાલ માટે શક્ય નથી. કેમ કે તેના માટે માન્યતા મળવી જરૂરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો