સરકારી કંપનીઓ વેચીને મોદી સરકાર એક લાખ કરોડ રૂપિયા રળી શકશે?

    • લેેખક, ઝુબૈર અહેમદ
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

ભારત સરકારે વર્ષ 2019-20 માટે પોતાની કંપનીઓમાં વિનિવેશનું લક્ષ્ય 1.05 લાખ કરોડ રૂપિયાનું રાખ્યું છે.

કેબિનેટે 24 સરકારી કંપનીઓમાં વિનિવેશ અને ખાનગીકરણને મંજૂરી આપી દીધી છે. તેની પ્રક્રિયા જલદી શરૂ થશે.

વિનિવેશમાં સરકાર પોતાની કંપનીઓના કેટલાક ભાગને ખાનગી ક્ષેત્રને વેચી દે છે અથવા તો શૅરબજારમાં પોતાની કંપનીઓના સ્ટૉકને ફ્લૉટ કરે છે.

ખાનગીકરણ અને વિનિવેશને મોટા ભાગે એકસાથે વાપરવામાં આવે છે પરંતુ ખાનગીકરણ તેનાથી અલગ હોય છે.

તેમાં સરકાર પોતાની કંપનીમાં 51%થી વધારે ભાગ ખાનગી કંપનીને વેચે છે જેના કારણે કંપનીનું મૅનેજમૅન્ટ સરકાર પાસેથી હટીને ખરીદદાર પાસે જતું રહે છે.

સરકાર ખાનગીકરણ અને વિનિવેશના માધ્યમથી પૈસા ભેગા કરે છે જેનાથી તે બજેટના નુકસાનને ઓછું કરે છે અથવા તો કલ્યાણનાં કામોમાં લગાવે છે.

તો શું મોદી સરકાર આ વર્ષના વિનિવેશનું વિશાળ લક્ષ્ય પૂર્ણ કરી શકશે?

છેલ્લાં બે વર્ષમાં મોદી સરકારે વિનિવેશનાં પોતાનાં લક્ષ્ય કરતાં પણ વધારે પૈસા ભેગા કર્યા છે. એટલે સરકારને આશા છે આ નાણાકીય વર્ષનું લક્ષ્ય પણ પૂર્ણ થઈ જશે.

ભારત સરકારની પૉલિસી-થિંકટૅન્ક 'નીતિ આયોગ'ના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર કહે છે, "આ લક્ષ્ય અમે ત્રણ રીતે પુરું કરીશું - વિનિવેશ, ખાનગીકરણ અને સરકારી સંપત્તિનું મુદ્રીકરણ."

"અમને આશા છે કે અમે એક લાખ પાંચ હજાર કરોડ રૂપિયાનું લક્ષ્ય સહેલાઈથી પુરું કરી લઈશું."

નીતિ આયોગનું એક મહત્ત્વનું કામ છે. તેમણે સરકારી કંપનીઓ અને સંપત્તિઓની ઓળખ કરીને તેમના વિનિવેશ માટે કેન્દ્ર સરકારને સલાહ આપવાની હોય છે.

તેના ઉપાધ્યક્ષ તરીકે રાજીવ કુમારની તેમાં મહત્ત્વની ભૂમિકા હોય છે.

તેઓ કહે છે કે વિનિવેશની પ્રક્રિયા આગામી સમયમાં ઝડપથી શરૂ થવાની છે.

રાજીવ કુમારે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે નીતિ આયોગે વિનિવેશ કે વેચાણ માટે કેન્દ્ર સરકારને 46 કંપનીઓની યાદી સોંપી છે. કેબિનેટે તેમાંથી 24ના વિનિવેશને મંજૂરી આપી દીધી છે.

તેમણે કહ્યું, "તમે જોઈ રહ્યાં છો કે ઍર ઇન્ડિયાના ખાનગીકરણની વાતે ખૂબ વેગ પકડ્યો છે. તમે જોશો કે જલદી એક નવું પૅકેજ સામે આવશે."

'મહારાજા ઑન સેલ'

આ વર્ષે સૌથી મહત્ત્વપૂર્ણ વિનિવેશ અથવા ખાનગીકરણ ઍર ઇન્ડિયામાં થશે.

ગત વર્ષે મોદી સરકારને દેવામાં ડૂબેલી અને નુકસાનનો સામનો કરી રહેલી ઍર ઇન્ડિયા અને તેની સાથે જોડાયેલી નાની કંપનીઓને કોઈ ખાનગી સૅક્ટરના ખરીદદાર મળ્યા ન હતા.

તેને ખરીદવામાં રસ ધરાવતી કંપનીઓના જણાવ્યા પ્રમાણે સરકારે એવી શરતો મૂકી હતી કે કોઈ ઍર ઇન્ડિયાને ખરીદવા તૈયાર થયું ન હતું.

આર્થિક મામલોના નિષ્ણાત વિવેક કૌલના જણાવ્યા અનુસાર, સરકારની એક શરત એવી હતી કે તેના ખરીદદાર પાંચ વર્ષ સુધી કર્મચારીઓ અને સ્ટાફને કાઢી ન શકે.

જોકે, આ વખતે સરકારે પોતાની શરતો સહેલી કરી નાખી છે અને પૅકેજને આકર્ષક બનાવવાનો પ્રયાસ કર્યો છે.

નીતિ આયોગના રાજીવ કુમાર કહે છે, "અમે ગત વર્ષે મળેલી નિષ્ફળતાથી પાઠ ભણ્યો છે. આ વખતે તે ભૂલ ફરી નહીં કરીએ."

આ નવા પૅકેજને ઉડ્ડયન મંત્રાલયે તૈયાર કર્યું છે.

સરકારને આશા છે કે ઍર ઇન્ડિયાના વેચાણથી 70 હજાર કરોડ રૂપિયા મળશે.

સૂત્રોની માહિતી પ્રમાણે સરકાર તેને વેચવાની પ્રક્રિયા આગામી મહિને શરૂ કરી શકે છે.

જોકે, સૂત્રો પ્રમાણે કેટલાક નિર્ણય હજુ લેવાના બાકી છે. જેમ કે ગત વખતની જેમ સરકાર 74% વિનિવેશ કરે કે પછી 100% ખાનગીકરણ?

તે અંગે ગૃહમંત્રી અમિત શાહ નિર્ણય લેશે. તેઓ પાંચ મંત્રીઓ વાળી તે સમિતિના અધ્યક્ષ છે જે વિનિવેશની શરતો અને નિયમો નક્કી કરે છે.

અરુણ જેટલીની નિવૃત્તિ બાદ આ જવાબદારી અમિત શાહના માથે આવી છે.

પરંતુ સરકારની વિનિવેશની રીત પર અર્થશાસ્ત્રીઓ વચ્ચે મતભેદ છે.

વિનિવેશમાં સામાન્યપણે સરકાર પોતાની કંપનીના કેટલાક ભાગને વેચી નાખે છે, જેને ખાનગી કંપનીઓ ખરીદે છે.

મૅનેજમૅન્ટ કંટ્રોલ સરકાર પાસે જ રહે છે.

પરંતુ મોદી સરકારે ઘણી વખત એક સરકારી કંપનીના શૅરને સેલ પર લગાવ્યા અને બીજી સરકારી કંપનીને તેને ખરીદવા મજબૂર કરી.

સરકારી કંપનીના શૅર બીજી સરકારી કંપની ખરીદે તો?

હાલ સૌથી મોટો વિનિવેશ તેલ અને પ્રાકૃતિક ગૅસ કંપની એચપીસીએલમાં કરાયો હતો. જેના કંટ્રોલિંગ સ્ટૅકને (51% કરતાં વધારે) તેલ અને પ્રાકૃતિક ગૅસની સૌથી મોટી સરકારી કંપની ઓએનજીસીએ આશરે 37 હજાર કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.

તેના માટે કૅશ-રિચ અને દેવા વગરની કંપની ઓએનજીસીએ 24 હજાર કરોડ રૂપિયાનું દેવું લેવું પડ્યું હતું.

બન્ને કંપનીઓની માલિક કેન્દ્ર સરકાર છે. તો શું તેને ખરી રીતે વિનિવેશ કહી શકાય?

મુંબઈમાં આર્થિક મામલાના નિષ્ણાત વિવેક કૉલ કહે છે, "વિનિવેશ એક પ્રકારનો ડ્રામા છે અથવા તો એવું કહી શકાય છે કે સરકાર માટે પૈસા ભેગા કરવાની એક સહેલી રીત. તેનાથી કંઈ થતું નથી."

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર આ વાત પર સહમત નથી.

તેઓ કહે છે, "આ દક્ષતા વધારે છે. એ પણ જરૂરી નથી કે તમને દરેક ક્ષેત્રમાં એક ખાનગી ખરીદદાર મળશે."

આર્થિક વિશેષજ્ઞ કહે છે કે વિનિવેશમાં મોટાભાગે આ વર્ષે પણ આવું જ થશે.

વાસ્તવિકતા એ છે કે વિનિવેશની પ્રક્રિયામાં એક સરકારી કંપની દ્વારા બીજી સરકારી કંપની ખરીદવાની પ્રથા વર્ષ 1991થી શરૂ થયેલા ખાનગીકરણના સમયથી ચાલુ થઈ છે.

વિનિવેશની ગતિ ઝડપી કે ધીમી?

એવું ચોક્કસ છે કે છેલ્લાં બે વર્ષોમાં વિનિવેશની પ્રક્રિયા વધી છે. તેની ઝડપ વધી છે.

પરંતુ તેના માટે સરકારને શુભકામના પાઠવવી કે તેની ટીકા કરવી, તેના પર વૈચારિક મતભેદ છે.

જે લોકો ખાનગીકરણના સમર્થનમાં છે અને જેમના પ્રમાણે કંપનીઓ ચલાવવી સરકારનું કામ નથી, તેઓ મોદી સરકારના વિનિવેશની ગતિને ધીમી માને છે.

તેઓ ઇચ્છે છે કે સરકાર પોતાની કંપનીઓને વેચીને જનતાને મકાન, સ્વાસ્થ્ય, રોજગારી અને વીજળી આપવાના કામ પર વધારે ધ્યાન આપે.

વિવેક કૌલના જણાવ્યા પ્રમાણે સરકાર જેટલી જલદી પોતાની કંપનીઓમાં વિનિવેશ કરે તેટલું સારું છે. પરંતુ તેઓ ઇચ્છે છે કે સરકાર ખાનગી કંપનીઓના હસ્તે પોતાની કંપનીઓ વેચે.

પરંતુ એ વિશેષજ્ઞ જેઓ સરકારી કંપનીઓ અને સંપત્તિઓને ખાનગી હાથોમાં આપવાની વિરુદ્ધ છે તેઓ મોદી સરકારની વિનિવેશની ગતિથી ભયભીત છે.

આર્થિક મુદ્દાઓ સાથે સંબંધિત સ્વદેશી જાગરણ મંચ કે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક સહયોગી સંસ્થા છે અને જે મંત્રીઓ પર આર્થિક મુદ્દાઓ પર દબાણ કરે છે, તે કહે છે કે તે સરકારી સંપત્તિને ખાનગી કંપનીઓને વેચવાની વિરુદ્ધ છે.

આ સંસ્થા પ્રમાણે છેલ્લાં બે વર્ષમાં વિનિવેશની ગતિ ખૂબ વધી છે.

સ્વદેશી જાગરણ મંચના અરુણ ઓઝા કહે છે, "અમે વિનિવેશનો સંપૂર્ણપણે વિરોધ કરતા નથી. અમે વ્યૂહાત્મક વેચાણની વિરુદ્ધ છીએ. વિનિવેશ જનતા વચ્ચે શૅર જાહેર કરીને થઈ શકે છે."

પૂંજી ક્યાંથી આવશે?

છેલ્લા ત્રણ મહિનામાં આર્થિક વિકાસ દર ઘટીને 5.8 ટકા રહી ગયો છે.

એક સમયમાં એટલે કે 2003થી 2012 સુધી નિકાસ દર 13-14% રહેતો. આજે આ દર 2% કરતાં પણ ઓછો થઈ ગયો છે.

નીતિ આયોગના રાજીવ કુમાર કહે છે કે સરકાર આ અંગે ચિંતિત છે.

તેમનું કહેવું છે, "આ અંગે ચિંતા છે. સરકાર એ પ્રયાસમાં છે કે આ સ્લૉડાઉન વધારે દિવસ સુધી ન ચાલે."

દેશમાં પૂંજીની ખામી છે. ઘરેલૂ કંપનીઓ પાસે પૂંજી નથી. તેમાંથી મોટાભાગની દેવાદાર પણ છે.

બૅન્કોની હાલત પણ ખરાબ છે. તેવામાં વિદેશી રોકાણ પહેલાં કરતાં ઘણું વધારે જરૂરી છે.

મોદી સરકારે વેપાર અને રોકાણમાં સુધારો લાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમના માટે સારા સમાચાર એ છે કે વર્ષ 2018-19માં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)ની રકમ રેકર્ડ 64.37 અબજ ડૉલરની રહી.

વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે ખાનગીકરણ અને વિનિવેશમાં વિદેશી કંપનીઓના રોકાણકારોને લલચાવવા જરૂરી છે.

ભારત સરકાર 257 કંપનીઓની માલિક છે અને 70થી વધારે કંપનીઓ લૉન્ચ થવાની છે.

આ સિવાય રેલવે અને તેની તમામ સંપત્તિની માલિક પણ કેન્દ્ર સરકાર છે. સરકારી બૅન્કોમાં પણ તેની મિલકત આશરે 57% છે.

રાજીવ કુમાર પણ એ વાતને સમર્થન આપે છે કે પબ્લિક સેક્ટર કંપનીનું સ્ટેટસ ગુમાવ્યા વગર સરકાર 51%થી ઉપર સરકારી બૅન્કોમાં પોતાના શૅર વિનિવેશ કરી શકે છે.

પરંતુ કેટલાક આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે વધારેમાં વધારે સરકારી મિલકતને વેચવા માટે અથવા તેના ખાનગીકરણ માટે સરકારની રાજકીય ઇચ્છાશક્તિ જરૂરી છે.

વિવેક કૌલને એ વાતનો ખેદ છે કે મોદી સરકારની આર્થિક નીતિ જૂની સરકારોથી અલગ નથી.

તેઓ માને છે કે તેને સમાજવાદથી અત્યાર સુધી છૂટકારો મળી શક્યો નથી.

તેમના પ્રમાણે, મોદીની આર્થિક નીતિ ઇંદિરા ગાંધીની નીતિ સાથે મેળ ખાય છે.

આ તરફ અમેરિકાના રાષ્ટ્રપતિએ "અમેરિકા ફર્સ્ટ કે અમેરિકા પહેલા"ની સંરક્ષણવાદી નીતિ અપનાવીને વૈશ્વીકરણના સમય પર પ્રશ્નાર્થચિન્હ લગાવી દીધો છે.

મોદી સરકારની અંદર એ પણ દુવિધા છે કે રાષ્ટ્રીય હિતને પહેલા જોવામાં આવે અથવા તો પૂંજીની જરૂરિયાતને મહત્ત્વ આપતા ખાનગીકરણનો રસ્તો પહેલા અપનાવવામાં આવે.

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર કહે છે કે ભારત સરકારે વૈશ્વીકરણના જમાનામાં પણ રાષ્ટ્રીય હિતને હંમેશાં સામે રાખ્યું છે.

તેમના પ્રમાણે સંરક્ષણ જેવા સંવેદનશીલ ક્ષેત્રમાં ખાનગીકરણ કરતા સમયે સરકાર ખાસરૂપે રાષ્ટ્રીય હિતનું ધ્યાન રાખશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો