મોદીની ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની નિમણૂકની જાહેરાતથી સેનામાં શું પરિવર્તન થશે?

    • લેેખક, જુગલ આર પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા

વાયુદળના વડાના ચહેરા ઉપર સ્મિત હતું, નૌકાદળના વડા માથું હલાવી રહ્યા હતા, જ્યારે સેનાધ્યક્ષ સ્થિર હતા.

તા. 15મી ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સૈન્યબળોમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની નિમણૂકની જાહેરાત કરી, ત્યારે આ દૃશ્ય જોવા મળ્યું હતું.

આ સુધારને વર્તમાન સમયની જરૂરિયાત જણાવતા મોદીએ કહ્યું, "સીડીએસ ત્રણેય સેનાઓનું નેતૃત્વ કરશે ઉપરાંત તેમાં સુધારનું કામ પણ કરશે."

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ એટલે...

સીડીએસ એટલે કે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ. મતલબ કે વાયુદળ, નૌકાદળ તથા સેનાધ્યક્ષના પણ બૉસ.

તેઓ સૈન્ય બાબતોમાં સરકારના એકમાત્ર સલાહકાર બની રહે તેવી સંભાવના છે.

અનેક લોકોને સવાલ થાય - શું સંરક્ષણ સચિવનું કામ નથી, જેઓ સામાન્ય રીતે વરિષ્ઠ આઈએએસ (ઇંડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ના અધિકારી હોય છે?

તેનો કોઈ જવાબ નથી.

જોકે, સીડીએસને કોણ નિયુક્ત કરશે, કેવી રીતે કામ કરશે અને તેમની જવાબદારી શું હશે, તે અંગે સ્પષ્ટતા નથી.

પરંતુ નિષ્ણાતો માને છે કે આ પદ ત્રણેય સશસ્ત્રદળોમાંથી વરિષ્ઠ સૈન્ય અધિકારીને મળે તેવી શક્યતા છે.

અચાનક જાહેરાત થઈ?

મોદીની જાહેરાત એકદમ ચોંકાવનારી નથી, આ એક એવો નિર્ણય હતો, જેના અંગે અગાઉ નિર્ણય લેવાઈ જવો જોઈતો હતો.

અપ્રત્યક્ષ-પ્રત્યક્ષ રીતે અગાઉ અનેક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે અણસાર આપ્યા હતા.

ડિસેમ્બર-2015માં 'આઈએનએસ વિક્રમાદિત્ય' ઉપર સંયુક્ત સેવાઓની કમાન્ડર્સ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી.

એમાં મોદીએ કહ્યું હતું, "સંયુક્ત સેવાઓમાં સર્વોચ્ચ અધિકારીની જરૂરિયાત લાંબા સમયથી વર્તાઈ રહી હતી. સેનાના વરિષ્ઠ અધિકારીઓનૈ ત્રણેય સેવાઓનો અનુભવ હોવો જોઈએ."

"આપણે વરિષ્ઠ સૈન્ય સંચાલનમાં સુધારની જરૂર છે. ભૂતકાળમાં સૈન્યવ્યવસ્થામાં સુધાર અંગે કેટલીક ભલામણો કરવામાં આવી હતી, પરંતુ તે લાગુ થઈ શકી ન હતી."

"જે દુખદ બાબત છે. મારા માટે તે પ્રાથમિક્તાનો વિષય છે."

આ મામલે અગાઉની સરકારોએ પણ કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ખાસ કંઈ થયું ન હતું.

કારગિલ યુદ્ધ પછીથી જ સરકારને સિંગલ પૉઇન્ટ સલાહકારની જરૂર અનુભવાઈ હતી.

હાલની પદ્ધતિ

હાલમાં સેનાધ્યક્ષ, ઍડમિરલ તથા ઍર ચીફ માર્શલ સ્વતંત્ર રીતે કામ કરે છે, પરંતુ દરેક સશસ્ત્ર દળ તેની યોજના તથા અભ્યાસના આધારે પોત-પોતાના મુખ્યાલયને આધીન કામ કરે છે.

અંદમાન નિકોબાર કમાન્ડ તથા વ્યૂહાત્મક ફૉર્સિઝ કમાન્ડ - ભારતના અણુ હથિયારોની સંભાળ રાખે છે.

આ બંને સંપૂર્ણપણે એકિકૃત છે, જેમાં સેનાની ત્રણેય પાંખના જવાન તથા અધિકારીઓ સામેલ હોય છે.

CDSથી શું બદલાશે ?

લેફ્ટનન્ટ જનરલ અનિસ ચૈત ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના વડાપદેથી નિવૃત્ત થયા છે.

કારગિલ યુદ્ધ બાદ તેનું ગઠન થયું હતું, પરંતુ તેના વડા સીડીએસ તરીકે નથી ઓળખાતા.

લેફ. જનરલ (રિટાયર્ડ) ચૈતના કહેવા પ્રમાણે, "દરેક સૈન્યપાંખ પોતાની ક્ષમતા વધારવા માટે ફંડ ઇચ્છે છે."

"સીડીએસ હશે તો સમાન રીતે ક્ષમતા વિકસાવવાની દિશામાં કામ થઈ શકશે."

હાલની સ્થિતિમાં ત્રણેય સેના સ્થિતિ તથા ઉપલબ્ધ વિકલ્પોને પોતાની રીતે ચકાસે છે તથા એક-એક યોજના લઈને આવે છે. આમ સરકાર સમક્ષ ત્રણ યોજના હોય છે.

સીડીએસની નિમણૂક થતા ત્રણેય સેનાઓની ઉપર એક સંચાલન હશે, જેથી ઓછા સંસાધનોમાં વધુ સારા પરિણામ મેળવી શકાય તેમ છે.

જોકે, બજેટ ફાળવણી ઓછી હોવા અંગે લેફ. જનરલ (રિટાયર્ડ) ચૈત કહે છે કે સીડીએસ હશે તો આધુનિકરણ કિફાયતી રીતે ધ્યાન આપી શકશે.

હવે શું થશે?

સૌથી મોટો સવાલ એ છે કે સશસ્ત્રદળોના વડાની જેમ જ તેઓ પણ 'ફૉર સ્ટાર જનરલ' હશે કે તેઓ 'ફાઇવ સ્ટાર' અધિકારી હશે? આ સવાલનો હાલમાં કોઈ જવાબ નથી.

વાયુદળના એક પૂર્વ વડાએ નામ ન આપવાની શરતે કહ્યું, "આગામી દિવસોમાં અનેક મુશ્કેલીઓ આવશે."

"સીડીએસની નિમણૂક કરવાથી લાભ થશે કે મુશ્કેલીઓ વધશે તે બાબત અનેક મુદ્દા ઉપર આધાર રાખશે."

"સીડીએસનું પદ સંરક્ષણ સચિવથી ઉપર હોવું જોઈએ. તેઓ સૌથી આગળ હોવા જોઈએ."

"મહત્ત્વપૂર્ણ નિમણૂકો તથા વરિષ્ઠ અધિકારીઓનાં કામકાજનું આકલન કરવાની સત્તા તેમને મળવી જોઈએ."

આ સ્થિતિમાં સીડીએસ સામે અનેક પડકાર પણ હશે. તેમના કહેવા પ્રમાણે:

"ઉચ્ચ અધિકારીઓ વચ્ચે અધિકાર માટે સંઘર્ષ થાય તેવી શક્યતા છે, કારણ કે સીડીએસને કારણે અનેકના અધિકારો ઉપર કાપ આવશે."

"પરંતુ, રાજકીય નેતૃત્વે સુનિશ્ચિત કરવું રહ્યું કે બાબુઓ તથા સૈન્ય અધિકારીઓ મળીને કામ કરે અને તેમના અધિકાર ઓછા ન થાય."

લેફ. જનરલ (રિટાયર્ડ) ચૈતના કહેવા પ્રમાણે, "મારા મતે સીડીએસ અધિકારી ફૉર-સ્ટાર છે કે ફાઇવ-સ્ટાર એ વાતથી કોઈ ફેર નથી પડતો."

"પરંતુ તેમને કેટલા અધિકાર મળે છે, તે બાબત મહત્ત્વપૂર્ણ છે. તેમના ઉપર એકલા હાથે જવાબદારી નિભાવવાની જવાબદારી હશે."

કારગિલ રિવ્યૂ કમિટીના સૌથી સિનિયર સભ્ય લેફટનન્ટ જનરલ (રિટાયર્ડ) કે. કે. હઝારી હવે 90 વર્ષના થઈ ગયા છે.

તેમની કમિટીએ જે ભલામણો કરી હતી, તેમાં સીડીએસનું પદ ઊભું કરવાની ભલામણ પણ સામેલ હતી. તાજેતરમાં તેમની સાથે મુલાકાત થઈ હતી, ત્યારે તેમણે કહ્યું હતું :

"ભારતનો રાજકીય વર્ગ આ પ્રકારની વ્યવસ્થાનો લાભ નથી જાણતો. અથવા તો કોઈ એક જ શખ્સને સૈન્ય સરંજામની કમાન સોંપવાના મુદ્દે ડરેલો છે - જોકે, આ બંને પૂર્વાગ્રહ અસ્થાને છે."

જોકે,સ્વતંત્રતા દિવસના ભાષણમાં માત્ર 39 સેકંડમાં વડા પ્રધાન મોદીએ આ મુદ્દે પ્રવર્તમાન તમામ પ્રકાર શંકાઓને નાબૂદ કરી દીધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો