You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Independence Day : ભારતની આઝાદીની સાત ઓછી જાણીતી રસપ્રદ વાત
15 ઑગસ્ટ 1947ના દિવસે બ્રિટિશોના શાસનમાંથી મળેલી આઝાદીની ઉજવણી થઈ રહી હતી અને બીજી તરફ ભારત અને પાકિસ્તાનના ભાગલાનો શોક પણ હતો.
ભારતની આઝાદીની લડાઈમાં અસંખ્ય લોકોનું યોગદાન છે, અનેક લડવૈયાઓએ આ લડાઈ માટે પોતાનો જીવ પણ આપી દીધો હતો.
આઝાદીની લડતના નેતાઓ પૈકીનું મહત્ત્વનું નામ એટલે મોહનદાસ કરમચંદ ગાંધી. જ્યારે દેશને 15 ઑગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી, ત્યારે મહાત્મા ગાંધી ઉજવણીમાં સામેલ થયા નહોતા. તો એ વખતે મહાત્મ ગાંધી ક્યાં હતા?
સ્વતંત્રતા સાથે જોડાયેલી આવી જ કેટલીક રસપ્રદ વાતો જે કદાચ તમે નહીં જાણતા હોવ.
સ્વતંત્રતાની ઉજવણી વખતે ગાંધીજી ક્યાં હતા?
મહાત્મા ગાંધી સ્વતંત્રતાદિવસે દિલ્હીથી હજારો કિલોમિટર દૂર સેંકડો માઇલ દૂર કલકત્તા (હાલના કોલકતા)ના 'હૈદરી મહેલ'માં હતા, જ્યાં તેઓ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે અનશન પર બેઠા હતા.
ભારત-પાકિસ્તાનના ભાગલા પગલે કેટલાક પ્રાંતોમાં હિંસા ફાટી નીકળી હતી.
કલકત્તા અને નોઆખલીમાં હિંસા ફાટી નીકળી હતી, ગાંધીજીને લાગ્યું કે નોઆખલીની હિંસાને શાંત પાડવા માટે કોલકતાની આગને ઠંડી પાડવી જોઈએ.
ગાંધીજીને લાગતું હતું કે કોલકતામાં મુસ્લિમોને અસલામત મૂકીને તેઓ કયા મોઢે નોઆખલીના હિંદુઓની સુરક્ષા માટે અપીલ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રસંગ વિશે વધારે અહીં વાંચો: હિંદુ-મુસ્લિમને ગાંધી કેમ નહોતા પસંદ?
નહેરુ અને સરદાર પટેલનો ગાંધીજીને પત્ર
જ્યારે નક્કી થઈ ગયું કે 15 ઑગસ્ટના રોજ ભારત સ્વતંત્ર થશે તો જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીને પત્ર મોકલ્યો હતો.
પત્રમાં લખ્યું હતું, "15 ઑગસ્ટ આપણે પહેલો સ્વાધીનતાદિવસ હશે. તમે રાષ્ટ્રપિતા છો. તેમાં તમારા આશીર્વાદ આપો."
ગાંધીએ પત્રનો જવાબ મોકલાવ્યો, "જ્યારે કલકત્તામાં હિંદુ- મુસ્લિમ એકબીજાનો જીવ લઈ રહ્યા છે, તેવામાં ઉજવણી કરવા માટે હું કેવી રીતે આવી શકું. હું આ પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવા માટે મારો જીવ આપી દઈશ."
જવાહરલાલ નહેરુનું ઐતિહાસિક ભાષણ
જવાહરલાલ નહેરુએ ઐતિહાસિક ભાષણ 14 ઑગસ્ટની મધરાતે વાઇસરૉય લૉજ (વર્તમાન રાષ્ટ્રપતિ ભવન)થી આપ્યું હતું, ત્યારે નહેરુ વડા પ્રધાન બન્યા ન હતા.
આ ભાષણ આખી દુનિયાએ સાંભળ્યું હતું, પરંતુ ગાંધી તે દિવસે નવ વાગ્યે સૂઈ ગયા હતા અને એથી તેમણે એ ભાષણ સાંભળ્યું નહોતું.
15 ઑગસ્ટ 1947ના રોજ લૉર્ડ માઉન્ટબેટને ઑફિસમાં કામ કર્યું, બપોરે નહેરુએ પોતાના મંત્રીમંડળની યાદી સોંપી અને પછી ઇન્ડિયા ગેટ પાસે પ્રિન્સેઝ ગાર્ડનમાં એક સભાને સંબોધન કર્યું.
15 ઑગસ્ટે લાલ કિલ્લા પર ઝંડો નહોતો ફરકાવાયો
દરેક સ્વતંત્રતાદિવસ પર ભારતીય વડા પ્રધાન લાલ કિલ્લાથી ઝંડો ફરકાવે છે, પણ 15 ઑગસ્ટ 1947ના રોજ એવું થયું ન હતું.
લોકસભા સચિવાલયના એક શોધપત્ર પ્રમાણે નહેરુએ 16 ઑગસ્ટ 1947ના રોજ લાલ કિલ્લાથી ઝંડો ફરકાવ્યો હતો.
ભારતના તત્કાલીન વાઇસરૉય લૉર્ડ માઉન્ટબેટનના પ્રેસસચિવ કૅમ્પબેલ જૉન્સનના જણાવ્યા પ્રમાણે મિત્ર દેશની સેનાની સામે જાપાનના સમર્પણની બીજી વર્ષગાંઠ 15 ઑગસ્ટના રોજ હતી. એથી આ જ દિવસે ભારતને સ્વતંત્ર કરવાનો નિર્ણય લીધો હતો.
આ સંદર્ભે વધુ અહીં વાંચો: ભારતનો સ્વાતંત્ર્યદિન 15 ઑગસ્ટ તો પાકિસ્તાનનો 14 ઑગસ્ટ કેમ?
ભારત અને પાકિસ્તાનની સરહદ ક્યારે જાહેર થઈ?
15 ઑગસ્ટે 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો અને એના એક દિવસ પહેલાં જ ભારતમાંથી અલગ કરાયેલું પાકિસ્તાન આઝાદ થઈ ગયું હતું.
આમ છતાં 15 ઑગસ્ટ સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ નક્કી થઈ શકી ન હતી.
બંને દેશો વચ્ચેની સરહદનો નિર્ણય 17 ઑગસ્ટના રોજ રેડક્લિફ લાઇનની ઘોષણાથી થયો હતો.
ભારત-પાકિસ્તાનના ભાગલા વિશે અહીં વાંચો: દેશના વિભાજન માટે દોષી કોણ?
જન ગણ મન...
ભારત દેશ 15 ઑગસ્ટના રોજ સ્વતંત્ર થયો, પરંતુ તેનું પોતાનું કોઈ રાષ્ટ્રગાન ન હતું. રવીન્દ્રનાથ ટાગોરે જન-ગણ-મન 1911માં જ લખી નાખ્યું હતું, પરંતુ તે રાષ્ટ્રગાન 1950માં જ બની શક્યું હતું.
આ વિશે વધુ અહીં વાંચો: 'જન ગણ મન' વિશે વિવાદ પછી શું હતો ટાગોરનો જવાબ
ત્રણ અન્ય દેશોની આઝાદી
15 ઑગસ્ટના રોજ ભારત સિવાય અન્ય ત્રણ દેશોનો પણ સ્વતંત્રતાદિવસ છે.
દક્ષિણ કોરિયા જાપાનથી 15 ઑગસ્ટ 1945ના રોજ સ્વતંત્ર થયું હતું. બ્રિટનથી બહરીન 15 ઑગસ્ટ 1971ના રોજ અને કોંગો ફ્રાંસથી 15 ઑગસ્ટ 1960ના રોજ સ્વતંત્ર થયું હતું.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો