અનુચ્છેદ 370 : 'પહેલાં અમારા દાદા-પરદાદાને છેતરવામાં આવ્યા, આજે અમને ઠગવામાં આવી રહ્યા છે.' - શાહ ફૈઝલ

    • લેેખક, સ્ટિફન સૅકર
    • પદ, બીબીસી સંવાદદાતા

ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અને પીપલ્સ મૂવમૅન્ટ (જેકેપીએમ)ના પ્રમુખ શાહ ફૈઝલની ધરપકડ કરીને તેમને પરત કાશ્મીર મોકલી દેવાયા હતા.

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવામાં આવી ત્યાર બાદ કેટલાક નેતાઓની અટકાયત કરવામાં આવી નહોતી. તેમાં શાહ ફૈઝલનો પણ સમાવેશ થતો હતો.

સમાચાર અનુસાર દિલ્હી ઍરપૉર્ટ પર જ તેમની અટકાયત કરાઈ હતી. તે પહેલાં જ શાહ ફૈઝલે શંકા વ્યક્ત કરી હતી કે 'બીજા નેતાઓની જેમ મારી પણ ગમે ત્યારે ધરપકડ થઈ શકે.' તેમનું કહેવું હતું કે કાશ્મીરમાં ભય ફેલાયેલો છે.

બીબીસી 'હાર્ડટૉક' કાર્યક્રમના સંચાલક સ્ટિફન સૅકરે જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમૅન્ટના નેતા શાહ ફૈઝલ સાથે લાંબી વાતચીત કરી હતી.

વર્ષ 2009માં કાશ્મીરમાથી યુપીએસસીની પરીક્ષા આપીને ટૉપર બનેલા ફૈઝલનું કહેવું છે કે કાશ્મીરના 80 લાખ લોકો છેલ્લા કેટલાક દિવસથી કેદી જેવી હાલતમાં છે.

યુદ્ધ જેવી સ્થિતિ

શાહ ફૈઝલે કહ્યું, "જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી કર્ફ્યુ લાગેલો છે. કાશ્મીરના 80 લાખ લોકો કેદી જેવી સ્થિતિમાં છે."

"રસ્તા ખાલીખમ છે. બજારો બંધ છે. એક જગ્યાથી બીજી જગ્યાએ જવું મુશ્કેલ છે. ટેલિફોન, મોબાઇલ બંધ છે."

"બહાર વસેલા કાશ્મીરીઓ પોતાના પરિવારજનો સાથે વાત કરી શકે તેમ નથી. ખાદ્ય પદાર્થોની તંગી ઊભી થવા લાગી છે."

"લોકોને સમજાતું નથી કે શું થઈ રહ્યું છે. સુરક્ષા દળોને અભૂતપૂર્વ રીતે ગોઠવી દેવાયા છે. અહીં યુદ્ધ જેવી સ્થિતિ છે."

"લોકો સગાઓને પણ મળી શકતા નથી. અલગતાવાદી હોય કે ભારતના સમર્થક હોય બધા નેતાઓને પકડી લેવાયા છે."

ફૈઝલ કહે છે, "ચોથી ઑગસ્ટે થયેલી સર્વપક્ષીય બેઠકમાં હાજર નેતાઓમાંથી માત્ર હું બહાર છું."

"હું અહીંથી નીકળ્યો ત્યારબાદ પોલીસ એકથી વધુ વાર મારા ઘરે આવી છે."

"પણ હું એરપોર્ટ અને ત્યાંથી દિલ્હી કેવી રીતે પહોંચ્યો તેની પણ એક કહાની છે."

"એવું બને કે સંપર્ક સુવિધા બંધ હોવાથી હું ઘરેથી નીકળ્યો તે વાત તેઓ પોતાના ઉપરીઓને જણાવી શક્યા નહીં હોય."

"પણ હવે મને શંકા છે કે હું અહીંથી પરત જઈશ ત્યારે બીજાની જેમ મને પણ પકડી લેવામાં આવશે."

'કાશ્મીરના બધા નેતાઓ કેદમાં છે'

તમારા પક્ષના કાર્યકરો અને આમ જનતા માટે શું સંદેશ છે? તથા તમે ભારતે કબજો જમાવ્યો છે એવું કહી રહ્યા છો, ત્યારે લોકો રસ્તા પર ઊતરી આવે તેવું ઇચ્છો છો? એવો સવાલ તેમને પૂછવામાં આવ્યો હતો.

શાહ ફૈઝલે કહ્યું, "તમે જુઓ કે પાંચ ઑગસ્ટે શું થયું. મારી જેમ ચૂંટણીના રાજકારણમાં રસ ધરાવતા મુખ્યધારાના બધા નેતાઓને પકડી લેવામાં આવ્યા."

"તેમના પર કોઈ તર્ક વિના સંસદમાં પસાર થયેલો કાયદો થોપી દેવાયો. હજી સુધી બે ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓ સહિત અનેક નેતાઓ અટકાયતમાં છે."

"તમે જનતા દ્વારા દેખાવોની વાત કરો છો, પણ ગયા અઠવાડિયે જે રીતે સુરક્ષાદળોને ગોઠવી દેવાયા છે તે પછી પ્રદર્શન માટે લોકોને એકઠા કરવા અસંભવ છે."

'આનો વિરોધ થશે'

"હું લોકોને શાંતિ જાળવવા અપીલ કરું છું. સાથે એ પણ સમજું છું કે સુરક્ષાદળોની ગોઠવણમાં થોડી ઢીલ અપાશે, ત્યારે લોકો સ્વાભાવિક છે કે તેનો વિરોધ કરશે."

"મારી કે અન્ય કોઈ કાશ્મીરી નેતાઓની વાત સાંભળવામાં નહીં આવે."

"અત્યારે મોટા પાયે સુરક્ષાદળો છે, તેની સામે કોણ અવાજ ઉઠાવે, પણ મને લાગે છે કે આનો વિરોધ થયા વિના નહીં રહે."

ભાજપ ઘણા સમયથી ઢંઢેરામાં કલમ 370 હટાવવાની વાત કરતો જ હતો અને હવે સરકાર પાસે બહુમતી છે, ત્યારે આ પગલું તમને આશ્ચર્યકારક કેમ લાગે છે?

'સંસદમાં બંધારણની હત્યા'

આ સવાલના જવાબમાં શાહ ફૈઝલે કહ્યું, "ભારતને દુનિયાનું મહાન લોકતંત્ર ગણવામાં આવે છે."

"મોદી સત્તામાં હોવા છતાં અમને ખાતરી હતી કે ઘણી બધી બંધારણીય સંસ્થાઓ છે, જે અમારા અધિકારોની રક્ષા કરશે. તેથી જ અમે સુરક્ષિત અનુભવ કરતા હતા."

"તેથી આવી રીતે તેને હટાવી દેવાઈ તેનું મને આશ્ચર્ય છે. બંધારણનો ઇતિહાસ અને કલમ 370નો છેલ્લાં 70 વર્ષનો ઇતિહાસ જોઈને બંધારણના જાણકારો એકમત હતા કે બંધારણીય પ્રક્રિયાથી તેને હટાવવી અસંભવ છે."

"તેથી તેને નાબૂદ કરી દેવા માટે દેશની સંસદમાં તદ્દન ગેરબંધારણીય પદ્ધતિ અપનાવીને, બંધારણની હત્યા કરી દેવામાં આવી."

'સાંસદોએ બહુમતીનો અવાજ બનવું જોઈએ નહીં'

કલમ 370ની નાબૂદી અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન ખરડો રાજ્યસભા અને લોકસભામાં બહુમતીથી પસાર થયા છે તે વિશેના સવાલના જવાબમાં તેમણે કહ્યું:

"ભારતમાં અનોખી વિવિધતા છે. દેશની સંસદમાં 130 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે."

"સાંસદોએ બહુમતીનો અવાજ બનવું જોઈએ નહીં. આ જ અમારી સમસ્યા છે. આવી સ્થિતિમાં લઘુમતીનું કોણ સાંભળશે?"

"કાલે કોઈ બીજા રાજ્ય સાથે પણ તમે આવું કરી શકો છો. સંસદે દેશના પ્રજાતાંત્રિક ઢાંચાને નુકસાન કર્યું છે."

"મારું માનવું છે કે આ કામ માટે બહુમતી નથી મળી. બંધારણની મૂળ ભાવનાના રક્ષણ માટે, સુપ્રીમ કોર્ટે મૂળભૂત સિદ્ધાંતોને સ્થાપિત કરેલા છે."

"આ નિર્ણયના વિરોધમાં અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. ઘણા પક્ષો સુપ્રીમ કોર્ટમાં ગયા છે."

'ભાજપનો ઍજન્ડા'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે હવે જમ્મુ અને કાશ્મીરનો વધારે વિકાસ થશે.

તે અંગેના સવાલના જવાબમાં ફૈઝલે કહ્યું કે, "370 ખતમ કરવા માટે તેની સાથે ખોટી વાતો જોડવામાં આવી હતી."

"જમ્મુ-કાશ્મીરનો વિકાસદર બીજાં ઘણાં રાજ્યો કરતાં સારો છે. જીડીપી, માથાદીઠ આવક, 1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા, જન્મ અને મૃત્યુદર સહિત ઘણી બાબતોમાં જમ્મુ-કાશ્મીર બીજાં ઘણાં રાજ્યોથી આગળ છે."

તેઓ કહે છે, "ભૂમિસુધારણા માટે લેવાયેલાં પગલાંની ગૅરંટી કલમ 370ને કારણે હતી. દેશના બીજો કાઈ રાજ્યમાં લૅન્ડ-રિફોર્મમાં આટલું સારું કામ થયું નથી."

"આ બધી બાબતો ભાજપના 'એક વિધાન, એક પ્રધાન, એક સંવિધાન, એક ઝંડા, એક રાષ્ટ્રપતિ અને એક વડાપ્રધાન' ઍજન્ડા હેઠળ કરવામાં આવી રહી છે."

"સૌને એક જ રંગમાં ઢાળવાનો આ વિચાર છે, જેમાં વિવિધતા ઓછી હોય. તેઓ લઘુમતીઓ, વિવિધતા, અલગ સંસ્કૃતિનું સન્માન કરવાનું સમજતા નથી."

"ખાસ કરીને મુસ્લિમો સામે જોરદાર વિરોધ છે. તેનો જ અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે."

'હું કઠપૂતળી બનવા માગતો નથી'

તમે હંમેશા અલગતાવાદનો વિરોધ કર્યો છે અને સમસ્યાના ઉકેલ માટે વાટાઘાટોની તરફેણ કરી છે.

તે અંગેના સવાલના જવાબમાં ફૈઝલ કહે છે, "વાટાઘાટોથી સમસ્યાનો ઉકેલ આવી શકે છે તેવો વિશ્વાસ રાખનારા મારા સહિતના બધા લોકોનો વિશ્વાસ તૂટી ગયો છે."

"જમ્મુ અને કાશ્મીરમાં રાજકારણ કરવાનો હવે એક જ અર્થ થાય છે, કાં તો કઠપૂતળી બની જાવ અથવા અલગતાવાદી બની જાવ."

"રાજનીતિની રીત હવે બદલાઈ જશે. અને હું કઠપૂતળી બનવાનો નથી. પહેલાં અમારા દાદા-પરદાદાને છેતરવામાં આવ્યા, આજે અમને ઠગવામાં આવી રહ્યા છે."

'પાંચ ઑગસ્ટે અપમાન કર્યું'

તમે સિવિલ સર્વિસ પરીક્ષામાં પાસ થયા પછી ઘણાં વર્ષો સરકારમાં રહ્યા અને અલગતાવાદનો વિરોધ કરતા રહ્યા.

'શુદ્ધ પાણી, માળખાકીય સુવિધા અને વિકાસની તમે વાતો કરતા હતા, તો તમને હવે લાગે છે કે તમે ખોટા હતા?'

"હું દુનિયા સામે કબૂલ કરવા માગું છું કે આટલા દિવસો અમે લોકોને ખોટી પ્રોડક્ટ વેચવાની કોશિશ કરી રહ્યા હતા."

"કાશ્મીરી લોકોને વિશ્વાસમાં લીધા વિના બંધારણમાં સુધારો કરીને પાંચમી ઑગસ્ટે અમને નીચા દેખાડાયાં છે."

"સેનાને ગોઠવીને લોકોને ઘરમાં બંધ કરી દેવાયા અને તેમના અવાજને દબાવી દેવાયો. કાશ્મીરીઓનો અભિપ્રાય જાણ્યા વિના મોદીએ તેમના પર પોતાનો ઍજન્ડા થોપી દીધો છે."

અલગતાવાદ કે ઉગ્રવાદ

શાહ ફૈઝલને પૂછવામાં આવ્યું કે તેઓ શું ઉગ્રવાદને સાથ આપશે?

તેમણે કહ્યું, "હું અહિંસામાં વિશ્વાસ રાખું છું. કાશ્મીરમાં અહિંસક રાજકીય વિરોધપ્રદર્શન કરવામાં આવશે."

"તેમાં ઘણો સમય લાગશે, પણ હું માનું છું કે દુનિયાભરમાં અહિંસક વિરોધ જ સફળ થયો છે. હું પણ તે જ માર્ગે ચાલીશ."

તેમને ફરીથી પૂછાયું કે પણ તમારી ભાષા તો અલગતાવાદીઓ જેવી છે?

જવાબમાં શાહ ફૈઝલે કહ્યું, "એ તો ભારત સરકારનું નૅરેટિવ છે કે કોણ મુખ્યધારાની રાજનીતિમાં છે અને કોણ અલગતાવાદી છે."

"વાજબીપણાની વાત કરતા હો તો અલગતાવાદી તો એ લોકો છે જેઓ ભારતીય બંધારણને નથી માનતા. તેમની સાથે મોટી સંખ્યામાં લોકો છે."

"એક રીતે જુઓ તો તેઓ ત્યાં મુખ્યધારાની રાજનીતિ કરી રહ્યા હતા, પણ તે મુખ્યધારાની રાજનીતિમાં અમારી તરફેણના લોકો નહોતા."

"હવે કાશ્મીરની રાજનીતિમાં આ બધા શબ્દપ્રયોગો બદલાઈ જશે. હું સમાધાનના પક્ષમાં છું અને કાશ્મીરમાં શાંતિ ઇચ્છું છું."

તમારા પિતાની હત્યા ઉગ્રવાદીઓએ કરી હતી, ત્યારે તમને લાગે છે કે કાશ્મીરમાં ફરીથી હિંસાનો માહોલ ઊભો થશે?

ફૈઝલ કહે છે, "છેલ્લાં 30 વર્ષોમાં ઉગ્રવાદી હુમલામાં હજારો લોકો માર્યા ગયા છે. ત્રણ પેઢી ઉગ્રવાદમાં તબાહ થઈ ગઈ છે."

"હું ભાવિ પેઢીને ઉગ્રવાદનો ભોગ બનવા દેવા માગતો નથી."

"મારું માનવું છે કે કાશ્મીરીઓએ જાપાનીઓની જેમ ફ્લૅક્સિબિલીટી લાવવી પડશે."

"પોતાના વિચાર, પોતાનાં ઘર અને દિમાગને નવેસરથી તૈયાર કરવા પડશે. નુકસાન થયું છે તેમાંથી ફરીથી બેઠા થવાનું છે."

માનવઅધિકાર ભંગ પર દુનિયા ધ્યાન આપે

ઇમરાન ખાન આની સરખામણી નાઝી સાથે કરી રહ્યા છે.

દુનિયાના બીજા દેશો અને સંયુક્ત રાષ્ટ્રસંઘ મોટા ભાગે ખામોશ છે. શું તમે પાકિસ્તાનની મદદ લેશો કે પછી દુનિયાના બીજા દેશોની સહાય માગશો?

તેના જવાબમાં ફૈઝલ કહે છે, "આંતરરાષ્ટ્રીય સમુદાયે આપેલા પ્રતિસાદથી હું નિરાશ થયો છું."

"કાશ્મીર પર ત્રણ અણુસત્તાઓ પોતાનો દાવો કરી રહી છે. આ એક ન્યુક્લિયર ફ્લૅશ-પૉઇન્ટ છે."

"દુનિયાના મોટા દેશોએ સ્થિતિને એમ જ છોડી દેવી જોઈએ નહીં. આ બાબત પર ધ્યાન આપવું જોઈએ."

"આ વિસ્તારમાં આ ત્રણે દેશો અણુયુદ્ધ કરી શકે છે. હું આશા રાખું છું કે દુનિયાભરના સમુદાયો અહીં થઈ રહેલી માનવઅધિકાર ભંગની ઘટનાઓને ધ્યાનમાં લેશે."

શું તમે આ મુદ્દે પાકિસ્તાનનો સાથ લેશો?

શાહ ફૈઝલ કહે છે, "આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન અસહાય લાગી રહ્યું છે. 70 વર્ષ સુધી ભારત અને પાકિસ્તાને કાશ્મીર મુદ્દે સમાધાન સાધ્યું નથી."

"હવે તેમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપનો સમય પાકી ગયો છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે કાશ્મીરમાં શાંતિ માટે બંને દેશોને મદદ કરવી જોઈએ. કાશ્મીરીઓનો અવાજ સાંભળવો જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો