You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કલમ 370ના ફેરફારના સમર્થનમાં કાશ્મીરી મુસલમાનોએ સરઘસ કાઢ્યું? : ફૅક્ટ ચેક
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કરાઈ રહ્યો છે અને સાથે દાવો કરાય છે કે 'જ્યારે કાશ્મીરમાં એક કલાક માટે કર્ફ્યુમાંથી છૂટ આપવામાં આવી ત્યારે કેટલાક લોકોએ રસ્તાઓ પર આવીને કલમ 370માં ફેરફાર કરવાના નિર્ણયનું સમર્થન કર્યું.'
આશરે એક મિનિટના આ વીડિયોમાં સફેદ કપડાં પહેરીને કેટલાક લોકો 'ભારત માતા કી જય'ના નારા લગાવી રહ્યા છે. વીડિયોમાં ભીડની આગળ ચાલી રહેલા બે યુવકોના હાથમાં તિરંગા છે.
અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયોને છેલ્લા 24 કલાકમાં કેટલાંક ફેસબુક ગ્રૂપ્સમાં અને અપ્રમાણિત ટ્વિટર હૅન્ડલ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ તમામ પોસ્ટ્સમાં આ વીડિયોને કાશ્મીરનો ગણવામાં આવે છે.
રવિવારે ઘણાં માધ્યમોથી જમ્મુ-કાશ્મીરના એવા સમાચાર આવ્યા હતા કે જેમાં દાવો કરાયો કે જમ્મુ-કાશ્મીરમાં ઈદ પહેલાં કર્ફ્યુમાં થોડી છૂટ આપવામાં આવી જેથી લોકો ઈદની તૈયારી કરી શકે.
સોમવારે સવારે ગૃહમંત્રાલયના પ્રવક્તાએ પણ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ઈદની નમાજ પઢી રહેલા લોકોની તસવીર જાહેર કરી છે.
પણ અમારી તપાસમાં અમને જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પર જે વીડિયોને કાશ્મીરનો કહીને શૅર કરાઈ રહ્યો છે, તે કાશ્મીરનો નહીં પણ કર્ણાટકના બેંગ્લુરુનો છે અને તેને કલમ 370 સાથે કોઈ સંબંધ નથી.
વીડિયોની હકીકત
આ વાઇરલ વીડિયો ફેબ્રુઆરી 2019નો છે અને વીડિયોમાં દેખાતા લોકો વ્હોરા મુસ્લિમ સમુદાયના છે, કાશ્મીરીઓ નથી.
રિવર્સ ઇમેજ સર્ચની મદદથી અમે આ વીડિયોની 'સૌથી જૂની સોશિયલ મીડિયા પોસ્ટ' શોધી તો ખબર પડી કે લિંડા ન્યોમાઈ નામના એક ટ્વિટર યૂઝરે 19 ફેબ્રુઆરી 2019ના રોજ આ તસવીર ટ્વીટ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે #IndianArmyOurPride અને #StandWithForces સાથે આ વીડિયો ટ્વીટ કર્યો હતો અને લખ્યું હતું, "સીઆરપીએફના શહીદ જવાનોની યાદમાં વ્હોરા મુસલમાનોએ બેંગ્લુરુના બનેરગટ્ટા રોડ વિસ્તારમાં એક શોભાયાત્રા કાઢી."
14 ફેબ્રુઆરી 2019એ ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં ઉગ્રવાદીઓએ સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં 40થી વધારે ભારતીય જવાન માર્યા ગયા હતા.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પુલવામા હુમલા પછી જવાનોની યાદમાં બેંગ્લુરુની જેમ મુંબઈ શહેરમાં પણ મુસ્લિમો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
સરઘસમાં સામેલ મુસલમાન કોણ?
પશ્ચિમ ભારતના ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં રહેતા દાઉદી વ્હોરા મુસલમાનોને એક વેપારી સમુદાય માનવામાં આવે છે.
દાઉદી વ્હોરા સમુદાયનો વારસો ફાતિમી ઇમામો સાથે જોડાયેલો છે, જેમણે પયગંબર હજરત મોહમ્મદ (570-632)ના વંશજ માનવામાં આવે છે.
આ સમુદાય મુખ્ય રીતે ઇમામો પ્રત્યે જ પોતાની શ્રદ્ધા ધરાવે છે. દાઉદી વ્હોરાના 21માં અને અંતિમ ઇમામ તૈય્યબ અબુલ કાસિમ હતા.
તેમના પછી 1132થી વધારે આધ્યાત્મિક ગુરુઓની પરંપરા શરૂ થઈ ગઈ.
ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સમુદાયના સર્વોચ્ચ ધર્મગુરુ સૈય્યદના મુફદ્દલ સૈફુદ્દીનને મળવા ઇંદૌર પહોંચ્યા હતા.
મુંબઈ સ્થિત દાઉદી વ્હોરા સમુદાયના કાર્યાલયના એક વરિષ્ઠ સભ્યે બેંગ્લુરુમાં યોજાયેલી આ શોભાયાત્રા અંગે બીબીસી સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો